કળીઓને કચડવાની પ્રવૃત્તિ પુરજોશમાં... કોણ જવાબદાર? - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • કળીઓને કચડવાની પ્રવૃત્તિ પુરજોશમાં… કોણ જવાબદાર?

કળીઓને કચડવાની પ્રવૃત્તિ પુરજોશમાં… કોણ જવાબદાર?

 | 1:25 am IST

કવર સ્ટોરી । રીના બ્રહ્મભટ્ટ

દિવસનો સન્નાટો તેની માસૂમ ચીસોથી વધુ ઘેરો બની ગયો. સમય થંભી ગયો, હવા પણ સ્તબ્ધ બની ગઇ. પરંતુ તે નરાધમના હાથ રોકાયા નહીં. બાળાના ડૂસકા દર્દના માર્યા સમી ગયા હવે તે બેભાન હતી. પરંતુ આ નર રાક્ષસ પર તેની કોઇ અસર હતી નહીં… જી, હા. અહીં આપણે વાત કરી રહ્યા છીએ. માસૂમ બાળાઓ પર વધી રહેલ અધમ કક્ષાના બળાત્કારોની કે જ્યાં માણસાઇ શર્મસાર થઇ જાય છે. માનવામાં પણ શરમ આવે છે, આ માણસો જ છે કે જે ફૂલોને ચૂંથી રહ્યા છે, કળીઓને કુચલી રહ્યા છે. વિકૃતિ પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી છે. સમાજમાં આવા નરરાક્ષસો વધી રહ્યા છે. ઢીંગલીઓે જેવી માસૂમોને તેમની વિકૃતિ સંતોષવાનું રમકડું આ નરાધમો બનાવી રહ્યા છે.

રોજની હેડ લાઇનમાં સામેલ થઇ રહેલ આવા બનાવો વાંચી આંખોમાં લાલસ આવી જાય છે. લોહી ઊકળી ઊઠે છે. ધિક્કાર છલકવા લાગે છે. પરંતુ મનમાં એક જ સવાલ ઘુમરાયા કરે છે કે, જે ફૂલ અવસ્થામાં છે, તેમનું શરીર માસૂમિયતની વ્યાખ્યા આપી જાય છે. રમકડાં જેવી લાગતી અને રમકડા સાથે રમતી આ કળીઓ માટે મનમાં ખરાબ ભાવના પેદા જ કેવી રીતે થાય? જેને જોઇને ભલભલા ચમરપંથીઓની આંખોમાં વહાલનો દરિયો ઉભરાઇ આવે તેવી દીકરીઓ સાથે સેક્સ?

છીટ…હદ છે આ નરાધમોને અને તોબા તેમની વિકૃતિઓથી કે જે વિકૃતિની ચરમસીમાએ પહોંચી ચૂકી છે. કેમ કે, આ પ્રકારના કારનામામાં ૪ માસની માસૂમ બાળાથી લઇને દરેક ઉંમરની બાળાઓ સાથે આચરવામાં આવી રહ્યા છે. તેથી જ રોષની ચિનગારી કેફિયત બની બદલાવની ભાવના બની ઊઠે છે. સહન નથી થતા આ અધમ કૃત્યો અને વળી એવું પણ નથી કે આવા બનાવો એકલ-દોકલ બની રહ્યા છે. ભાઇ તકલીફ તો ત્યાં છે કે, નાલાયકોનો આ સિલસિલો બની ચૂક્યો છે, અને તેથી જ તેને કોઇપણ ભોગે ડામવા જોઇએ. કોઇ પણ ભોગે તેમના દિમાગમાં હાવી થઇ ગયેલ વિકૃતિઓ ભગાડવી પડે. બિલકુલ સાંખી ના લેવાય.

અસલમાં આવા બનાવો એકવાર પણ બને તો ભારે ઊહાપોહ ઊઠવો જોઇતો હતો. તેના મૂળ શોધી આ ગૂમડાને કાપી નાખવાની જરૂર હતી. અન્યથા લોહી ચાખી ગયેલા વરુઓ ફરી શિકાર કર્યા વિના ના જ રહે. તેમજ આ બાબત સૌ માટે વિચાર માગી લે છે, કે આ વિકૃતિ આખરે કેવી રીતે અને ક્યાંથી પેદા થઇ? તેના મૂળ ક્યાં છે? ક્યાંકથી તો નીચ લોકોએ પ્રેરણા લીધી હશે? અન્યથા આવું બને જ કેવી રીતે? કેમ કે, દીકરીઓ તો બધાને ઘરે છે અને વળી બદલાયેલ માનસિક્તામાં લોકોને દીકરી વહાલનો દરિયો પણ લાગે જ છે. તો પછી આટલી હેવાનિયત કેવી રીતે આચરવામાં આવે છે ત્યારે માનો યા માનો પરંતુ ભારતમાં આ પ્રકારના બનાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ અંગેના કેટલાક તથ્યો પર નજર નાખીએ તો,

જેમાં સૌથી પહેલા ધ્યાન ખેંચે તેવી બાબતમાં તો મધ્ય પ્રદેશના ઉન્નાવમાં સાત વર્ષની બાળા સાથે બળાત્કાર અને ત્યારબાદ કાશ્મીરમાં ૮ વર્ષની બાળા સાથે સામૂહિક બળાત્કાર બાદ હત્યા… કેટલાક વધુ આંકડા જોઇએ તો,

નેશનલ ક્રાઇમ રેકોર્ડના આંકડા પ્રમાણે, પાછલા પાંચ વર્ષમાં બાળકીઓ સાથે બળાત્કાર મામલામાં વર્ષ ૨૦૧૨-૧૩માં ૮,૫૪૧થી વધીને ૨૦૧૬-૧૭માં ૧૯, ૭૬૫ જેટલા એટલે કે બે ગણાથી પણ વધી ચૂક્યા છે. પરંતુ જમીની સચ્ચાઇ તે છે કે આ આંકડા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે તેવા હિંસાના એક તસ્સુભાર જેટલા છે. આ અંગે થોડા સમય પહેલા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ‘ધ નેશનલ સ્ટડી ઓન લાઇન ચાઇલ્ડ અબ્યુઝ’ માં દેશના ૧૩ રાજ્યોના ૧૭,૦૦૦ બાળકો સાથે વાત કરીને ચોંકાવનારા નિષ્કર્ષ કાઢયા હતા. સ્ટડી મુજબ ૫૩.૨ ટકા જેટલા બાળકોએ એક પ્રકારે કે પછી એક કરતાં વધારે પ્રકારે યૌન હિંસાનો શિકાર થવાની વાત માની હતી.

વેલ ત્યારે તે પણ જાણી લો કે, ૨૦૧૨માં ભારત સરકારે પહેલી વાર એક સમગ્ર કાયદો બાળકો અંગેના અત્યાચાર મામલે બનાવ્યો છે જે ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સુઅલ ઓફેન્સિસ એક્ટ (પોક્સો) બનાવવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર બળાત્કારને ફક્ત પેનિટ્રેશન સુધી સીમિત રાખવાને બદલે અન્ય પ્રકારની યૌન હિંસા જેમ કે, ઓરલ સેક્સ, બાળકોના અંગત પાર્ટ્સ સાથે છેડછાડ કરવી કે વયસ્કોના ગુપ્તાંગો સાથે છેડછાડ કરાવવી જેવી બાબતો સામેલ કરીને બળાત્કારની પરિભાષા વિસ્તૃત કરવામાં આવી છે.

પરંતુ શું આટલું આ નરાધમોની વિકૃતિઓ કાબૂમાં લાવવા પૂરતું છે ? જી,ના કેમ કે, આના મૂળિયા વધુ ઊંડા ઉતારી ચૂક્યા છે. અને તેમાં લોકોની પોતાની માનસિક્તા પણ એટલી જ જવાબદાર છે, તો જે આઇટી યુગ વરદાન બન્યો છે તેની સાઇડ ઇફેક્ટમાં પાંગરી રહેલ મિસયૂઝ પણ એટલો જ જવાબદાર છે. યૂ ટયૂબ અને ગૂગલ પર પીરસવામાં આવતી પોર્ન સામગ્રીએ લોકોના દિમાગમાં પલીતો ચાંપ્યો છે. પેલી જૂની કહેવત અનુસાર અન્ન તેવો ઓડકાર અને આંખો જૂવે તેવું દિમાગ વિચારે અનુસાર ઘણા ખરા લોકો દિવસમાં એકાદ વાર પણ આવી ગંદગી જૂવે છે અને પછી આખો દિવસ દિમાગમાં ગંદગી લઇ ફરે છે અને તક મળે આ ગંદગી ઠાલવે પણ છે. તેનું તમને એક સત્ય અને સચોટ ઉદાહરણ આપું તો.

સવારના પહોરમાં વોટ્સએપમાં ચાલુ થતા મોબાઇલ મેસેજિસમાં એક સજ્જને (દુર્જન) તેના મિત્રને કઇ પણ વિચાર્યા વગર તેને ફોરવર્ડ થયેલ ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો ખૂબ ઉત્સુક્તાપૂર્વક ફોરવર્ડ કર્યો અને મિત્રે તેની પત્નીને બતાવતા તે ચોંકી ઊઠી. અને તેણે તેના પતિએ ઝાટકતા તુરંત આ વીડિયો ડિલીટ કરાવ્યો. પરંતુ આ પૂરતું ના હતું કેમ કે, આવા વીડિયો જે લોકો જુએ છે અને ફોરવર્ડ કરે છે તે લોકો મઝાથી આવા વીડિયો જુએ છે. કોઇ તેમ નથી વિચારતું કે, આવા વીડિયોથી જ ખોટા લોકોને તે મેસેજ જાય છે કે, બાળકો સાથે પણ સેક્સ કરી શકાય છે કે પછી બાળકો આવા સસ્તા મનોરંજનનું સાધન છે.

બાકી જો લોકોમાં સજ્જનતા કે સંસ્કાર કે ખોટું વિચારવાના ગુણો હોય તો તે પ્રથમ તો આવા મેસેજ ફોરવર્ડ કરનાર સામે લાલ આંખ કરે કે, હાઉ ડેર યુ… તમે જોઇ કે વિચારી જ કેવી રીતે શકો અને મને ફોરવર્ડ કરવાની હિંમત જ કેવી રીતે થઇ… અને આવો વિરોધ દરેક લોકો કરે તો આવી સામગ્રી ફેલાય નહીં અને ગંદા મેસેજ જાય પણ નહીં. તેથી જ કહેવું પડે છે કે આઇટી યુગ ગંદગી પીરસવાનું પાત્ર બન્યું છે તો લોકો પણ તેના પોતાના બાળકોનો વિચાર કર્યા વગર આવા વીડિયો જુએ છે અને ફોરવર્ડ પણ કરે છે.

ત્યારે અગર લોકોની વૃત્તિ જો આવી જ હોવાની માસૂમો સાથે અત્યાચાર પણ વધવાના જ છે. તેથી જ થોડીવાર માટે ગલગલિયા કરાવી જતી આવી ગેરજવાબદાર પ્રવૃત્તિથી અળગા રહો. ધિક્કારો અને બીજાને પણ રોકો. ભારતીય સભ્ય સમાજને આવી બેહૂદા પ્રવૃત્તિઓ શોભે નહીં. પશ્ચિમિયા આંધળા અનુસરણમાં એટલા પણ ના બહેકી જાવ કે સારા નરસાનું ભાન ન રહે. માની લો કે તમારા ઘરમાં બેટી નથી પરંતુ આવનારી પેઢીમાં બેટી અવતરી પણ શકે. તેથી જ તમે જ નહીં બલકે તમારા પુત્રને પણ સમગ્ર સ્ત્રી જાતિનં સન્માન કરતાં શીખવો. સ્ત્રી તે કોઇ સસ્તું એન્ટરટેઇમેન્ટનું સાધન નથી. સ્ત્રીથી જ સમાજ ચાલે છે, સ્ત્રીથી જ સમાજ ઊજળો છે. કેમકે, દરેક પુરુષની માતા તે આખરે એક સ્ત્રી જ હોય છે. બસ આટલું સમજી લેજો…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન