...પણ માણસ નોકરી ન કરે તો પછી આખરે શું કરે? - Sandesh

…પણ માણસ નોકરી ન કરે તો પછી આખરે શું કરે?

 | 3:56 am IST

પોઈન્ટ બ્લેન્કઃ એમ. એ. ખાન

વડાપ્રધાને દોઢ-બે મહિના અગાઉ એક પ્રવચનમાં રોજગાર વિશે વાત કરતાં કહ્યું, પકોડે બેચના ભી કારોબાર હૈ, જોબ હૈ! પછી વખાણ અને વખોડવાનો દાવાનળ ચોબાજુ જે રીતે ફરી વળ્યો એમાં પડવા જેવું નથી. રાજકીય વ્યક્તિઓ જે કંઈ કહે એમાં આપણું હિત સાવ છેલ્લા ક્રમે હોય છે, સૌથી પહેલું એમનું અને બીજું એમના પક્ષનું જ હિત હોય એ તો આટલા વર્ષમાં આપણે ખાતરીથી જાણી લીધું છે. એની કોઈ ચર્ચા કરવાનો અર્થ નથી. હા, એક વાત જરૂર વિચારવાની જરૂર છે; કોઈ સરકાર, કોઈ અર્ધસરકારી, ખાનગી કંપની કે નાનું-મોટું કારખાનું કે બિઝનેસ હાઉસ નોકરી આપે તો મારો ઉદ્ધાર થાય એવા એક જ આશાના તાંતણે લટકી રહેવાની અનિવાર્ય જરૂર ખરી?

એક ભાઈ માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી નોકરી માટે પ્રયાસ કરતા હતા. નોકરી ન મળે ત્યાં સુધી પિતા પાસે પૈસા માગવા પડે એ યોગ્ય નથી એવો વિચાર મનમાં આવ્યો. તરત જ વિચારવા લાગ્યા, નોકરી ન મળે ત્યાં સુધી રોજના મારા ચા-પાણીના, નોકરી માટેના ફોર્મ વગેરે ભરવાના પૈસા હું જાતે શી રીતે કમાઈ શકું? એમણે રિક્ષા ડ્રાઇવર તરીકે કામ કરવાની શરૂઆત કરી દીધી. મિત્રો અને ઓળખીતાઓ હાંસી કરવા લાગ્યા, અલ્યા ભાઈ, રિક્ષા જ ચલાવવી હતી તો માસ્ટર ડિગ્રી મેળવવાની શી જરૂર હતી? પિતાને ખબર પડી તો એ પણ ખૂબ ખિજાયા, અલ્યા તને મારી આબરૂની જરાય પડી નથી?

પરંતુ એ યુવાન મક્કમ હતો. હજી થ્રી ઈડિયટ્સ ફિલ્મ તો નહોતી આવી, પણ એ ફિલ્મ જેના આધારે બની એ નવલકથાના લેખક ચેતન ભગત પોતે હજી ભણી રહ્યા હતા એ સમયની આ વાત છે. સમાજ વધારે રૂઢિચુસ્ત હતો. યુવાને પિતાને કહી દીધું, ‘તમારી આબરૂને શી રીતે બટ્ટો લાગે છે?’

‘લોકો કહે છે કે તમારો દીકરો રિક્ષા ચલાવે છે?’ પિતાએ આવેશથી કહ્યું, મારે જવાબ શું આપવો?

‘તો શું લોકો તમને આવીને એમ કહે કે તમારો દીકરો જુગાર રમે છે, અથવા બેકાર રખડે છે તો તમારી આબરૂને ચાર ચાંદ લાગી જશે?’ યુવાને સામો પ્રશ્ન કર્યો.

પિતા ધૂંધવાઈને તેની સામે જોઈ રહ્યા.

હવે યુવાને નરમાશથી કહ્યું, ‘બાપુજી, લોકો તો વાતો કરતા રહે. એમને વાતો કરવા સિવાય કામ શું છે! હું આટલું ભણ્યા ગણ્યા પછી કશું કમાયા વગર તમારી પાસેથી મારો ખર્ચ માંગું અને નવરો રખડું એમાં સમાજને તો મઝા આવશે, પરંતુ મારું નુકસાન નહીં થાય? કામ કરવાની ટેવ છૂટી જશે, નિયમિતતા ઓગળી જશે, કોઈ જાતની જવાબદારી વગર આખો દિવસ બેસી રહેવાની કે રખડવાની ટેવ પડી જશે તો રોજે રોજ સમયસર ઊઠવાની, ઘેરથી નીકળીને નોકરીએ જવાની ઘરેડમાં ફિટ નહીં થઈ શકું. ત્યારે સરવાળે મારું નુકસાન નહીં થાય? હું મહેનતનું કામ કરું છું એમાં લોકોને શાની ચૂંક આવે છે?’

‘હું નોકરી શોધી લઉં ત્યાં સુધી આ કામ કરું તો મને રોજે રોજ કામે જવાની ટેવ પડશે. હું ઘેર બસીને ટયુશન પણ કરાવી શકું, પરંતુ મારે એવી બેઠાડું જિંદગીની ટેવ નથી પાડવી!’

યુવાનના પિતા હવે ઠરી ગયા. મનમાં ખાતરી થઈ કે દીકરો સાચી દિશામાં જ આગળ વધી રહ્યો છે. આ વાત એટલા માટે યાદ આવી ગઈ કે આજે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી યુવાનો નાની નોકરી કરવા તૈયાર નથી થતા, મોટા પગારની, મોટા હોદ્દાની સારી નોકરીની શોધ કર્યા કરે છે અને બેકાર રખડવાની ટેવ ઊંડી કરતા જાય છે.

આ યુવાને એ જમાનામાં જે કર્યું હતું એ આજના યુવાનો પણ કરી શકે. ના, રિક્ષા ડ્રાઇવર બનવાનું નહીં, પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કોઈ કામ પસંદ કરીને કામે લાગી જવાનું અને જે થોડા કે ઘણા કમાઈ શકાય એટલા રૂપિયા કમાવાની શરૂઆત કરી દેવાની.

સૌથી સરળ કામ છે, તમે જે બાબતે ખૂબ સારું જ્ઞાાન કે આવડત ધરાવતા હોવ એ વિષયના ટયૂટર બની જવાનું! ફિટનેસમાં ખૂબ સારી સમજણ હોય તો ફિટનેસ ટ્રેઈનર બની શકાય, ગણિત બહુ સારું હોય તો ગણિતના ટયૂટર બની શકાય, ચિત્રકામ સારું આવડતું હોય તો ચિત્રના ટયૂટર બની શકાય. રસોઈ ખૂબ સારી આવડતી હોય તો રસોઈકળાના ટયૂટર બની શકાય. કંઈક તો ખૂબ સારું આવડતું જ હોય ને! તમારામાં કોઈને સમજાવી શકવાની આવડત હોય તો તમે જેતે વિષયના મિડિએટર અથવા કાઉન્સેલર બની શકો. જે કંઈ કામ શરૂ કરો એ સાવ ઓછા પૈસાથી શરૂ ન કરવું. ધીરજ રાખીને પૂરતા નાણાં મળે તો જ શરૂ કરવું. પછી તો જેટલી તમારામાં આવડત હશે એટલું કામ વધતું જ જશે અને નોકરીની જરૂર જ નહીં રહે.

પ્રકાશ નામદાર નામના યુવાને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા પછી સાવ નવતર કીમિયો અજમાવ્યો. એણે પોતાની બચત અને પિતા તથા મિત્રો પાસેથી નાણાંની મદદ મેળવીને એક વેલર્ફિનશ્ડ એપાર્ટમેન્ટના ચાર માળ ભાડે રાખી લીધા. દરેક માળ પર ત્રણ રૂમ હતા. પછી એક મેનેજર અને બે સેવકો નોકરીએ રાખી લીધા. એક વેબડિઝાઈનરને હાયર કરીને ખાસ વેબસાઈટ બનાવડાવી જેમાં એપાર્ટમેન્ટના રૂમ્સ કેવી જબરજસ્ત સગવડ ધરાવે છે એના ફોટોગ્રાફ્સ અને વીડિયો સાથે વર્ણન હતા. ઓન લાઈન ટ્રાવેલ એજન્ટ્સ કોઈપણ રૂમ બુક કરી શકે એવી સગવડ હતી અને રીઝર્વેશન માટે ઓટોમેટિક ચેનલ પણ હતી. શરૂઆત ધીમી અને જોખમી લાગી, પરંતુ બે વર્ષ પછી એમાંથી એટલી આવક થવા લાગી કે હવે એ યુવાનને નોકરીમાં કોઈ જ રસ નથી.

(ક્રમશઃ)

[email protected]