બિલ્ડરોને મદદ કરતાં કરતાં એ પોતે જ બિલ્ડર બની ગયો! - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • બિલ્ડરોને મદદ કરતાં કરતાં એ પોતે જ બિલ્ડર બની ગયો!

બિલ્ડરોને મદદ કરતાં કરતાં એ પોતે જ બિલ્ડર બની ગયો!

 | 5:40 am IST

ગોડફાધર્સ :- શીલા રાવલ

દાઉદના ભાઈ શબ્બીરની હત્યાના કેસમાં ઝડપાયેલો અમીરઝાદા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યારે સેશન્સ કોર્ટના કમ્પાઉન્ડમાં જ એની ઉપર ગોળીઓનો વરસાદ વરસાવીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે કડીઓ મેળવીને બડા રાજન તથા ડેવિડ પરદેસીની ધરપકડ કરી. દાઉદે કોર્ટ અને કેદમાં એના જાનનું જોખમ સાબિત રીને આગોતરા જામીન મેળવી લીધા. શબ્બીરની હત્યાનો બીજો શંકાસ્પદ હત્યારો આલમઝેબ ગુજરાતમાં પોલીસના હાથે અજાણતાં ઠાર મરાયો. આ બધા ઘટનાક્રમ પછી પઠાણ ગેન્ગના સ્થાપક કરીમ લાલાએ દાઉદની વધતી જતી તાકાત અને વગ સમજી લીધા. અને દાઉદને સમાધાનનું કહેણ મોકલ્યું. પરંતુ એના બીજા જ દિવસે કરીમ લાલાના ભત્રીજા સમદખાને  દાઉદના નાના ભાઈ નૂરાની હત્યા માટે પ્રયાસ કર્યો. પછી સમાધાનની કોઈ શક્યતા રહી નહીં.

ઓક્ટોબર ૧૯૮૪માં સમદખાનની હત્યા થઈ ગઈ. સ્પષ્ટ હતું કે એમાં દાઉદ અને અનીસનો હાથ હતો. એ પછી મુંબઈમાં હત્યાઓનો સિલસિલો ચાલ્યો. એમાં જ્યારે કરીમ લાલાનો ભાઈ રહીમ લાલા હણાયો એ પછી ધીમે ધીમે મુંબઈની નાની નાની ગેન્ગ દાઉદના આધિપત્યમાં આવતી ગઈ. રમા નાઈક, બાબુ રેશિમ, અરૂણ ગવળી, શરદ શેટ્ટી, છોટા રાજન અને અશોક જોશી દાઉદ માટે કામ કરવા માંડયા. એમનું કામ હતું ગેરકાયદે દારૂ, સ્મગલિંગનો અસલી નકલી માલ સલામત રીતે લાવવા-લઈ જવા દેવો. જમીન પર કબજા કરવા તથા સંરક્ષણના નામે લાખ્ખો, કરોડો રૂપિયા ઊઘરાવવા. ભાડૂઆત ધારાના કારણે હજારો મકાનો મકાન માલિકો ખાલી કરાવી શકતા નહોતા. એ ખાલી કરાવવાનું કામ દાઉદ વતી આ નાની નાની ગેન્ગ કરતી હતી. (યાદ છે, લગ રહો મુન્નાભાઈ?) ૧૯૭૬માં મુંબઈ અર્બન લેન્ડ સીલીંગ કાયદો અમલમાં આવ્યો એ પછી રીયલ એસ્ટેટના બિગ શોટ્સને પોતે મોટી મોટી મહાત્ત્વાકાંક્ષી સ્કીમ માટે ખરીદેલી જમીનો ખાલી કરાવવામાં મુશ્કેલી પડવા માંડી. એમાં દાઉદની તથા એની નાની નાની ગેન્ગની મદદ લેવાની શરૂઆત થઈ અને થોડા જ વખતમાં દાઉદને સમજાઈ ગયું કે આમાં કોઈના માટે જોખમ ખેડવા કરતાં જાતે જ બિલ્ડર કેમ ન થઈ જવાય? (૮૦ના દાયકામાં આવેલી ફિલ્મ ત્રિશૂલનો વિજય એનું જ પ્રતીક છે)

બિલ્ડરો, ડેવલપરો અને ઉદ્યોગપતિઓ ડગલે ને પગલે પોતાના કામ કાયદાની વર્ષો લાંબી પ્રોસેસમાં ખોટકાઈ ન જાય એ માટે દાઉદ અને એના જેવા ગેન્ગ્સ્ટરોની મદદ લેવા લાગ્યા. એમાં દાઉદની ગેન્ગ જબરજસ્ત મોટી અને પાવરફૂલ બની ગઈ. મોટા બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ અને ગેન્ગ્સ્ટરોની સાંઠગાંઠનું સૌથી વરવું અને ભયાનક સ્વરૂપ ૧૯૯૪માં જોવા મળ્યું. ૬ માર્ચ ૧૯૯૪ના રોજ  વિવાદાસ્પદ જમીનની તકરારમાં શીતલ સ્ટોર્સવાળા બાબુભાઈ શાહની હત્યા કરવામાં આવી. અને ૭ મે ૧૯૯૪ના રોજ ટેક્સટાઈલ મિલના માલિક સુનિત ખટાઉની હત્યા કરી દેવામાં આવી. સુનિત ખટાઉ અરૂણ ગવળી ગેન્ગના ફાઈનાન્સર અને મોટા શુભેચ્છક તરીકે જાણીતા હતા. તે પોતાની મિલની આસપાસની જમીન વેચી દેવાની તૈયારી કરી રહ્યા હતા અને ધીમે ધીમે મિલ બોરીવલી લઈ જવાની યોજના ઘડી રહ્યા હતા. જો આ સોદા સારી રીતે પાર પડે તો અરૂણ ગવળીને ખાસ્સો તડાકો પડી જાય એમ હતો અને તે આર્થિક રીતે ખુબ મજબુત બની જાય એમ હતું. અરૂણ ગવળીની હરીફ એવી અશ્વિન નાઈક ગેન્ગે સુનિત ખટાઉનું જ પત્તું સાફ કરી દેવાની યોજના પાર પાડી દીધી હતી.

હત્યાના દિવસે મહાલક્ષ્મી રેલ્વે સ્ટેશન પાસે સુનિત ખટાઉની કર્સિડીઝને આંતરવામાં આવી. નાઈક ગેન્ગના માણસોએ દક્ષિણની ફિલ્મોમાં જોવા મળે છે એ રીતે મજબુત હથોડાઓ લઈને કારના કાચ તોડી નાંખ્યા હતા. આગળની વિન્ડશિલ્ડઅને બારીના કાચ તૂટી જતાં જ સુનિત ખટાઉને ઠાર મારવામાં આવ્યા હતા. આ કેસ ટાડા(ટેરરિસ્ટ એક્ટિવિટી ડિટેન્શન એક્ટ) હેઠળ ચલાવવામાં આવ્યો હતો, પરંતુ સુનિત ખટાઉની પત્નીએ ધારાશાસ્ત્રીઓની વાત ન માની અને એમના કહ્યા પ્રમાણે જુબાની ન આપતાં આરોપીઓને ટાડા કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા.

રીયલ એસ્ટેટમાં કામ કરતા દિગ્ગજોને ખબર નહોતી કે તેઓ પોતપોતાના વિવાદ પોતાની શરતે પાર પાડવા ગેન્ગ્સ્ટરોને મદદમાં લઈને વાઘને લોહી ચખાડી રહ્યા છે. ગેન્ગસ્ટરોએ પોતાના પ્રભાવની મદદથી મોટી મોટી કિંમતી મિલ્કતો મનફાવતા ભાવે ખરીદવા માંડી. દાઉદે પણ પોતાના અને પોતાના પરિવારજનોના અને ઓળખીતા તથા સાગરિતોના નામે સંખ્યાબંધ મિલ્કતો ખરીદી લીધી.મહેસુલ વિભાગના ઈન્ટેલિજન્સ વિભાગે પુરી પાડેલી માહિતી અને પોલીસે મેળવેલી માહિતી મુજબ દાઉદ પાસે મુંબઈ અને મહારાષ્ટ્રમાં કુલ ૭૬ મિલ્કતો હતી. મુંબઈ બ્લાસ્ટ કેસમાં દાઉદ આરોપી ઠરાવવામાં આવ્યો અને તે ભાગેડૂ જાહેર થયો એ પછી ટાડા કોર્ટના આદેશથી એ બધી મિલ્કતોને સીલ કરી દેવામાં આવી.

એ પહેલાં સમદખાનના ખૂન કેસમાં જામીન મેળવીને બહાર આવ્યા પછી દાઉદે નવો પાસપોર્ટ બનાવડાવવાનું કામ સૌથી પહેલાં કર્યું, કારણ કે એનો પાસપોર્ટ કોર્ટના આદેશથી સરકારમાં જમા કરાવી દેવો પડયો હતો. નવોપાસપોર્ટ બનાવીને દાઉદ દુબઈ ઉડી ગયો. એ પછી એ ભાગ્યે જ ભારત આવ્યો છે. અધિકૃત રેકોર્ડમાં દર્શાવ્યું છે કે દાઉદે ત્યાં બેઠાં પોતાના નામે અન્ય કેટલાક પાસપોર્ટ પણ કઢાવી લીધા છે. નવેક વર્ષે તેણે એક અંગ્રેજી સામયિકને ઈન્ટરવ્યૂ આપતાં કબૂલ કર્યું હતું કે એ પાસપોર્ટના સહારે એ આખા વિશ્વમાં નિરાંતે આવ-જા કરતો રહે છે. માત્ર ભારતને જે દેશો સાથે પ્રત્યાર્પણ કરાર છે એ દેશોથી દુર જ રહે છે. દાઉદ દુબઈ ભાગી ગયો અને ત્યાં જ સેટ થઈ ગયો એ પછી એના ભાઈઓ પણ ભારત છોડી ગયા. દાઉદની બે બહેનોના અવસાન થઈ ગયા. ચાર મુંબઈમાં રહે છે અને એક બહેન દુબઈમાં સેટ થઈ ગઈ છે.

હવે દાઉદ માટે દુબઈ એની સપનાની નગરી બની ગયું. જે માણસે મુંબઈમાં નાનકડા ઘરમાં ડઝનબંધ પરિવારજનો સાથે રહેવું પડયું હોય એને દુબઈ જેવી મોકળાશ મળે તો શું થાય! અહીં તેણે કાયદેસર બાંધકામ કંપની અને ટ્રેડિંગ કંપનીની સ્થાપના કરી છે. તે લોકોમાં ડી કંપની તરીકે જાણીતી છે. શોપીંગ માટેના સ્વર્ગ ગણાતા  અલ ફહિદિ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી ૧૭ માળની પર્લ નામની બિલ્ડિંગમાં ૧૨મા માળે ડી કંપનીની ઓફિસો આવેલી છે. તેનો તમામ કાયદેસર અને ગેરકાયદેસર  કારોબાર અહીંથી જ ચલાવવામાં આવે છે. મુંબઈ પોલીસ કહે છે કે  દુબઈના વૈભવી વિસ્તાર જુમૈરાહમાં એણે આધુનિક બંગલો ખરીદી લીધો એ સાથે જ તેનું મહેલ જેવા વિશાળ અને વૈભવી ઘરમાં રહેવાનું બચપણનું સપનું સિદ્ધ થઈ ગયું છે. તદ્દન સફેદ રંગના આ ભવ્ય બંગલાને લોકો વ્હાઈટ હાઉસ તરીકે ઓળખે છે.

(ક્રમશઃ)