કેનેડાની આવકાર્ય આંતરરાષ્ટ્રીય શિક્ષણપદ્ધતિ - Sandesh
  • Home
  • Columnist
  • કેનેડાની આવકાર્ય આંતરરાષ્ટ્રીય શિક્ષણપદ્ધતિ

કેનેડાની આવકાર્ય આંતરરાષ્ટ્રીય શિક્ષણપદ્ધતિ

 | 2:50 am IST

સામયિક : પ્રભાકર ખમાર

માત્ર ૪ કરોડની વસતી ધરાવતો અને તાજેતરમાં જ ૧લી જુલાઈએ પોતાનો ૧૫૨મો સ્થાપના દિન ઊજવનાર કેનેડા દેશ આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે અનોખું સ્થાન ધરાવે છે. કેનેડામાં નવું શૈક્ષણિક સત્ર સપ્ટેમ્બરના પહેલા સપ્તાહથી શરૂ થયું છે ત્યારે ત્યાંની સરકાર વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા નવી નવી યોજનાઓનું આયોજન કરી રહી છે. આગામી પાંચ વર્ષ માટે કેનેડાની આંતરરાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિમાં નવા ફેરફારો કરવા ત્યાંની સરકાર ઉત્સુક છે. કેનેડા એવું ઈચ્છે છે કે, હાલમાં જે અમુક જ દેશોમાંથી વિદ્યાર્થીઓ કેનેડા આવે છે તેને બદલે જુદા જુદા દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ લેવા આવે કે જેથી વિશ્વ કક્ષાએ કેનેડાની શૈક્ષણિક સંસ્થાઓના વ્યાપ અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો થાય. સાથેસાથે કેનેડાના અર્થતંત્રમાં પણ એ મદદરૂપ થઈ શકે.

કેનેડા સરકાર તરફથી તાજેતરમાં નવી શૈક્ષણિક વ્યૂહરચનાની જાહેરાત કરવામાં આવી હતી અને કેનેડામાં હાલ ૫,૭૦,૦૦૦ (પાંચ લાખ સિત્તેર હજાર) પરમિટધારક વિદેશી વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે. જેણે વર્ષ ૨૦૧૯ના પ્રથમ નવ માસમાં કેનેડાના અર્થતંત્રમાં ૨૧ બિલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું. કેનેડા સરકારની આગામી યોજના અનુસાર વિવિધ દેશોમાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા થતી નવી આવકમાં ૧૪૮ મિલિયન ડોલરની આવકમાંથી ૩૦ મિલિયન ડોલરની આવક વિવિધ  દેશોમાંથી થવી જોઈએ. હાલ કેનેડા જે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે તેના ૫૦ ટકા ભારત અને ચીનના વિદ્યાર્થીઓ હોય છે અને તેઓ મહદ્ંશે કેલગેરી, ટોરન્ટો અને વેનકુંવર જેવા શહેરોમાં કેન્દ્રીકૃત થયેલા છે. ભવિષ્યની યોજના અનુસાર કેનેડા સરકાર મેક્સિકો, કોલંબિયા, બ્રાઝિલ, વિયેટનામ, ફિલિપીન્સ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મોરક્કો, તુર્કી, ફ્રાન્સ, યૂક્રેઈન વગેરે દેશોના વિદ્યાર્થીઓ કેનેડાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આવે તેવું આયોજન વિચારણા હેઠળ છે. વહેલી તકે આ યોજનાનો અમલ કરવા કેનેડા સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે.

આ યોજનાનો હેતુ વિદેશી વિદ્યાર્થીઓમાં જુદા જુદા દેશોમાંથી પસંદ કરવામાં આવે કે જેથી તેમની સાથે જે તે દેશની ટેક્નોલોજીનો પણ કેનેડાને લાભ મળી શકે એ પણ એક મહત્ત્વનો ઉદ્દેશ છે. કેનેડાના આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને શિક્ષણ પ્રધાન જેમ્સ કારના કથન અનુસાર કેનેડામાં વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ જેવી કે મોન્ટ્રિયલમાં મેકવ્હિલ અને યુનિવર્સિટી ઓફ ટોરન્ટો જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય છે તેના વિકાસ અંગે પણ યોગ્ય પગલાં  ભરાઈ રહ્યાં છે. આ સિવાય યુનિવર્સિટી ઓફ લેથબ્રિજ, આલ્બર્ટા, થોમ્સન રિવર્સ યુનિવર્સિટી, કેમલૂમ્સ, બ્રિટિશ કોલંબિયા જેવી યુનિવર્સિટીઓ પણ ભારે લોકપ્રિય છે. તેમાં વધુ સવલતો વધારીને ઉપરાંત નવા અભ્યાસક્રમો શરૂ કરીને વિદેશી વિદ્યાર્થીઓને અહીં આવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

આમ સમગ્રતયા વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા કેનેડાની આંતરરાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિમાં નવા ફેરફારો કરવામાં આવી  રહ્યા છે. કેનેડાની ઓફિશિયલ લેંગ્વેજ અંગ્રેજી અને ફ્રાન્સ છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે આ સિવાય પણ કેટલીક ભાષાઓના અભ્યાસક્રમોને ઉત્તેજન આપવાનું સરકારનું આયોજન છે.

કેનેડાની એક અન્ય વિશિષ્ટતા એ છે કે, ત્યાં રાષ્ટ્રીય સ્તરે રજાઓ બહુ ઓછી હોય છે. એક વર્ષમાં માત્ર નવ રજાઓ આપવામાં આવે છે. તેની સત્તાવાર યાદી આ પ્રમાણે છે.

  • જાન્યુઆરી-૧ ગુડ ફ્રાઈડે- ઇસ્ટર સન્ડે
  • મે-૨૩ વિક્ટોરિયા ડે
  • જુલાઈ-૧ કેનેડાનો સ્થાપના દિન કેનેડા ડે તરીકે ઓળખાય છે.
  • સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ સોમવાર લેબર ડે.
  • ઓક્ટોબર માસનો બીજો સોમવાર થેંક્સ ગીવિંગ ડે.
  • નવેમ્બર માસની ૧૧મી તારીખ રિમેમ્બર્સ ડે.
  • ડિસેમ્બર-૨૫ ક્રિસમસ ડે
  • ડિસેમ્બર-૨૬ બોક્સિંગ ડે

આ ઉપરાંત દરેક રાજ્યો પોતપોતાનો સ્થાપના દિન પણ ભવ્ય રીતે ઊજવે છે.

બાળ ઉછેરની કેળવણીમાં પણ કેનેડાની વિશિષ્ટતા છે. માતાઓને સરકારી રાહે બાળ ઉછેરની તેમજ ચાઈલ્ડ સાઈકોલોજી અંગેની તાલીમ આપવામાં આવે છે. આ અંગે ઊંચા વેતનથી સુશિક્ષિત મહિલાઓને રોકવામાં આવે છે.  બાળકોના ખોરાકથી માંડી આરોગ્ય સહિત અનેક પ્રકારનું જ્ઞાન-માહિતી માતાઓને આપવામાં આવે છે. જો કોઈ બાળકને તેના માતા-પિતાએ લાફો માર્યો કે સોટી મારી હોય અથવા અન્ય રીતે મારપીટ કરી હોય અને એ બાળક જો તેના શિક્ષક કે પોલીસને ફરિયાદ  કરે અને એમાં તથ્ય હોય તો એના મા-બાપ- વાલીને દંડ કરવામાં આવે છે.  ટૂંકમાં શિક્ષણ એટલે વર્ગખંડનું કાળું પાટિયું નહીં, પરંતુ ભવિષ્યના ચારિત્ર્યશીલ નાગરિક તરીકે એનું ઘડતર થાય તે માટે પાયામાંથી જ કાળજી લેવામાં આવે છે.

શિક્ષકનું ખૂબ મહત્ત્વ છે. ભૂતકાળમાં ભારતમાં શિક્ષકને માસ્તર કહેવામાં આવતા. કેનેડામાં શિક્ષકનો દરજ્જો ખૂબ ઊંચો અને સન્માનનીય છે. કેનેડામાં શિક્ષક એટલે મા+ સ્તર એટલે કે માતા જેટલું જ શિક્ષકનું સ્તર ઊંચું છે. ભાવિ સમાજ નિર્માણના પાયામાં પથ્થર એટલે શિક્ષક. આ માન્યતાને સાર્થક કરવા કેનેડા સરકાર સતત પ્રયત્નશીલ હોય છે. ભારતમાં જેમની યાદમાં શિક્ષકદિન તરીકે ઊજવાય છે તેવા ભારતના માજી રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનન ચેન્નઈની પ્રેસિડેન્ટ કોલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક હતા. તેમણે એક વાર કહ્યું હતું કે, ”હું શિક્ષક પહેલાં છું અને પછી રાષ્ટ્રપ્રમુખ.’ કૃપલાનીજી હંમેશાં આચાર્ય કૃપલાની તરીકે જ ઓળખાતા હતા. આવું છે શિક્ષકનું મહત્ત્વ. મહર્ષિ કર્વે પ્રસિદ્ધ શિક્ષણકાર હતા. ભારતના મિસાઈલ મેન તરીકે નામાંકિત ડો. એ.પી.જે. અબ્દુલ કલામ વિદ્યાર્થીઓના ખૂબ લોકપ્રિય શિક્ષક હતા.

આમ શિક્ષક એટલે શિલ્પકાર, જેનું કામ શિલ્પી સમાન છે. જેવી રીતે શિલ્પકાર કાષ્ટમાંથી કે પથ્થરમાંથી બિનજરૂરી ભાગ કાઢી નાખી સુંદર-આકર્ષક- ભવ્ય શિલ્પનું નિર્માણ કરે છે તેવી જ રીતે શિક્ષક પણ એક શિલ્પકાર છે. જે ભાવિ નાગરિકોમાં આત્મવિશ્વાસસભર વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. ચાણક્યએ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય બાળકને સાચા અર્થમાં કેળવણી આપી મહાન સમ્રાટ બનાવી દીધો. શિક્ષક અને શિક્ષણનું આવું મહત્ત્વ આજના શિક્ષણશાસ્ત્રીઓને ક્યારેય સમજાશે ખરું ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન