બટ્ટનબેન્ગમાં બામ્બુ ટ્રેન, રંગબેરંગી પક્ષીઓ અને જીવજંતુઓ વચ્ચેનો યાદગાર પ્રવાસ - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • બટ્ટનબેન્ગમાં બામ્બુ ટ્રેન, રંગબેરંગી પક્ષીઓ અને જીવજંતુઓ વચ્ચેનો યાદગાર પ્રવાસ

બટ્ટનબેન્ગમાં બામ્બુ ટ્રેન, રંગબેરંગી પક્ષીઓ અને જીવજંતુઓ વચ્ચેનો યાદગાર પ્રવાસ

 | 1:10 am IST

ટ્રાવેલ । બિજલ

કંબોડિયાની આંતર પ્રદેશની એક રજવાડી હોટલ જે બટ્ટનબેન્ગમાં આવેલી છે અને તેની અગાશી નદી તરફ છે. તેમાં બેસીને આ પ્રવાસન લેખ લખી રહ્યી છું. આ જુદા જ પ્રકારની મુસાફરીનો અનુભવ જીવનભર ન ભૂલી શકાય તેવો છે. કુદરતના સાનિધ્યમાં એકર સુધી પથરાયેલું લીલુંછમ કુણું, ઘાસ, સુંદર દૃશ્યો, સુગંધ અને મધુર અવાજ વગેરે સાથેનો આ અચાનક મેળાપ, ખરેખર રોમાંચક છે અને આ બધુ જ ખુલ્લી ટ્રેનમાં બેસીને નિહાળવાનું

બટ્ટનબેન્ગ સંગરકર નદીના કિનારે વસેલું છે. તે કમ્બોડિયા અને થાઈલેન્ડની વચ્ચે રહેલું નાનું શહેર છે. બટ્ટમબેન્ગ નામ પડવા પાછળ દસમી સદીની એક રસપ્રદ દંતકથા પ્રચલિત છે.

ખેમરમાં બેટ શબ્દનો અર્થ અદૃશ્ય થવું થાય છે અને ડમબોન્ગ એટલે લાકડી દંતકથા પ્રમાણે વાત એમ બની કે ગાયોની સારસંભાળ રાખતા એક ભરવાડ પાસે જાદુઈ લાકડી હતી. ભરવાડ આ લાકડી ગાયોના ધણ પર ફેંકતો અને તેમને કાબૂમાં રાખતો આના કારણે તે ટાડામબોન્ગ કે લાકડીવાળા કાકા તરીકે ઓળખાતો. ટાડામબોન્ગ ગાયોને નદી કિનારે ચરાવવા માટે બાંધતો.

ટાડમબોન્ગ આમ ગાયોનું જનત કરતાં કરતાં કંટાળી ગયો અને એક દિવસ તેણે રાજા થવાનું નક્કી કર્યું. જાદુઈ લાકડીના પ્રતાપે તેણે ઘરડા રાજાને પરાજિત કર્યો અને પરાજિત થયેલો રાજા જંગલમાં જઈને સાધુ બની ગયો.

એક દિવસ ટાડમ્બોન્ગને સપનું આવ્યું કે તેની સત્તા માત્ર સાત વર્ષાે સુધી ટકી રહેશે અને પછી સફેદ ઘોડા પર સવાર એક વનવાસી સંન્યાસી (હરમીત) દ્વારા તેની આ સત્તા છીનવી લેવામાં આવશે. તેથી ટાડમબોન્ગે તે વિસ્તારના તમામ પવિત્ર માણસોને પકડીને એકત્રિત કરવા માંડયા તેણે આ બધા જ પવિત્ર માણસોને મારી નાંખવાનું નક્કી કર્યું. આ તરફ જંગલમાં રાજકુમારને ખબર પડી કે બધા જ પવિત્ર માણસોએ રાજા સમક્ષ હાજર થવાનું ફરમાન છે. પણ રાજધાની તરફ જતી વખતે રસ્તામાં તેને એક સાધુનો ભેટો થયો જેણે તેને હર્મીત રાજાને મળીને પાછો ન ફરે ત્યાં સુધી ઘોડાની સંભાળ રાખવા કહ્યું.

રાજકુમાર હજુ સાધુના વેશમાં હતો. તે ઘોડા પરથી નીચે ઊતર્યોને તે ઊડવા માંડયો ટા ડમબોન્ગે હરમીતને જેવો ઘોડાપર જોયો કે તેને ખ્યાલ આવી ગયો કે હવે તેનો અંત નજીક છે. તેથી તેણે તેની લાકડી ઘોડા પર ફેંકી પણ જાદુઈ ઘોડાએ લાકડી અદૃશ્ય કરી નાંખી અને ટા ડમબોન્ગ તેના જીવનમાંથી કાયમ માટે ભાગી ગયો. આમ હરમીતે ટા ડમબોન્ગને સત્તા પરથી દૂર કર્યો અને પોતાની સત્તા ફરી સ્થાપિત કરી જેનો તે હકદાર હતો. પછી હંમેશ માટે ખુશીથી રહ્યો. આ પ્રમાણે શહેર બેટ ડમબોન્ગ કહેવાયું. સદીઓથી બેટ ડમબોન્ગ નામનું અપભ્રંશ થઈ બટ્ટમબેન્ગ થઈ ગયું.

નાનું શહેર

બટ્ટમબેન્ગ સંગરકર નદીને કાંઠે વસેલું નાનું શહેર છે. સંગારકર નદીનું નામ પણ એક રાક્ષસી સંગારકર વૃક્ષના નામ પરથી પડયું છે. પહેલાના વખતમાં જ્યારે પુલ ન હતાં. ત્યારે ગામના લોકો નદી ઓળંગવા માટે સંગારકર નામના એક રાક્ષસી કદવા વૃક્ષને કાપીને તેને આડું કરીને તેના પરથી ચાલીને આ નદી ઓળંગતા હતાં. બટ્ટમબેન્ગનું એક અનેરું આકર્ષણ છે તે છે બામ્બુ ટ્રેનની સવારી ડમબોન્ગથી ટેપેડય સુધીની આ ચાર કલાકની સવારી છે. કંબોડિયામાં આ બામ્બુ ટ્રેનને લોરી કે નોરીના નામથી ઓળખવામાં આવે છે. બટ્ટમબેન્ગથી ફનોમ પેનહ સુધીની સવારે ૬ કલાકની માત્ર એક જ ટ્રેન છે. નોરી બામ્બુ બેઈઝ લોખંડના પૈડાંની જોડી છે. તેના ઉપર એક સપાટ પાટીયું મઢવામાં આવેલું છે. પછી તેને પાટા પર મૂકેલ છે. આ વિચિત્ર પ્રકારનું યંત્ર છે. જે રેલવે ટ્રોલીને મળતું આવે છે. તે નાનું છે અને સહેલાથઈ ફેરવી શકાય તેવું છે. તે ડીઝલ એન્જિનથી ચાલે છે. મુસાફરી દરમિયાન આવી ઘણી નોરી જોવા મળે છે. જ્યારે બે નોરી સામસામી આવે ત્યારે તેમાંથી જે નોરી ઓછા વજનની હોય તેને ટ્રેકની બાજુમાં મૂકી દેવામાં આવે છે અને પછી જે વધુ વજનદાર હોય તેને પસાર થવા દેવામાં આવે છે. ખુલ્લાં છતવાળી ટ્રેનમાં મુસાફરી વખતે સતત સામે રહેતો કુદરતનો આ નજારો માત્ર બટ્ટમબેન્ગમાં જ જોવા મળે છે.

નોરીના રૂટ દરમિયાન બીજી નોરી સામે આવી જાય તો નોરીની ઝડપ પર કાબૂ મેળવી શકાય અને તેને ઊભી રાખી શકાય તેવી જોરદાર બ્રેક સિસ્ટમ નોરીમાં હોય છે. પ્રવાસ દરમિયાન જો ટેકરી ઉપર ચઢવાનું હોય તો તેની ઝડપ કલાકના ૧૦ કિ.મી. હોય છે. જ્યારે ટેકરીની નીચેની તરફ ઉતરતી વખતે નોરીની ઝડપ થોડી વધી જાય છે. વ્યક્તિ પોતાની સફર વખતે રસ્તાની બંને તરફ આવેલા વિશાળ વૃક્ષો પરનાં માળામાં પક્ષીઓના તાજા જન્મેલાં બચ્ચા જોઈ શકે છે. આ બામ્બુ ટ્રેનની સફર કરતી વખતે પક્ષીઓ નોરીની બંને બાજુએ સમાંતર ઉડાઉડ કરતાં જોવા મળે છે. સાથે સાથે ચકલીઓ, કીંગફિશર, સમડી વગેરે પક્ષી દર્શન ખરેખર અવિસ્મરણીય અનુભવ છે.

માઈલો લાંબા ઘાટા લીલાછમ ઘાસના મેદાનો વટાવ્યા પછી નોરી ગાઢ લીલા જંગલમાં પ્રવેશે છે. અહીં હજારોની સંખ્યામાં સુંદર રંગબેરંગી પતંગિયાને રસ્તો આપતા પક્ષીઓ રેલવે ટ્રેકની બંને તરફ સમાંતરે છેક સુધી જોવા મળે છે. કુદરતનો આ સુંદર નજારો ખરેખર ભુલાય નહીં તેવો છે. છેલ્લાં સ્ટેશન ટેપેનડય પહોંચતાં પહેલાં એક નાના સ્ટેશને ગાડી થોભે છે. અહીં તમે એક કપ ગ્રીન ટી સાથે ડ્રેગોન ફ્રૂટની સ્લાઈસ લઈ શકો છો.

ફેનોમ ટેપેડય પર એક નાનું મંદિર આવેલું છે. આ ટેકરીના શિખર પરથી સુંદર દૃશ્યોનો નજારો તમે થોડાક કલાક નિહાળ્યા પછી તે જ નોરીમાં ડેમબોન્ગ સ્ટેશન પાછા ફરી શકો છો. નોરીમાં પાછા ફરવાની મુસાફરી વધુ રોમાંચક છે કારણ કે ટ્રેન ટેકરીના ઢોળાવ પરથી ગોકળ ગાયની જેમ ઊતરે છે. તે સમયે પણ વિવિધ જાતના પતંગતિયા અને પક્ષીઓને જોવાનો સુખદ આનંદ મળે છે. આમ, દરેક ક્ષણે કુદરતનો આ ખૂબ જ નજદીકથી જોવાનો નજારો અદ્ભુત હોય છે.

મુસાફરીમાંથી પાછા ફરતી વખતે એક અનોખું ધ્યાનાકર્ષક વસ્તુ એ છે કે રસ્તામાં અચાનક જોવા મળતી બીજી નોરીને માલસામાનનું વહન કરતી પરિવહન કરતી મોટરસાઈકલ અને તેની સવારી છે. આ જો સામસામે થઈ જાય તો એક નીચે જાય અને બીજીનો હિસ્સો નોખો કરી નાંખવામાં આવે છે. વધુ ભારને પસાર થવા દેવામાં આવે છે ને પછી બીજી પોતાની રાઉન્ડ ટ્રીપ ડમબોન્ગ સ્ટેશન સુધી ચાલુ રાખે છે.

આ ઉપરાંત ટેપેન્ડયના બગીચામાં તાજા ઊગેલા શાકભાજી સાથે વરાળથી પકવેલા ચોખા, કુદરતી ઉગેલા મશરૂમ, આદુ અને ફૂદીના માટેનું મોટું સ્થળ છે. અહીંનું ભોજન સ્વાદિષ્ટ છે. મનમાં જે કલ્પના કરીએ છીએ અને માનીએ છીએ તે અહીં પ્રાપ્ત કરી શકાય છે, સાકાર થાય છે.