'બૂરા ન માનો હોલી હૈ'નું લાઇસન્સ એટલે હોળી-ધુળેટી! - Sandesh
  • Home
  • Columnist
  • ‘બૂરા ન માનો હોલી હૈ’નું લાઇસન્સ એટલે હોળી-ધુળેટી!

‘બૂરા ન માનો હોલી હૈ’નું લાઇસન્સ એટલે હોળી-ધુળેટી!

 | 4:52 am IST

રોંગ નંબર :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

સ્ટીવ મેરાબોલી નામના લાઇફકોચનું કહેવું છે કે : Never underestimate thehealing power of silliness and a bsurdity’ જાત પર કરેલી રમૂજ કે મૂર્ખતા શ્રેષ્ઠ સ્વાસ્થ્યવર્ધક શક્તિ છે એને ક્યારેય નજરઅંદાજ કરી શકાય નહીં! આ અર્થમાં મને એ લોકોના સ્વાનુભવની વાત તદ્દન સાચી લાગે છે કે હોળી મૂર્ખાઓનો તહેવાર છે! જુઓને, એટલે તો આ તહેવાર દરેકને પોતાનો જ લાગતો હોય છે! એક આ જ તહેવાર એવો છે જેમાં કોઈનેય એકબીજા માટે પરાયાપણાનો સહેજ પણ ભાવ પેદા નથી થતો. એક આ જ તહેવાર એવો છે જ્યારે દરેક વ્યક્તિ એકબીજા માટે અરીસો બની જાય છે અને એકબીજા પર મુક્તમને હસી લેતાં હોય છે!

જ્યોર્જ બર્નાર્ડ શોને કોઈએ પૂછયું : સભ્યતાના સંદર્ભે આપનો શો ખ્યાલ છે? શોએ જવાબ આપ્યો : સભ્યતા એ બહુ સારો વિચાર છે, પરંતુ કોઈએ એ વિચારને આચારમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. બર્નાર્ડ શોનું આ વિધાન, યાદ ન કરવું હોય તો પણ હોળીના દિવસોમાં અચૂક યાદ આવી જાય એવો આજે માહોલ જોવા મળે છે.

હોળીનો તહેવાર માણસો ઊજવતા હોય કે રાજકારણીઓ, બર્નાર્ડ શોના આ જવાબને સાચો પાડવાની જવાબદારી પૂરી નિષ્ઠાથી બજાવતા હોય છે. કેટલાંક લોકો કદાચ એટલે જ આ દિવસે ‘બૂરા ન માનો હોલી હૈ’નું લાઇસન્સ લઈને બૂરોત્તમમાં બૂરોત્તમ શબ્દોનો કે વર્તનનો પ્રયોગ કરી લેતા હોય છે! આમ તો નાનાં-મોટાં દરેક ક્ષેત્રે હોળીનો ઉત્સવ ભારે ઉત્સાહથી ઊજવાતો હોય છે પણ દરેક ક્ષેત્રે બૂરા ન માનો હોલી હૈનું ઇન્જેક્શન આપીને થોડા સમય માટે સભ્યતાને ઊંઘપીતી કરી દેવામાં આવે છે, પરિણામે હોળી બેફામ બની જાય છે!

‘હોળી ઊજવવી’ અને ‘હોળી કરવી’ આ બેમાં ફરક છે. કેટલાંક લોકો સ્વભાવવશ એવું માની બેસતાં હોય છે કે હોળી એટલે એકબીજા પર કાદવ-કીચડ ઉછાળીને એકબીજાને એકબીજા માટે બિહામણાં બનાવી દેવાનો તહેવાર. જો એવું જ હોત તો સમયે સમયે થતી ચૂંટણીપ્રચાર સભાઓમાં જે રીતે એકબીજા પર કાદવ ઉછાળીને વગર હોળીએ, ‘હોળી હોળી’ રમાતી હોય છે એમાં અને ફાગણસુદ પૂનમની ઓથેન્ટિક હોળીમાં કોઈ જ ફરક ન રહ્યો હોત પણ એવું નથી એનો આનંદ છે. હોળી એ કંઈ રાજકારણીઓની મોનોપોલી નથી, બીજાં ઘણાબધાં ક્ષેત્રોએ એ મોનોપોલીમાં યથાશક્તિ ગાબડાં પાડયાં જ છે!

હોળીનો સંબંધ અધ્યાત્મ સાથે પણ એટલો જ ઊંડો છે જેટલો સમાજ સાથે છે. પતંજલિનાં યોગસૂત્રમાં સાત પ્રકારનાં ચક્રોનું વર્ણન આવે છે. આ સાતેય ચક્રો પર વિવિધ રંગની વિવિધ અસરો જોવા મળે છે. (૧) મૂળચક્ર : આ ચક્રનું રહેઠાણ કરોડરજ્જુનાં છેક મૂળમાં છે. કલર સાઇકોલોજી એવું કહે છે કે કરોડરજ્જુને મજબૂત રાખવા માટે લાલ રંગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આનો અર્થ એ થયો કે જે જે નેતાઓ કે ઉપનેતાઓ અવારનવાર પાટલી બદલતા રહે છે અથવા તો પાટલી બદલવાની ધમકી આપતા રહે છે એવા પાટલીપુત્રોને આજે લાલ રંગથી રંગવા જોઈએ કે જેથી કરીને એમની કરોડરજ્જુ મજબૂત બને અને કૂદાકૂદ કરતા પગને સ્થિરતા મળે, પરિણામે પાર્ટી અકબંધ રહે! (૨) સ્વાધિષ્ઠાન ચક્ર : આ ચક્રનું સ્થાન પેટની સહેજ નીચે, જે શરીરને ઊર્જા આપવાનું કામ કરે છે. કલર સાઇકોલોજી પ્રમાણે આવી ઊર્જાને વધારે એનર્જેટિક બનાવવાનું કામ ઓરેન્જ કલર કરે છે. જે લોકોને, ખાસ કરીને રાજકારણીઓને કોઈ અધિકારીવર્ગ ગાંઠતો ન હોય તો એવા નેતાઓને પાણીદાર ઊર્જાવાન બનાવવા માટે ઓરેન્જ કલરથી પૂરેપૂરા રંગી નાખવા જોઈએ. એકાદ-બેને બાદ કરતાં પાણીદાર નેતાઓની અછત જોવા મળે છે. જેટલું વિટામિન ઓરેન્જ જ્યુસમાંથી મળે છે એટલું, કદાચ એનાથીય વધારે વિટામિન ઓરેન્જ કલરમાંથી પણ મળે છે! (૩) સૂર્યચક્ર : અંગ્રેજીમાં આને Solar Plexus ચક્ર કહે છે. આનું લોકેશન પેટની સહેજ ઉપરના ભાગમાં છે. કહેવાય છે કે જે લોકોમાં કે જે નેતાઓમાં આત્મસન્માનની ઊણપ હોય એવાઓને પીળા રંગે રંગવામાં આવે તો ‘હું ચમચો મટી માણસ થાઉં તોય ઘણું’ અથવા તો ‘હું પડછાયો મટી નેતા થાઉં તોય ઘણું’ એવું માનતો ચોક્કસ થઈ જાય, કેમ કે, પીળો રંગ સ્ટ્રોંગ ઇમોશનલ કલર કહેવાય છે!

(૪) હૃદયચક્ર : આનું લોકેશન છે છાતીની Left સાઇડમાં પણ રાતદા’ડો કામ કરે છે જિંદગીને Right સાઇડમાં રાખવાનું! આમ એ કહેવાય ડાબેરી પણ એની વિચારસરણી જમણેરી છે! આ ચક્રને લીલો રંગ વધારે માફક આવે છે. લીલો રંગ ફક્ત કલરમાં જ લીલો નથી, સ્પર્શમાં પણ ‘લીલો’ છે. એની ભીનાશ જ સૂકા બાવળિયા જેવો સ્વભાવ ધરાવતા જડ માણસને પણ લાગણીથી હર્યોભર્યો કરી દે છે. ગમે તેટલો દુકાળિયો નેતા પણ પોતાને મળતી ગ્રાંટનો પૂરેપૂરો ઉપયોગ ન કરતો હોય(અરે ભ’ઈ એના વિકાસ માટે નહીં, જનતાના વિકાસ માટે) તો એને લાલ રંગથી રંગી નાખો, જુઓ પછી એની અસર એ બીજી જ સેકન્ડે એવું ગાતો થઈ જશે કે યે લાલ રંગ કબ મુઝે છોડેગા…! (૫) કંઠચક્ર : ગળાનો મધ્ય ભાગ એનું રહેઠાણ છે કલર સાઇકોલોજી મુજબ કંઠચક્રને બ્લૂ કલર વધારે મેચ થાય છે. સાવ ગગા જેવો માણસ, માણસ મટીને સવાયા ગગા જેવો નેતા બની ગયો હોય અને બોલવામાં વારંવાર બાફ્યા કરતો હોય તો એને બ્લૂ કલરથી રંગી નાખો. વાદળી રંગમાં એવી એનર્જી છે કે એ સાવ બાઘાસમ્રાટને પણ ઇન્ટલેક્ચ્યુઅલ બનાવી દે છે. કહેવાય છે કે જે લોકો બાળપણમાં ‘રંગ રંગ વાદળિયાં’ રમી શક્યાં નથી, એમને મોટપણમાં વાદળી રંગ વધારે અનુકૂળ આવે છે!

(૬) આજ્ઞાચક્ર : અંગ્રેજીમાં આને Third eye ચક્ર કહે છે. આનું સ્થાન બંને આઇબ્રોની મધ્યમાં હોય છે. તમને લાગે કે ફલાણો માણસ કે ઢીંકણો નેતા પોતાના પ્રમાણમાં પોતાનું હોવું જોઈએ એટલું પ્રમાણ જાળવી શકતો નથી તો એના કપાળમાં લાલ તિલક નહીં પણ ઇન્ડિગો કલરનું એટલે કે ગળી કલરનું તિલક કરી દો જરૂર પડે તો આખું પીપડું એના પર ઢોળી દો, જુઓ પછી એનો ચમત્કાર! એને હવે ક્યારેય એવું કહેવું નહીં પડે કે ભાઈ હવે તો માણસ બન! ઘાટા વાદળી રંગની કમાલ જ એ છે કે એ સાવ વેતા વગરના નેતાને પણ ક્યારેક અભિનેતા કે મહાનેતા બનાવી દે છે! (૭) શિરચક્ર : The Crown : આનું લોકેશન માથાના ટોચના મધ્ય ભાગમાં છે. કલર એક્સ્પર્ટનું કહેવું છે કે એકદમ ગરમ મિજાજ ધરાવતા માણસને કે નેતાને બરફ જેવો ઠંડો કરીને સાવ શાંત પાડી દેવો હોય તો એને વાયોલેટ કલરથી કે પછી વ્હાઇટ કલરથી રંગી નાખો પછી જુઓ એનું પરિણામ! એ તો આજ સુધી કોઈએ કબૂલ નથી કર્યું એટલે જાહેર નથી થયું, બાકી ગઈ કાલ સુધી બ્રહ્માંડ ગજાવતા પુરુષો આજે ચૂં કે ચાં નથી કરી શકતા એનું કારણ આ જ છે કે એ લોકોને આ રંગની સહેજ પણ ગંધ ન આવે એ રીતે એમની વાઇફોએ એમને આ રંગથી પૂરેપૂરા રંગી નાખ્યા હોય છે. આ બધું હું અનુભવ વગર નથી કહેતો સાહેબ!

મિત્રો, આજે હોળી-ધુળેટીનો તહેવાર છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે અત્યારે કોણ, કોને, કયા રંગથી રંગી જવાની કળા કરી રહ્યું છે!

ડાયલટોન :  

  • ચાલો બહેન, હોળીનાં દર્શન કરવાં.
  • આજે તો ‘એ’ ઘરે છે, મારો ધક્કો બચી ગયો.