કેપ્ટન અમરિન્દરસિંહની વાઘા મુલાકાત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કેપ્ટન અમરિન્દરસિંહની વાઘા મુલાકાત

કેપ્ટન અમરિન્દરસિંહની વાઘા મુલાકાત

 | 2:00 am IST
  • Share

જે દિવસે તેઓ સરહદ પાર કરીને ભારત પાછા ફર્યા ત્યારે તેમને એક જાહેર કાર્યક્રમમાં પહોંચવાનું મોડું થતું હતું. પરંતુ પોતાના વચનનું માન જાળવવા માનનીય મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે સારો એવો સમય ફાળવ્યો હતો

કેપ્ટન અમરિન્દરસિંહે તાજેતરમાં પંજાબના મુખ્યપ્રધાનપદેથી આપેલા રાજીનામાએ મારી જૂની સોહામણી સ્મૃતિઓને તાજી કરાવી દીધી.

જૂન ૨૦૦૨માં હું ડીઆઇજી, બીએસએફ ફિરોઝપુર, પંજાબ, તરીકે જોડાયો હતો. તે વખતે બોર્ડરની પરિસ્થિતિ સંવેદનશીલ હતી કારણ કે, ઓપરેશન પરાક્રમ ચાલતું હતું અને ભારત-પાક.ની સેના સરહદે આમને-સામને સજ્જ હતી. કેપ્ટન અમરિન્દર થોડા સમય પહેલાં ફેબ્રુઆરી, ૨૦૦૨માં જ પહેલીવાર મુખ્યપ્રધાન બન્યા હતા. પંજાબના લોકોને નવા મુખ્યપ્રધાન પ્રતિ મોટી આશા હતી અને તેમના વિષે ઘણીબધી વાત કરતા રહેતા હતા. સ્થાનિક અધિકારીઓ અને લોકોએ મને વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમરિન્દરસિંહ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેનામાં કેપ્ટન હતા અને નામી આર્મી કમાન્ડર જનરલ હરબક્ષસિંઘના એડીસી હતા. આ ઉપરાંત પટિયાલા રાજઘરાનાના વંશજ એવા મુખ્યપ્રધાને સ્વચ્છ અને કાર્યદક્ષ વહીવટ આપવાનાં સપના સાથે કામની શરૃઆત કરી છે. પહેલી જ વાર કોઇપણ સ્થાનિક કે રાજકીય વિચારણા વિના મેરિટના આધારે જિલ્લાઓમાં યુવાન આઇપીએસ અધિકારીઓની નિમણૂક થઇ હતી. મુખ્યપ્રધાને માત્ર આઈપીએસ સિવિલ લિસ્ટ જોયું હતું અને યુવાન આઇપીએસ અધિકારીઓને તેમની યોગ્યતાના ધોરણે જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક આપી દીધી હતી. મુખ્યપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં સેવારત એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નવા મુખ્યપ્રધાને તેમને કહ્યું હતું કે તેમણે પ્રત્યેક વિધાનસભ્યને તેમના મતવિસ્તાર અને જાહેર જનતાની ભલાઇ માટે તેઓ શું કરવા ઇચ્છે છે તેની સમજ આપતું પે્રઝન્ટેશન રજૂ કરવા માટે એક કલાકના સમયની ફાળવણી કરી છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે તેઓ આ રીતે જ કામ કરવા માંગતા હતા, પરંતુ થોડી નિરાશા સાથે તેમને લાગ્યું હતું કે મોટાભાગના વિધાનસભ્યો સ્થાનિક કક્ષાએ તલાટી કે મામલતદાર કે હેડકોન્સ્ટેબલ કે સબ ઇન્સ્પેક્ટર જેવા સરકારી અધિકારીઓની બદલી માટે જ દબાણ કરે છે.

ગતિશીલ મુખ્યપ્રધાન વિધાનસભાના ચામોસા સત્ર દરમિયાન પણ કોઇ કાગળનો સહારો લીધા વિના ચાર કલાક સુધી બોલતા રહ્યા હતા. તે દીર્ઘદ્રષ્ટા રાજકારણી પંજાબને પ્રગતિના પંથે લઇ જવા માટે વિકાસ અંગેનો સ્પષ્ટ દૃષ્ટિકોણ ધરાવતા હતા. આ તમામ બાબતો ફિરોઝપુર અને પંજાબમાં અન્યત્ર લોકજીભે ચર્ચાતી રહેતી હતી.

ફિરોઝપુર ખાતે આશરે ત્રણ વર્ષ સુધી ફરજ નિભાવ્યા બાદ ૮ માર્ચ ૨૦૦૫ના રોજ મારી બદલી અમૃતસરમાં ડીઆઇજી બીએસએફ તરીકે થઇ હતી. ફિરોઝપુરની જેમ જ અમૃતસર ખાતે પણ હું મુખ્યપ્રધાનની ખાસ કરીને તેમના ઉદાર વલણ અને સારપની ઘણી બધી વાતો સાંભળતો રહ્યો હતો. બીએસએફ મેસમાં રોકાણ કરનારા જૂના પોલીસ અધિકારીઓ તેમની ઘણી વાતો કરતા હતા. જીવનના આઠમા દાયકામાં પ્રવેશી ચૂકેલા એક વૃદ્ધ નિવૃત્ત આઇપીએસ અધિકારીએ મને જણાવ્યું હતું કે ૧૯૭૦ના દાયકામાં તેમણે પટિયાલા ખાતે રેન્જ ડીઆઇજી તરીકે ફરજ નિભાવી હતી. કેપ્ટન અમરિન્દરસિંહ તેમને જાણીતા મોતીબાગ પેલેસ ખાતે ભોજન માટે બોલાવતા હતા. કેપ્ટન ડીવીડી પર વોર મૂવી જોવાના શોખીન હતા. તેઓ મિત્રભાવે ડીઆઇજીપીને પણ તે મૂવી આપતા હતા.

અમૃતસરમાં વાઘા બોર્ડર ખાતે મારે ફરજના ભાગરૃપે મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહને મળવાનું થયું હતું. ૨૯ નવેમ્બર ૨૦૦૫ના રોજ ગુરુ પર્વના શુભ પ્રસંગે નવી દિલ્હીથી સુવર્ણ પાલખી પાકિસ્તાનમાં આવેલા ગુરુ નાનકદેવજીના જન્મસ્થાન નાનકાના સાહિબ ખાતે જવાની હતી. વાઘા સરહદેથી આ પાલખી સાથે કેપ્ટન અમરિન્દરસિંહ પણ જોડાયા હતા. તે સમયગાળો ભારત-પાક. સંબંધોમાં ખુશાલી લાવવા માટેનો હતો. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ જાન્યુઆરી ૨૦૦૪માં તેની શરૃઆત કરી હતી અને વડા પ્રધાન ડો. મનમોહનસિંહ તે પહેલને આગળ વધારી રહ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંસ્કૃતિક અને ખેલકૂદ ઇવેન્ટ્સનું આદાનપ્રદાન થઇ રહ્યું હતું. દિલ્હી-લાહોર બસ અને સમજૌતા ટ્રેન બંને દેશો વચ્ચે ભરચક પ્રવાસીઓ સાથે દોડતી હતી.

ત્યારે આયોજન પ્રમાણે મુખ્યપ્રધાન આવી પહોંચતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ હું તેમને બીએસએફ કોન્ફરન્સ હોલ કમ સીટિંગ હોલ સુધી દોરી ગયો હતો. ત્યાં તેમણે પાલખીની રાહ જોવા દરમિયાન થોડા કલાક ગાળ્યા હતા. મારી જાણમાં આવ્યું કે તેઓ પાકિસ્તાનમાં રોકાણ કરીને પાછા સરહદ પાર કરીને ૧ ડિસેમ્બરે ભારતમાં લંચના સમયે પહોંચવાના છે તેથી તેમને અમારી સાથે લંચમાં જોડાવા આમંત્રણ આપવા હું તેમની પાસે ગયો. હું અંદર ગયો ત્યારે તેઓ સોફા પર બેઠા અખબાર વાંચી રહ્યા હતા. મને જોતાં જ તેમની નજીક બેસવા ઇશારો કર્યો. પછી પૂછયું કે, ડીઆઈજી સાબ કંઈક ખાસ વાત? શિષ્ટાચાર સાથે મેં તેમને વિનંતી કરી કે તેઓ જે દિવસે પાકિસ્તાનથી પરત ફરે ત્યારે અમે તેમના ભોજનની વ્યવસ્થા કરીને ગૌરવ અનુભવીશું. તેમણે ખૂબ જ નમ્રભાવે નિમંત્રણનો સ્વીકાર કરીને માત્ર એટલું જ કહ્યું કે, ‘ડીઆઇજી સાબ, સાદા રખિયેગા.’ વાત આગળ વધારતા તેમણે પૂછયું કે, ‘આપ કહાં સે હૈ?’ મેં કહ્યું કે હું ગુજરાત કેડરનો આઇપીએસ છું અને મારું વતન રાજસ્થાન છે. તેમણે કહ્યું કે તેમના પૂર્વજો ભાટી હતા અને તેઓ પણ રાજસ્થાનના જેસલમેરથી પંજાબના પટિયાલા આવ્યા હતા. ત્યારબાદ તેમણે જવાનોના વેલફેેરની વાતચીત કરવા સમયે બીએસએફના જવાનો નિરંતર સરહદે તહેનાત રહે છે અને દેશની સરહદોને સુરક્ષિત રાખે છે તેને બિરદાવી.

જે દિવસે તેઓ સરહદ પાર કરીને ભારત પાછા ફર્યા ત્યારે તેમને એક જાહેર કાર્યક્રમમાં પહોંચવાનું મોડું થતું હતું. પરંતુ પોતાના વચનનું માન જાળવવા માનનીય મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે સારો એવો સમય ફાળવ્યો હતો.

ભોજન સમારંભ પૂરો થવામાં હતો ત્યારે મુખ્યપ્રધાને તેમના સ્ટાફ ઓફિસરને મારી પાસે મોકલ્યા હતા. તેમણે મને બીએસએફ વેલફેર માટે મુખ્યપ્રધાન કાંઇક કરી શકે તેવું હોય તો તેમને કહેવા કહ્યું. મેં વિનમ્રભાવે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી અમારા આમંત્રણનું માન રાખીને આવ્યા તે જ અમારા માટે ઘણું છે.

ભોજન બાદ મુખ્યમંત્રીને અમે રાબેતા મુજબ બીએસએફના બેન્ડની ધૂન સાથે વિદાય આપી હતી. તેઓ કારમાં સ્થાન લેવા જઇ રહ્યા હતા ત્યારે બીએસએફના પ્રોમ્પ્ટ ફોટોગ્રાફરે મુખ્યમંત્રીની એ જ મુલાકાતની તસવીરોની સોફ્ટકોપી મુખ્યમંત્રીને સોંપી હતી. તેમણે પૂછયું હતું, ‘કબકી હૈ?’ જ્યારે તેમણે સાંભળ્યું કે આ જ મુલાકાતની તસવીરો જ છે ત્યારે આૃર્યસહ સ્મિત સાથે તેમણે કારમાં સ્થાન લીધું હતું.

થોડા દિવસ પછી અમૃતસર જિલ્લા કલેક્ટરે અમને જાણ કરી કે મુખ્યપ્રધાને બીએસએફના વેલફેર માટે રૃપિયા બે લાખનો ચેક આપ્યો છે. અમે ચેક નહોતો લીધો પરંતુ માર્ચ ૨૦૦૬માં નાણાકીય વર્ષ પૂરું થવામાં હતું ત્યારે ૨૯ માર્ચ, ૨૦૦૬ના રોજ કલેક્ટરે એક અધિકારી સાથે ચેક મોકલી આપ્યો અને કહેવડાવ્યું કે, ‘૩૧મીએ નાણાકીય વર્ષ પૂરું થઈ જશે અને ચેક લેપ્સ થઈ જશે. તેમના આદેશનો અમલ થયો નથી એવું જાણીને સીએમ સાહેબ મારાથી (કલેક્ટર) નારાજ થઇ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો