Buying Plastic Goods? See the symbol below?
  • Home
  • Columnist
  • પ્લાસ્ટિક ચીજવસ્તુ ખરીદી રહ્યાં છો? નીચે સિમ્બોલ જોયો? 

પ્લાસ્ટિક ચીજવસ્તુ ખરીદી રહ્યાં છો? નીચે સિમ્બોલ જોયો? 

 | 6:05 am IST
  • Share

  • વિમાસણ :વર્જીન પ્લાસ્ટિકની એવી ચીજવસ્તુ ખરીદવી સારી કે જેને વધુ વાર રિસાઇકલ કરી શકાય તેમ હોય

  • સિમ્બોલમાં 1નો આંક અને  PETE દર્શાવેલ હોય તો તે પોલીઈથિલીન ટેરેફ્થેલેટ મટિરિયલનું બનેલું હોવાનું દર્શાવે છે.

પ્લાસ્ટિકના રિસાઇક્લિંગની સફ્ળતા કે સાર્થકતાનો આધાર મહદ્અંશે તેના વપરાશકર્તાની માનસિકતા ઉપર રહેલો છે. સામાન્ય રીતે જ્યારે તે ગ્રાહક તરીકે પ્લાસ્ટિકની કોઇપણ ચીજવસ્તુ ખરીદવા જાય છે ત્યારે હજુ પણ તે એ નક્કી કરી શકતો નથી કે તેણે સૌપ્રથમવાર ઉત્પાદિત (વર્જીન) પ્લાસ્ટિકની વસ્તુ ખરીદવી જોઇએ કે પછી રિસાઇકલ કરીને બનાવેલી પ્લાસ્ટિકની વસ્તુ ખરીદવી જોઇએ?

તદ્દન નવી, વર્જીન પ્લાસ્ટિકવાળી વસ્તુને હજી પણ રિસાઇકલ થયેલા પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુ કરતાં વધારે પસંદ કરવામાં આવે છે, તે કિંમતની દૃષ્ટિએ મોંઘી હોવા છતાં! પસંદગીની આ પ્રક્રિયામાં બંનેની પર્યાવરણીય આડઅસરોનાં લેખાં-જોખાં તો કોઇ કરતું જ નથી – કાં તો જાણકારીના અભાવે કે પછી વર્જીન પ્લાસ્ટિક જ સારું એવી ઘર કરી ગયેલી માન્યતાને કારણે.

વળી એ પણ હંમેશાં ચર્ચા કે વિમાસણનો મુદ્દો રહ્યો છે કે વર્જીન પ્લાસ્ટિકની એવી ચીજવસ્તુ ખરીદવી સારી કે જેને વધુ વાર રિસાઇકલ કરી શકાય તેમ હોય કે પછી એવી વસ્તુ કે પછી એવી વસ્તુ જે એક કરતાં વધુ વાર રિસાઇકલ થઈ ચૂકેલા પ્લાસ્ટિકમાંથી જ બનાવેલી હોય કે જેનું હવે વધુ વખત રિસાઇકલ શક્ય ના હોય !  

પ્લાસ્ટિકના ઉપભોક્તા કે વપરાશકર્તા તરીકે આપણે માટે એ જાણવું મહત્ત્વનું છે કે આપણે જે પ્લાસ્ટિકની ચીજવસ્તુ ખરીદીએ છીએ તે રિસાઇકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક છે કે નહીં. આપને એ જાણીને આૃર્ય થશે કે પ્લાસ્ટિક શબ્દ વ્યાપક પ્રમાણમાં જુદા-જુદા રેઝીન મટિરિયલને આવરી લે છે જેના માત્ર ગુણધર્મો જ અલગ નથી હોતા, પરંતુ રિસાઇક્લિંગ માટેની તેની યોગ્યતા પણ ઘણી જ જુદી પડતી હોય છે.

જોકે સામાન્ય માણસને તેની સમજ મળી રહે તે માટે પ્રત્યેક પ્લાસ્ટિકના ઉત્પાદનની ઉપર એક ચિન્હ, સિમ્બોલ કે લોગો સ્ટેમ્પ કરવામાં આવે છે કે જે સ્વયં સ્પષ્ટ રીતે તે વસ્તુ કયા પ્લાસ્ટિકમાંથી બનેલી છે તે દર્શાવી આપે છે. કમનસીબે છેક 1988થી અમલમાં આવેલી આ પદ્ધતિ વિશે પ્લાસ્ટિકના સામાન્ય ગ્રાહકને આજે ત્રણ દાયકા પછી પણ જાગૃતિ આવેલ હોતી નથી !  

આ સિમ્બોલમાં એકબીજા તરફ્ વળેલા ત્રણ તીરની મદદથી એક ત્રિકોણ જેવી આકૃતિ બનાવવામાં આવેલ હોય છે કે જેની મધ્યમાં 1 થી 7 સુધીના આંક પૈકી કોઇ પણ એક આંક અંગ્રેજીમાં દર્શાવેલ હોય છે અને તેની નીચે જે-તે પ્લાસ્ટિકનો પ્રકાર અંગ્રેજી અક્ષરોમાં ટૂંકમાં દર્શાવેલ હોય છે.

આ સિમ્બોલમાં 1નો આંક અને  PETE દર્શાવેલ હોય તો તે પોલીઈથિલીન ટેરેફ્થેલેટ મટિરિયલનું બનેલું હોવાનું દર્શાવે છે જે પારદર્શક, મજબૂત અને ઓછા વજનનું પ્લાસ્ટિક હોય છે કે જે ખાદ્યપદાર્થો અને પીણાના સિંગલ યૂઝ પેકેજિંગ માટે બહોળા પ્રમાણમાં વપરાય છે. રિસાઇક્લિંગની દૃષ્ટિએ આ 1 નંબરવાળું પ્લાસ્ટિક સૌથી શ્રોષ્ઠ મનાય છે અને તેમાંથી નવા પ્લાસ્ટિકની બોટલ, જાર, ડબ્બા, ફ્ર્નિચર, કાર્પેટના ફઇબર અને ઠંડીમાં પહેરવાના જેકેટ બનાવી શકાય છે.  

2નો આંક તથા  HDPE લખેલું પ્લાસ્ટિક હાઈડેન્સિટી પોલીઈથિલીન દર્શાવે છે જે સામાન્ય રીતે દૂધના જગ, સફઈના ડબ્બાઓ, શેમ્પૂ તથા ડિટર્જન્ટની બોટલ વગેરેમાં વ્યાપક પ્રમાણમાં વપરાય છે કારણ કે તે ખૂબ જ હળવા વજનનું અને ટકાઉ હોય છે. આવા પ્લાસ્ટિકને સરળતાથી રિસાઇકલ કરી શકાય છે.

તાજેતરના કેટલાક અભ્યાસો મુજબ આવા પ્લાસ્ટિકને દસ વાર સુધી  રિસાઇકલ કરી શકાય છે. જેમાંથી પેન, રમકડાં, સ્ટ્રકચરલ (બીમ અથવા મોભા), ખુલ્લામાં રાખવાનું થતું ફર્નિચર તથા ટ્રાફ્કિ વ્યવસ્થાપનના શંકુ કે આડશો બનાવી શકાય છે.  

3ના આંકની નીચે PVC અથવા V લખેલો સિમ્બોલ પોલીવિનાઇલ ક્લોરાઇડ હોવાનું દર્શાવે છે જે પાઇપ, તબીબી સાધનો, હાથનાં મોજાઓ, મકાન બાંધકામની ચીજવસ્તુઓ, પાણીથી રક્ષણ આપે તેવાં કપડાં તથા કેટલાક ખાદ્યપદાર્થોના પેકેજિંગમાં વપરાય છે. આવું પ્લાસ્ટિક ખૂબ મજબૂત, ટકાઉ અને છતાં લચીલાપણું ધરાવતું હોય છે. આ પ્રકારના પ્લાસ્ટિકને તેમાં રહેલાં જોખમકારક અને ઝેરી રસાયણોને રિસાઇકલ માટે યોગ્ય ગણવામાં આવતું નથી. આમ છતાં તેને રિસાઇકલ કરીને બારી-બારણાની ફ્રેમ, ગટર, લાદીઓ તથા વાડ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના પ્લાસ્ટિકને રિસાઇકલ કરવાના બદલે તે વધુ દીર્ઘકાલીન ટકાઉ હોવાથી રિયૂઝ કરવું હિતાવહ ગણાય.  

સિમ્બોલમાં 4ની સંખ્યા સાથે LDPE લખેલું હોય તે પ્લાસ્ટિક લો-ડેન્સિટી પોલિઇથિલીન મટિરિયલ દર્શાવે છે જે શોપિંગ બેગમાં, સંકોચી શકાય તેવી બોટલમાં, ફ્ર્નિચર, કપડાં અને ફ્રોઝન ફ્ૂડના પેકેજિંગમાં વાપરવામાં આવે છે. આવું મટિરિયલ ઓછા વજનનું અને લચીલાપણું ધરાવતું હોવા છતાં રિસાઇક્લિંગ માટે ખૂબ જ અઘરું ગણાય છે કે જે રિસાઇક્લિંગના મશીનને પણ નુકસાન પહોંચાડી શકે છે.  

સિમ્બોલમાં 5ની સંખ્યા સાથે નીચે  PP દર્શાવેલું હોય તો તે પોલી-પ્રોપિલિન નામનું પ્લાસ્ટિક છે કે જે સખત અને કઠોર હોય છે અને ભેજ તથા ગ્રીસ અને અન્ય રસાયણોનું પ્રતિરોધક છે. આવું પ્લાસ્ટિક ઠંડા અને ગરમ પીણાની સ્ટ્રો તરીકે, કેચઅપની બોટલ તરીકે, રસોડામાં વપરાતા ડબ્બા તરીકે, કાર્પેટ તરીકે, દોરડા અથવા રસ્સી તરીકે અને દવાઓની બોટલ તરીકે વપરાય છે. વર્ષ 2018 પછી આ પ્રકારનું પ્લાસ્ટિક રિસાઇક્લિંગ માટે હવે યોગ્ય ગણાતું નથી. આમ છતાં તેને રિસાઇકલ કરીને સાવરણી, કચરા ટોપલી, ટ્રે વગેરે બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.  

6ની સંખ્યા સાથે  PS દર્શાવેલું હોય તો તેને પોલિસ્ટિરિન પ્લાસ્ટિક દર્શાવે છે, જે સ્ટાયરોફેમ તરીકે પણ જાણીતું છે. આ પ્રકારનું પ્લાસ્ટિક પ્રમાણમાં ઓછું ખર્ચાળ અને સરળતાથી ઉત્પાદન થઈ શકે છે તેથી તેનો ઉપયોગ ઇંડાં રાખવાના ખોખાઓમાં, ડિસ્પોઝેબલ થાળી, વાટકા તથા કપમાં તેમજ પેકેજિંગમાં થાય છે. રિસાઇક્લિંગની દ્રષ્ટિએ આ પ્રકારનું પ્લાસ્ટિક તદ્દન બિનઉપયોગી તથા બિનકાર્યક્ષમ હોય છે.

આ પ્રકારના પ્લાસ્ટિકનો કચરો તેના નિકાલ માટે અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી જમીનના ખાડા પૂરવામાં વપરાય છે, પરંતુ તેનું વિઘટન થતાં દસ લાખ વર્ષ લાગતા હોવાનો અંદાજ છે. પર્યાવરણ ઉપરની તેની વિપરીત અસરો જોતાં આ પ્રકારનાં પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ટાળવા યોગ્ય છે.  

સિમ્બોલમાં 7ના આંકડા સાથે OTHER દર્શાવેલું હોય તો તે અન્ય 6 પ્રકારોમાં વર્ગીકૃત ન થઈ શકતું હોય તેવું પ્લાસ્ટિક દર્શાવે છે જેમાં ફઇબર ગ્લાસ, પોલી કાર્બોનેટ, નાયલોન તથા એક્રેલિક ફેબ્રિક્સનો સમાવેશ થાય છે જે સામાન્ય રીતે બાળકોની દૂધ/પાણીની બોટલમાં, સનગ્લાસ તરીકે, રેફ્રીજરેટર કે વોટરકૂલરની બોટલમાં, ડીવીડી તરીકે તેમજ રમતગમતનાં સાધનોમાં વપરાય છે. આ પ્રકારના પ્લાસ્ટિકમાં કેટલાક હાનિકારક તત્ત્વો રહેલાં હોય છે જે તેને રિસાઇક્લિંગ માટે મોટેભાગે અસ્વીકાર્ય બનાવે છે.  

અત્રે એ જાણવું પણ રસપ્રદ બનશે કે સિમ્બોલમાં 3 અથવા 7 દર્શાવેલા પ્લાસ્ટિકની કેટલીક ચીજવસ્તુઓમાં ‘બાય-સ્ફ્નિોલ એ’   નામનું ઔદ્યોગિક કેમિકલ રહેલું હોય છે જે આવા પ્લાસ્ટિકમાં રાખવામાં આવતાં ખાદ્યપદાર્થો કે પીણામાં ભળી જઈને શરીરમાં પ્રવેશી શકે છે. આ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે તે ખાસ કરીને બાળકોમાં મગજ અને પ્રોસ્ટેટ ગ્રંથિઓને હાનિ પહોંચાડી શકે છે, તેમના વર્તન ઉપર પણ વિપરીત અસર કરી શકે છે. આનાથી બ્લડપ્રેસર, ડાયાબિટીસ તેમજ હૃદયરોગનું જોખમ પણ રહે છે. આથી આવા પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય તેટલો ટાળવો જોઈએ. ઘણાં પ્લાસ્ટિક ઉત્પાદકો પોતાની ચીજવસ્તુઓ ઉપર ‘BPA Free’ એવું સ્પષ્ટ દર્શાવતા હોય છે, જે વાપરવું ઇચ્છનીય છે.  

આટલું જાણ્યા પછી હવે જ્યારે આપ પ્લાસ્ટિકની કોઇપણ નવી ચીજવસ્તુ બજારમાંથી ખરીદશો ત્યારે તેની નીચે ઉપસાવવામાં આવેલ આ સિમ્બોલ અવશ્ય જોવાના અને તેના સંભવિત રિસાઇક્લિંગ વિશે પણ વિચારવાના! એક ઉપભોક્તા તરીકે આપણે કેવળ આટલી સમજ કેળવીશું તો પણ પર્યાવરણની તેમજ ભવિષ્યની પેઢીઓની મોટી સેવા કરી ગણાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો