business Budget 2020: internet Rs. 5 million
  • Home
  • Budget
  • Budget 2020: ભારત નેટ પ્રોગ્રામ માટે રૂ. ૬,૦૦૦ કરોડ

Budget 2020: ભારત નેટ પ્રોગ્રામ માટે રૂ. ૬,૦૦૦ કરોડ

 | 6:51 am IST

નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા આજે શનિવારે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં વિવિધ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને યુવાવર્ગને આકર્ષવા સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ એફડીઆઇની ટકાવારી તેમજ સ્ટાટ્ર્અપના ટર્નઓવરની લિમિટમાં વધારો કરવામાં આવ્યો હતો.

નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્ર અંતર્ગત ડિજિટલ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા માટે ભારત નેટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જે માટે રૂ.૬,૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભારત નટે પ્રોગ્રામ અંતર્ગત ઘર તેમજ ઓફિસમાં જે લોકો બ્રોડબેન્ડ કનેક્શન ધરાવે છે તેમને ૨૦ એમબીપીએસની સ્પીડથી ઇન્ટરનેટની કનેક્ટિવિટી મળી શકશે. જે માટે ફાયબર કેબલ મારફતે ગ્રામીણ વિસ્તારોમાં પણ કનેક્ટિવિટીમાં સુધાર લાવવા સહિતના કામો માટે વધુ નાણાંની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્યવિસ્તારોમાં ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ન્યૂઝપ્રિન્ટ પરની ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડીને ૫ ટકા કરવા દરખાસ્ત

સંસદમાં રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ ૨૦૨૦ -૨૧નાં બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને ન્યૂઝપ્રિન્ટ પરની ઇમ્પોર્ટ ડયૂટી હાલ ૧૦ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાની દરખાસ્ત કરી છે. સરકારે ગયા વર્ષનાં બજેટમાં ન્યૂઝ પ્રિન્ટ અને લાઇટવેઇટ કોટેડ પેપર પર ૧૦ ટકા મૂળભૂત કસ્ટમ્સ ડયૂટી લાદી હતી. આ ડયૂટીને કારણે પ્રિન્ટ મીડિયા પર નાણાકીય બોજ વધ્યો હોવાની અનેક ફરિયાદો નાણાપ્રધાનને કરવામાં આવી હતી. પ્રિન્ટ મીડિયા હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી દ્વારા ન્યૂઝપ્રિન્ટ પરની ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડવા કે રદ કરવા માગણી કરાઈ હતી. પ્રિન્ટ મીડિયાની માગણીને ધ્યાનમાં લઈને સીતારામને ન્યૂઝ પ્રિન્ટ અને લાઇટવેઇટ કોટેડ પેપર પરની આયાત જકાત ઘટાડીને ૫ ટકા કરવા ભલામણ કરી છે. દેશમાં સ્ટાન્ડર્ડ ન્યૂઝપ્રિન્ટનો વપરાશ ૨.૫ મિલિયન ટન છે જ્યારે દેશની મિલોની ઉત્પાદન ક્ષમતા ફક્ત ૧ મિલિયન ટનની જ છે.

સ્ટાર્ટઅપ ટર્નઓવરની મર્યાદા વધારાવા દરખાસ્ત  

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે સ્ટાર્ટઅપ ટર્નઓવરની મર્યાદા વધારવામાં આવી હતી. જેમાં રૂ. ૨૫ કરોડનું ટર્ન ઓવર ધરાવતાં સ્ટાર્ટઅપને જો સતત ટર્નઓવર રૂ.૨૫ કરોડથી વધુ ન આવે તો સાત વર્ષમાંથી સતત ત્રણ આકારણી વર્ષ માટે તેના નફામાં ૧૦૦ ટકા કપાતની મંજૂરી છે. આ લાભ મોટા સ્ટાર્ટઅપ સુધી પહોંચાડવા માટે સરકારે ટર્નઓવર મર્યાદા હાલનાં રૂ. ૨૫ કરોડથી વધારીને ૧૦૦ કરોડની દરખાસ્ત કરી છે.

FDI : ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા

જીવન વીમા પરિષદની તાજેતરમાં મળેલી બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં એફડીઆઇની કેપ ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે મામલે આજે બજેટમાં પણ એફડીઆઇની ટકાવારીને ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન