Can't Do Anything About It: Japan on Delay in Ahmedabad-Mumbai Bullet Train Project
  • Home
  • Featured
  • PM મોદીના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લાગ્યું ગ્રહણ, જાપાનેય હાથ ઊંચા કરી દીધા

PM મોદીના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લાગ્યું ગ્રહણ, જાપાનેય હાથ ઊંચા કરી દીધા

 | 8:28 pm IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગ્રહણ લાગી ગયું છે. હવે તો જાપાને પણ હાથ ઊંચા કરી દીધા છે કે આ યોજના પૂરી થવામાં વિલંબ થશે. યોજના ક્યારે પૂરી થઈ શક્શે તે અમે કહી શક્તા નથી. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની ધીમી પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરતા જાપાને જણાવ્યું છે કે, 2022 સુધીમાં આ યોજના પૂરી થવામાં વિલંબ થશે કે કેમ તે અંગે અમે કશું કહી શક્તા નથી.

જાપાનના કોન્સૂલ જનરલ રયોજી નોડાએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનસંપાદનમાં થઈ રહેલા વિલંબનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦18ની ડેડલાઇન ચૂકી જવાઇ છે. તેથી હવે 2022 સુધીમાં આ યોજના પૂરી થશે કે કેમ તે અંગે અમે કશું કહી શક્તા નથી. જો યોજનામાં વિલંબ થશે તો તે માટે જાપાન કશું કરી શક્તો નથી. અમે ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારો દ્વારા જમીનનું સંપાદન કરાય તેની રાહ જોઇ રહ્યાં છીએ. પ્રોજેક્ટ પૂરો થવામાં કેટલો વિલંબ થશે તે હું જાણતો નથી.

એક અખબારી અહેવાલ પ્રમાણે ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનસંપાદનની પ્રક્રિયામાં વધુ આઠ મહિનાનો વિલંબ થવાની સંભાવના છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં જૂન 2019 સુધી પણ આ સમય ખેંચાઇ શકે છે.

જોકે જાપાને જણાવ્યું હતું કે, અમે ભારતમાં બુલેટ ટ્રેનના સંચાલન માટે ભારતીય સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. જેમાં ડ્રાઇવર, સિગ્નલ એન્ડ મેન્ટેનન્સ વર્કર્સ સહિતના ટ્રેન સંચાલન સાથે સંકળાયેલા લોકોને તાલીમ આપવામાં આવી રહી છે. આ તમામને વડોદરામાં એક તાલીમ કેન્દ્રમાં તાલીમ અપાઇ રહી છે.

ગુજરાતમાં 5,000 લોકોએ બુલેટ ટ્રેન માટે જમીન આપવી પડશે

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં 612 હેક્ટર, દાદરા નગર હવેલીમાં 7.5 હેક્ટર અને મહારાષ્ટ્રમાં 260 હેક્ટર જમીન સંપાદિત કરવાની છે. આ યોજનામાં ગુજરાતના 5404 લોકોએ પોતાની જમીન સરકારને સોંપી દેવી પડશે, જેમાં સૌથી વધુ 1196 લોકો અમદાવાદના છે. ત્યારબાદ ખેડામાં 783 લોકોની જમીન જશે. ગુજરાત સરકારે જમીનસંપાદન માટે 32 તાલુકાના 198 ગામોની જમીન નક્કી કરી છે. અત્યાર સુધી ખેડૂતોની સંમતિથી 160 હેક્ટર જમીનનું સંપાદન થઇ ચૂક્યું છે. આ માટે ખેડૂતોને રૂપિયા 620 કરોડ ચૂકવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન