CAA: Protesters Set Bus on Fire In Delhi, Also Attack On Fire Brigade
  • Home
  • Featured
  • CAAનાં વિરોધમાં ભાન ભૂલ્યા પ્રદર્શનકારીઓ, બસોને લગાવી આગ-ફાયર બ્રિગેડનાં જવાનોને માર્યા

CAAનાં વિરોધમાં ભાન ભૂલ્યા પ્રદર્શનકારીઓ, બસોને લગાવી આગ-ફાયર બ્રિગેડનાં જવાનોને માર્યા

 | 6:36 pm IST

રાજધાની દિલ્હીમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રદર્શન રવિવારનાં પણ ચાલી રહ્યા છે જેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રદર્શનકારીઓએ સાઉથ દિલ્હીનાં ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોનીમાં જોરદાર તાંડવ મચાવ્યું, જેમાં ત્રણ બસો અને કેટલીક મોટરસાઇકલોને આગ ચાંપી દીધી હતી. આગ ઓલવવા માટે 4 ફાયર બ્રિગેડની ગાડીઓને મોકલવામાં આવી, પરંતુ પ્રદર્શનકારીઓએ એક ફાયર બ્રિગેડની ગાડીને ઘણું જ નુકસાન પહોંચાડ્યું. 2 ફાયર બ્રિગેડ કર્મચારીઓ જખ્મી પણ થયા.

રવિવારનાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ જામિયાનગરથી ઓખલા તરફ માર્ચ નીકાળી. ઉલ્લેખનીય છે કે પ્રદર્શનકારીઓમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીનાં સ્ટૂડન્ટ્સ પણ સામેલ હતા. આ દરમિયાન પોલીસની સાથે ઝપાઝપી થઈ, ત્યારબાદ પ્રદર્શનકારીઓ ઉગ્ર થયા અને આગ લગાવી દીધી. પોલીસે વળતી કાર્યવાહી કરતા આંસૂ ગેસનાં ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.

પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરીને કેટલીક બસોનાં કાચ ફોડ્યા અને ફાયર બ્રિગેડની ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું. હાથમાં તિરંગો અને પ્લેકાર્ડ લઇને પ્રદર્શનકારીઓ નાગરિકતા કાયદાની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા. આ પ્રદર્શનનાં કારણે રોડ પર ઘણો જ ટ્રાફિક જામ થયો અને લોકોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

પ્રદર્શનકારીઓએ ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોનીની સામે મથુરા રોડનાં બંને કૈરેજવેને બંધ કર્યા. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ એ રસ્તાથી પસાર ના થાય. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય દિલ્હીનાં જંતર-મંતર પર પણ આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે જ્યાં પૂર્વોત્તરનાં સ્ટૂડન્ટ્સ કાયદાનો વિરોધ કરવા માટે ભેગા થયા છે.

ઉલ્લેખનીય છે કે નવા નાગરિકતા કાયદાનાં અસ્તિત્વમાં આવ્યા બાદથી જ વિરોધ પ્રદર્શનોનો સમય ચાલું છે. પ્રદર્શનની વ્યાપક અસર પૂર્વોત્તરનાં રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. આસામ અને પશ્ચિમ બંગાળનાં કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. બંને રાજ્યોમાં હિંસક પ્રદર્શન જોવા મળી રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: દિલ્હીમાં પ્રદર્શનકારીઓને 3 બસમાં આગ લગાવી નાગરિકતા બિલનો કર્યો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન