આવ્યા શ્રી રામદેવપીરના નોરતા - Sandesh

આવ્યા શ્રી રામદેવપીરના નોરતા

 | 1:28 am IST

ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવપીરનું વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. નોમે રામદેવપીરના નેજા ચઢાવવામાં આવે છે. શ્રદ્ધાના પ્રતીક સમા રામાપીર પોતાના ભક્તસમા રામાપીર પોતાના ભક્તજનોની પીડાનું શમન કરે છે. અકલ્પ્ય ભય દૂર કરે છે. શત્રુઓનું નિકંદન કરે છે. એટલે કે આ નવ દિવસ સુધી રામદેવ નવરાત્રિ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનની પ્રજા દેશમાં ગમે ત્યાં રહેતી હશે, તેઓ આ મહોત્સવ ઉજવે છે. ભક્તોના અસંખ્ય ઘસારાને કારણે રામદેવરામાં શ્રાવણ સુદ-૧૫ થી શરૂ થઈ જાય છે. વિ.સં. ૧૪૬૧માં રામદેવપીર પોકરણમાં પ્રગટ થયા અને ૫૪ વર્ષની ઉંમરે વિ.સં. ૧૫૧૫ની સાલ, ભાદરવા સુદ-૧૧ને ગુરુવારના દિવસે રણુંજા (રામદેવરા)માં રામાસરોવરની પાળે સમાધિ લઈને નિજધામ પધાર્યા તે બાબતની જાણ બધાને છે.

શિવ-પાર્વતીએ આદિપંથને નિજીયા ધર્મનું નામ આપ્યું, જેથી એ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી (સુદ) બીજ, ત્રીજ, પાંચમ, અગિયારસ, તેરસ અને પૂનમના દિવસે પાટ-મંડપનો ઉત્સવ કરવાનો, ગાદીપતિ-ધર્માધિકારીઓએ નિર્ણય કરેલ. સાધુ-સંતો, જાતિ-સતી, સિદ્ધ, યોગી, ભક્તો વગેરે પાટોત્સવ ઉજવે છે. આખી રાત ભજન કરીને જાગરણ કરે છે.

એક સમયે પાર્વતીજીએ સદાશિવને પૂછયું, ‘પ્રભુ, કયો ધર્મપંથ મંગલકારી જેનાથી ઉરમાં શાંતિ થાય.’ શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું, – હે પાર્વતીજી, જેમ એક જ મેઘનું જળ લઈને જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગે વિચરે છે એવી રીતે આપણા મહાધર્મના આશ્રયે નાના પ્રકારના અનેક પંથો ઉત્પન્ન થયા છે. આજે મહાધર્મ છે તેની વાત કરીએ, તો એક મતે જે નર-નારી રહેતાં હોય અને નિજિયા ધર્મે નિજારી હોય. ખેડૂતના ખેતરમાં કૂવા પાસે રેંટફરતો હોય છે. રંેટના અસંખ્ય ઘડાઓ જોઈન્ટ કરેલા છે અને રેંટ જેમ ફરે તેમ ઘડાઓ કૂવામાં જાય અને ભરાઈને ઉપર આવીને કૂવા પાસે ગોઠવેલ થાળામાં ઠલવાય છે. તેમ જુદા જુદા સંપ્રદાયોનું થાળું તો આ આપણો મહાધર્મ જ છે. આપણો મહાધર્મ પ્રકૃતિના પાંચેય તત્ત્વોને આવરી લઈ જીવશિવનો સમન્વય સાધે છે. આ પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશને જીવ સાથે મેળવી માનવદેહ ઉત્પન્ન કર્યો અને તેના રક્ષણ માટે આ પાંચેય તત્ત્વોને સદાકાળ રાખ્યા છે. ધરતી માતા બીજને સમાવી તેનું પોષણ કરી તે પ્રગટ કરે છે. બીજ સંઘરવાથી તે બીજીયા કહેવાય છે. આ બીજનું પોષણ ગગન મંડળમાં રહેલા વાદળોના પાણીથી થાય છે. જ્યારે વાદળોને પોતાનામાં રાખવાનું કાર્ય આકાશ કરે છે. આકાશમાં રહેલું જળ પૃથ્વી પર પડતાં જ પૃથ્વી પાંચેય તત્ત્વોનું શોષણ કરી પેલા બીજને પ્રગટ કરે છે. આથી બીજ ફાલે, ફૂલે અને ફળે છે. બીજમાં પાંચેય તત્ત્વોનું શોષણ થઈ તેનું પોષણ થાય છે. આ રીતે સૃષ્ટિ સર્જન સદાકાળ ચાલ્યા કરે છે. સૃષ્ટિ સર્જનના સગુણ હેતુને પૂર્ણ કરવા માટે નર અને નારીનું સર્જન કર્યું. તે જાગૃત અવસ્થામાં સત્કર્મો કરે છે. તેમ છતાં નિદ્રાવસ્થામાં તેના શરીરની ક્રિયા ચાલતી રહે છે. જેથી તેનું શરીર સચવાય છે, ને ફરી પાછો જાગૃત થાય છે ત્યારે તે ધર્મ-કર્મ કરે છે અને તેના વિચારો દૃઢ થતાં તે ભક્તિ-ભાવમાં રંગાય છે.

પાર્વતીજીએ સદાશિવને ફરી વિનંતી કરી, ‘હે પ્રભુ, હવે આપ નિજીયા પંથ નિજારનું પાલન કરવાના નિયમો સમજાવો.’ ‘હે પાર્વતીજી, જે પુરુષ પરાઈ સ્ત્રીને પોતાની માતા સમાન માને અને જે સ્ત્રી પરપુરુષને સહોદર ભાઈ જેવો ગણે તેઓને જ આ નિજીયા ધર્મમાં સ્થાન છે. ગૃહસ્થાશ્રમનો ધર્મ માનવસેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું-સોપાન છે, અને જેઓ એ ધર્મને નિજધર્મ (પોતાનો ધર્મ) માનતા હોય છે. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવા પતિ-પત્ની એકમતવાળા હોય તેઓ આ નિજધર્મ પાળતા હોય છે. આકાશમાં જળ ભરેલાં વાદળો પરસ્પર ટકરાતાં તેમાં એક પાવક વીજળી પ્રગટે છે તેમ પતિ-પત્નીના મત અને મનની એકતા અને ભક્તિભાવમાં પૂરા રંગાયા હોય એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે અને અંતરમાંથી અંધકારનો નાશ થાય છે. એક મત, એક મન, પ્રભુ ભજન, નેકી-ટેકી, પરહિતમાં સહાય કરે, અચલ, અડગ મન, વિવેકભરી વાણી ઉચ્ચારે, આ મારું અને આ તારું એવો ભાવ ન લાવે, એવા એક ધર્મવાળા ઉપાસક નર-નારી પરમેશ્વરનું ભજન ભાવમાં ભરપૂર રહે છે. તેમને માયાનો મોહપાશ તૂટી જઈ યુગેયુગના ભવબંધનથી છૂટે છે.’ નિજીયા ધરમની વાત ભુલાઈ ન જાય તે માટે રામાપીરે રણુંજામાં પાટોત્સવ કરેલો અને ઉપરોક્ત ઉપદેશ ફરીથી દોહરાવ્યો હતો.

૫૪ વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં. ૧૫૧૫ની સાલમાં ભાદરવા સુદ-૧૧ને ગુરુવારના દિવસે રણુંજા (રામદેવરા)માં સમાધિ લીધી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન