Business RBI canceled 368 licenses of NBFCs for this reason
  • Home
  • Business
  • RBIએ આ કારણથી NBFCના 368 લાઇસન્સ રદ કર્યાં

RBIએ આ કારણથી NBFCના 368 લાઇસન્સ રદ કર્યાં

 | 1:15 pm IST

રિઝર્વ બેન્કે જૂનમાં પૂરા થયેલા છ માસિક ગાળામાં ૩૬૮ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી)ના લાઇસન્સ રદ કર્યાં છે. ૨૦૧૭ના વર્ષમાં રદ કરવામાં આવેલા લાઇસન્સની સંખ્યા કરતા આ સંખ્યા બમણી છે. રિઝર્વ બેન્કના નિયમોનું પાલન નહીં કરવા બદલ બેન્ક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

આ ક્ષેત્રમાં સાફ સફાઈના પ્રયાસ તરીકે આ પગલાંને જોવામાં આવી રહ્યું છે કે જેમાં ૧૧,૪૦૨થી વધુ કંપનીઓ છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કની આવશ્યક્તા અનુસાર એનબીએફસી પાસે રૂ.૨ કરોડનું ભંડોળ હોવું જોઈતું હતું પરંતુ આ નિયમનું પાલન નહીં કરવા બદલ તેમની સામે પગલાં લેવામાં આવ્યાં છે.

નવી એનબીએફસી માટે રૂ.૨ કરોડના ભંડોળની મર્યાદા રાખવામાં આવી હતી જ્યારે જૂની એનબીએફસીને અગાઉની મૂડીની આવશ્યક્તાને અનુલક્ષી કામગીરી ચાલુ રાખવા જણાવાયું હતું. રિઝર્વ બેન્કે તમામ એનબીએફસી માટે ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધીમાં કમસે કમ રૂ.૨ કરોડનું ભંડોળ ધરાવવાનું આવશ્યક બનાવ્યું હતું. રૂ. ૨ કરોડથી ઓછું ભંડોળ ધરાવનારી એનબીએફસી આર્થિક દૃષ્ટિએ વહેવારુ નથી, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

રિઝર્વ બેન્કના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર આ વર્ષે ૩૧મી માર્ચના રોજ એનબીએફસી ક્ષેત્રની એકંદર બેલેન્સસીટનું કદ રૂ.૨૨.૧ ટ્રિલિયન હતું. રિઝર્વ બેન્ક દ્વારા એનબીએફસી માટે રજિસ્ટ્રેશન દાખલ કરવામાં આવ્યા બાદ ૧૯૯૭માં મોટે પાયે લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. એ સમયે નોંધણી નહીં કરાયેલી એનબીએફસીની સંખ્યા ૪૦,૦૦૦ હતી.