ફાંસીની સજા પણ રેપના ગુના શા માટે ઘટાડી નથી શકતી? - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ફાંસીની સજા પણ રેપના ગુના શા માટે ઘટાડી નથી શકતી?

ફાંસીની સજા પણ રેપના ગુના શા માટે ઘટાડી નથી શકતી?

 | 3:25 am IST

પ્રાસંગિક :-  રમેશ દવે

નિર્ભયા ગેંગરેપ કેસના ચાર આરોપીઓને કરાયેલી ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટે સોમવારે ફરી એકવાર બહાલી આપી છે. ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ની રાતે નિર્ભયા પર નવી દિલ્હીમાં ચાલતી બસે છ નરાધમોએ જંગાલિયતભર્યો રેપ કર્યો હતો. ગેંગરેપમાં નિર્ભયા પર એટલી બધી ક્રૂરતા આચરવામાં આવી હતી કે એને ઇલાજ માટે સિંગાપુર લઈ જવાઈ તો પણ એ બચી ન શકી. ૨૯ ડિસેમ્બર, ૨૦૧૨ના સિંગાપુરમાં જ એનું મોત થયું હતું. છ આરોપીઓ પૈકી બસના ડ્રાઇવર રામસિંહે તિહાર જેલની કોટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે બીજો એક આરોપી સગીર હોવાથી એ રિમાન્ડ હોમમાં ૩ વર્ષ ગાળ્યા બાદ છૂટી ગયો હતો. આ બર્બર ગેંગરેપે ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી. એને પગલે જનમાનસમાં તીવ્ર આક્રોશ ફરી વળ્યો હતો. ટ્રાયલ કોર્ટે ચાર આરોપીઓ મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષયકુમારસિંહને ફાંસીની સજા કરી હતી, જેને પહેલાં દિલ્હી હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે બહાલ રાખી હતી. એની વિરુદ્ધ ૩ આરોપીઓએ રિવ્યૂ પિટિશન નોંધાવી હતી, જે સર્વોચ્ચ અદાલતે ફગાવી દઈ ફાંસીની સજા કાયમ રાખી છે.

આ એક રેરેસ્ટ ઓફ રેર બનાવ હતો, જેને કારણે સરકારને કાયદામાં રેપના ગુના માટે ફાંસીની સજાની જોગવાઈ કરવાની ફરજ પડી હતી. છતાં નિર્ભયાને ન્યાય આપવામાં છ વરસ લાગી ગયાં છે અને હજુ આરોપીઓને મૃત્યુદંડ નથી અપાયો. સુપ્રીમે ફરી આરોપીઓની ફાંસી સામેની પિટિશન ફગાવી પણ હજુ એમની સામે સુપ્રીમમાં ફરી ક્યુરેટિવ પિટિશન કરવાનો અને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવાનો માર્ગ ખુલ્લો છે. એ બધામાં હજુ બીજું એકાદ વરસ નીકળી જાય તો નવાઈ નહીં.

સવાલ એ છે કે આખા દેશને હચમચાવી મૂકનારા ગેંગરેપ કેસમાં પણ જો સમયસર ન્યાય ન તોળાય તો એ ન્યાય શું કામનો? અંગ્રેજીમાં ઉક્તિ છે – જસ્ટિસ ડિલેઇડ ઈઝ જસ્ટિસ ડિનાઇડ (ન્યાયમાં વિલંબ ન્યાય ન મળવા બરાબર છે.) આટલા ચકચારભર્યા કેસમાં પણ આરોપીઓ કોર્ટમાં એક પછી એક અરજી કરીને પોતાના મૃત્યુદંડને પાછળ ઠેલી શકતા હોય તો બીજી સામાન્ય રેપ કેસની પીડિતાઓને કેટલા વરસે ન્યાય મળતો હશે?

બીજું, કોર્ટ જો રાજકીય નેતાઓ અને સરકારના ખટલાઓને ટોપની પ્રાયોરિટી આપી શકતી હોય તો રેપ જેવા ગંભીર ગુનાના કેસોને શા માટે પ્રાયોરિટી નથી અપાતી? નિર્ભયાના આરોપીઓની ફાંસી કોર્ટની સુનાવણીઓ અને તારીખોને કારણે છ વરસ પાછી ઠેલાઈ છે અને હજુ પણ પાછી ઠેલાઈ શકે છે. આ ૬-૭ વરસનો સમયગાળો આરોપીઓને મળેલંુ જીવનદાન જ છે. કોર્ટની કાર્યવાહીને કારણે એમનું મોત લંબાયુ છે અને તેઓ સરકારી ખર્ચે જેલમાં આરામ ફરમાવી રહ્યા છે. સરકારી તિજોરીમાંથી જેલોને જે નાણાં ફાળવાય છે એ દેશના પ્રમાણિક નાગરિકોએ ચૂકવેલો ટેક્સ છે. લોકોએ પરસેવો પાડીને મેળવેલી આવકમાંથી નાગરિકોએ પરસેવો પાડીને કરેલી કમાણી પર ચૂકવેલા ટેક્સના નાણાં આવા હવસખોર બળાત્કારીઓ માટે શા માટે ખર્ચવા જોઈએ? દેશના ન્યાયતંત્રના કામકાજમાં ધરખમ સુધારા કરવાનો સમય આવી ગયો છે. મોદી સરકારે આ એક કરવા જેવું કામ છે.

એક બીજી વાત. કાયદામાં રેપના ગુના માટે ફાંસીની સજાની જોગવાઈ કર્યા બાદ પણ રેપના બનાવો શા માટે ઓછા નથી થતા? એક પણ દિવસ એવો નથી જતો જ્યારે અખબારોમાં કોઈ રેપ કે ગેંગરેપના સમાચાર ન છપાયા હોય. ઊલટાના આવા બનાવો વધ્યા હોય એમ લાગે છે. હવે ૫, ૬ કે ૭ વર્ષની માસૂમ બાળકીઓ પણ હવસખોરીનો શિકાર બને છે. જમ્મુનો કઠુઆ ગેંગરેપ કેસ એની સાક્ષી પૂરે છે. સરકારે જ્યારે કાયદામાં સુધારો કરી બળાત્કારના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરી ત્યારે જ કેટલાક એક્ટિવિસ્ટોએ એવી દલીલ કરી હતી કે ફાંસીની સજા આપવાથી બળાત્કારના ગુના બનતા રોકાશે નહીં?

ઊલટાના અપરાધીઓ પોતાના ગુનાના સગડ ન રહે એ માટે પીડિતા પર રેપ ર્ક્યા બાદ એની હત્યા કરી નાખશે. મોટાભાગના ગેંગરેપ કેસમાં આ ભય સાચો પુરવાર થયો છે. કઠુઆમાં પણ ૭ વર્ષની બાળા પર નરાધમોએ બળાત્કાર કર્યા બાદ એને મારી નાખી હતી. સજાની સાથે સજાગતા જરૂરી છે. બળાત્કાર રોકવા યુવતીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાય અને મા-બાપ પોતાની બાળકીઓને સજાગ રહેતા શીખવે, અને નાની ઉંમરે જ અણછાજતા સ્પર્શનું જ્ઞાન આપે એ વધુ જરૂરી છે.

;