Cannot celebrate at the cost of lives of others: Supreme Court
  • Home
  • Featured
  • અન્યના જીવના ભોગે તહેવારો ઊજવી શકાય નહીં : સુપ્રીમ

અન્યના જીવના ભોગે તહેવારો ઊજવી શકાય નહીં : સુપ્રીમ

 | 7:30 am IST
  • Share

દશેરા અને દિવાળી સહિતના તહેવારોમાં ફટાકડા ફોડવા પર ફરી એકવાર કડક વલણ અપનાવતાં બુધવારે જણાવ્યું હતું કે, અમે તહેવારની ઉજવણીની વિરુદ્ધ નથી પરંતુ અન્યના જીવના ભોગે તહેવારોની ઉજવણી થવી જોઈએ નહીં. ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં તેના ધડલ્લે થતા ઉપયોગ સામે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમે જણાવ્યું હતું કે, આપણા દેશમાં આદેશનો અમલ સૌથી મોટી સમસ્યા છે. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેન્ચે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આપણે બધા તહેવારની ઉજવણી કરવા ઇચ્છીએ છીએ પરંતુ તેના માટે ચૂકવવી પડતી કિંમત અંગે પણ આપણે વિચારવું પડશે. ફટાકડાના કારણે ફેલાતા પ્રદૂષણથી અસ્થમા અને અન્ય રોગોના દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.    ફટાકડા ઉત્પાદકો સામે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ગ્રીન ફટાકડાની આડમાં ફટાકડા ઉત્પાદકો પ્રતિબંધિત મટિરિયલનો ઉપયોગ કરી રહ્યા છે. અદાલતે અગાઉ પણ ફટાકડાની લૂમ પર પ્રતિબંધ મૂકતાં દરેક રાજ્યને અમલનો આદેશ આપ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે, પ્રચંડ અવાજવાળા ફટાકડા ફોડો તો જ ઉજવણી થઈ કહેવાય એવું નથી. ફૂલઝડી અને અન્ય અવાજ વગરના દારૃખાના દ્વારા પણ ઉજવણી કરી શકાય છે. અમે ફડાકડાની લૂમ પર પ્રતિબંધ મૂક્યો છે છતાં ગમે તે ઉજવણીમાં ફટાકડાની લૂમ અને સેર ફૂટતી દેખાય છે. અને માર્કેટમાં ધડલ્લે વેચાતી જોવા મળે છે.   અમારા આદેશનું ફરજિયાત પાલન થવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે ફટાકડા ઉત્પાદકોની બેરોજગારી અંગેની દલીલ ફગાવી દેતાં જણાવ્યું હતું કે, રોજગારી જવાના બહાને લોકોના જીવન જીવવાના અધિકાર પર તરાપ મારી શકાય નહીં. ફટાકડા પર પ્રતિબંધ પર વિચારણા કરતી વખતે અદાલત સૌથી પહેલાં નિર્દોષ નાગરિકોના જીવન જીવવાના અધિકાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ફટાકડાનું વેચાણ ફક્ત લાઇસન્સ ધરાવતા વેપારીઓ દ્વારા અને ફક્ત ગ્રીન ફટાકડાનું વેચાણ જ થવું જોઈએ. ફટાકડાના ઓનલાઇન વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો