Captain Amrinder Singh new party is idea of ​​BJP?
  • Home
  • Columnist
  • એકસ્ટ્રા કોમેન્ટ: કેપ્ટનની નવી પાર્ટીનો આઇડિયા ભાજપનો જ છે?

એકસ્ટ્રા કોમેન્ટ: કેપ્ટનની નવી પાર્ટીનો આઇડિયા ભાજપનો જ છે?

 | 9:00 am IST
  • Share

કોંગ્રેસને ટાટા ટાટા બાય બાય કરનાર પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આખરે નવો પક્ષ બનાવવાનું એલાન કર્યું છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવા માટે પણ કેપ્ટન તૈયાર છે

79 વર્ષના કેપ્ટન અમરિંદર સિંહને ભાજપ સીધો પ્રવેશ આપી શકે એમ નહોતો એટલે આ નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે. પંજાબમાં હવે અકાલી દળ ભાજપ સાથે નથી એટલે કેપ્ટનના આવવાથી ભાજપને ફયદો થશે. જે સવાલ છે એ ખેડૂતોના આંદોલનનો છે

  રાજકારણ એવું ક્ષેત્ર છે જ્યાં દરેક મૂંઝવણના ઉકેલ હોય છે, દરેક સવાલના જવાબ હોય છે અને દરેક સમસ્યાઓના રસ્તા હોય છે, તમને બસ એ શોધતા આવડવા જોઈએ. ભારતીય જનતા પક્ષ તો એમાં માહેર છે. અઘરામાં અઘરા પડકારનો તોડ ભાજપ શોધી કાઢે છે. પંજાબ કોંગ્રેસમાં ચાલેલી લાંબી બબાલો પછી કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ કેપ્ટન ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. એ સમયે એવી બહુ ચર્ચાઓ થઇ હતી કે, શું કેપ્ટન ભાજપ જોઇન કરશે? કેપ્ટનના ભાજપ પ્રવેશ સામે સૌથી મોટી અડચણ હતી કેપ્ટનની ઉંમર. અમરિંદરની ઉંમર 79 વર્ષની છે. તેમની બર્થ ડેટ 10મી માર્ચ,1942 છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પૂરી થશે ત્યારે તો તેઓ 80 વર્ષના થઈ જશે. ભાજપે તો આ ઉંમરના નેતાઓને ક્યારનાયે નવરા કરી દીધા હોય. ભાજપની નીતિ યંગ અને એનર્જેટિક લોકોને સ્થાન આપવાની રહી છે. ભાજપ માટે પંજાબમાં કેપ્ટન બહુ કામના છે એટલે અમરિંદર સિંહને ભાજપે જ નવો પક્ષ સ્થાપવાનો આઇડિયા આપ્યો હોય  એવું શક્ય છે.

કેપ્ટન અમરિંદર સિંહે નવો પક્ષ સ્થાપવાનું એલાન કર્યું એ સાથે જ ભાજપ સાથે ગઠબંધન કરવાની તૈયારી પણ બતાવી છે. જોકે, કેપ્ટનની શરત ખેડૂત આંદોલનના શાંતિપૂર્ણ સમાધાનની છે. પંજાબનું ઇલેક્શન જેમ જેમ નજીક આવતું જાય છે એમ એમ ખેડૂતોનું આંદોલન ફ્રીથી જોર પકડતું જાય છે. ખેડૂતોનું આંદોલન જ્યારે શરૂ થયું ત્યારે ભાજપે જ કેપ્ટન અમરિંદર સામે એવા આક્ષેપ કર્યાં હતા કે, તેમના ઇશારે આંદોલન ચાલી રહ્યું છે. હવે શક્યતા એવી છે કે, ખેડૂતો સાથે સમાધાનમાં પણ ભાજપ કેપ્ટન અમરિંદર સિંહનો ઉપયોગ કરશે. ખેડૂતોના આંદોલનનું સમાધાન શોધાઈ જાય અને આંદોલન સમેટાઇ જાય તો એ ભાજપ અને અમરિંદર સિંહ બંને માટે મોટી વાત હશે. જોવાનું એ જ છે કે, ખેડૂત નેતાઓ માનશે ખરા? એ તો નવા કૃષિ કાયદાઓ રદ કરવાની જ માંગણી કરી રહ્યા છે. જાણકારોનું માનવું એવું છે કે, બાય હૂક ઓર ક્રૂક, પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોનું આંદોલન સમેટાઈ જશે. સરકાર બાંધછોડ કરીને પણ આ વાત ઉપર પૂર્ણવિરામ મૂકવાનું પસંદ કરશે.

પંજાબનો જંગ ભાજપ માટે આ વખતે કઠિન હતો. એનું કારણ એ છે કે, અકાલી દળ હવે ભાજપની સાથે નથી. અઢી દાયકાના ભાજપ અને અકાલી દળના સંબંધો કૃષિ કાનૂન અને ખેડૂતોના આંદોલનના કારણે જ તૂટયા હતા. ગયા વર્ષે તારીખ 26મી સપ્ટેમ્બર, 2020ના રોજ અકાલી દળે એનડીએ સાથે છેડો ફડી નાખ્યો. ભાજપને પંજાબમાં એક ખમતીધર સાથીની જરૂર હતી. સામા પક્ષે કેપ્ટન અમરિંદર સિંહ માટે પણ એકલા હાથે લડવું અઘરું પડે એમ છે. કોંગ્રેસના ઘણા નેતાઓ આજની તારીખે કેપ્ટનની સાથે છે, એમાંયે જો ભાજપનો સાથ મળી જાય તો ફયદો થઇ શકે ખરો. આગામી ચૂંટણીમાં કેપ્ટનનું પાણી પણ મપાઈ જવાનું છે. આમ તો હવે કેપ્ટને કંઈ ગુમાવવા જેવું છે નહીં. જે મળે એ ફયદામાં જ છે. કેપ્ટનની દાનત એવી છે કે, મારી જીત ન થાય તો કોઇ વાંધો નથી, કોંગ્રેસ હારવી જોઇએ. કેપ્ટને કહ્યું છે કે, કોંગ્રેસે મારું જબરજસ્ત અપમાન કર્યું છે અને તેનો બદલો હું લઇશ જ.

પંજાબમાં કોંગ્રેસની સ્થિતિ સારી હતી પણ કોંગ્રેસે હાથે કરીને જ પગ પર કુહાડા માર્યા છે. ગમે એમ તોયે પંજાબમાં અમરિંદર સિંહનું મોટું નામ છે. કોંગ્રેસે ચૂંટણી સુધી તેમને સાચવી લીધા હોત તો કદાચ વાંધો ન આવત. નવજોતસિંહ સિદ્ધુને રાજી રાખવાની લાયમાં કોંગ્રેસે ઘણાબધા ન કરવા જેવા નિર્ણયો કર્યા છે. રાજકારણમાં દરેક ભૂલની સજા ભોગવવી પડતી હોય છે. નવજોતસિંહ સિદ્ધુને મનાવવા માટે પહેલાં તો કોંગ્રેસે તેમને પક્ષપ્રમુખ બનાવ્યા. આટલું કર્યા પછી પણ સિદ્ધુને સંતોષ ન થયો. તેણે આંતરિક ખટપટો ચાલુ જ રાખી. સિદ્ધુની ઇચ્છા મુખ્યમંત્રી બનવાની હતી. કોંગ્રેસે એમના નામ પર ચોકડી મૂકીને ચરણજિત ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા. સિદ્ધુથી એ સહન ન થયું એટલે તેણે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું. માંડ માંડ સિદ્ધુ પ્રમુખપદે ચાલુ રહેવા માટે માન્યા છે. પક્ષના પ્રદેશ પ્રમુખની ખરી જવાબદારી પક્ષના બધા નેતાઓને સાથે રાખીને ચૂંટણીની નીતિ ઘડવાની હોય છે. સિદ્ધુએ એવું તો કંઈ ન કર્યું પણ હતું એ પણ વિખેરી નાખ્યું. સિદ્ધુ માટે આગામી ચૂંટણી એ છેલ્લી તક છે. જો એ કોઈ કરિશ્મો કરી શક્યા તો રાજકારણમાં તેની બોલબાલા રહેશે, પણ જો હાર્યા તો એ ક્યાંયના નહીં રહે. ભાજપમાં તો સિદ્ધુ પહેલાં જઈ આવ્યા છે. ભાજપમાં કંઈ મેળ ન પડયો એટલે જ એ કોંગ્રેસમાં આવ્યા હતા.

અમરિંદર નવો પક્ષ રચશે એટલે પંજાબમાં ખરાખરીનો ચૂંટણી જંગ લડાવાનો છે. આ વખતનો જંગ બહુપાંખિયો હશે. કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, અકાલી દળ અને અમરિંદર સિંહની પાર્ટી એમ પાંચ પાર્ટીઓ હશે. એ સિવાય નાની નાની પાર્ટીઓ તો જુદી. આમ આદમી પાર્ટીને એવું છે કે, આ બધાની અંદરોઅંદરની લડાઈમાં આપણે ફવી જઈશું. લોકોએ બધાને અજમાવી લીધા છે એટલે હવે અમને ચાન્સ આપશે. પંજાબનું અત્યારનું રાજકારણ એવું છે કે, કોનું શું થશે એ કોઇ કહી શકે એમ નથી. વિધાનસભાની ચૂંટણી ફ્ેબ્રુઆરી મહિનામાં યોજાય એવી શક્યતાઓ છે. આ દરમિયાનમાં હજુ ઘણી નવાજૂની થવાની છે. નવજોતસિંહ સિદ્ધુ ચૂંટણી સુધી શાંત બેસશે કે કેમ એ સવાલ છે. રવિવારે મુખ્યમંત્રી ચરણજિત ચન્ની અને નવજોતસિંહ સિદ્ધુની બંધબારણે બેઠક મળી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી ચન્નીએ એવું નિવેદન આપ્યું કે, નવજોતસિંહ સિદ્ધુને બે મહિના માટે મુખ્યમંત્રી બનાવી દો અને તેને કહો કે પર્ફેર્મ કરી બતાવે. ચન્નીએ કહ્યું કે, હવે માંડ 60 દિવસ બચ્યા છે ત્યારે કામમાં મદદ કરવાને બદલે સિદ્ધુ નાનીનાની વાતે પૂછપરછ કરતા રહે છે. સિદ્ધુ મુખ્યમંત્રી નથી તો પણ તેની દાનત બૅકસીટ ડ્રાઇવિંગ કરવાની જ છે. એમાં પણ એનો મેળ પડતો નથી. પંજાબમાં જે કંઈ થયું એણે ભાજપ માટે ઉજળા સંજોગો પેદા કર્યા છે. જોવાનું એ રહેશે કે ભાજપ તેનો કેટલો ફયદો ઉઠાવી શકશે? ભાજપ સામે સૌથી મોટો પડકાર ખેડૂતોના આંદોલનનો છે. જો આંદોલનનું સમાધાન ન મળ્યું તો ભાજપ માટે ચૂંટણીનાં ચઢાણ કપરાં સાબિત થશે. ગમે તે થાય, પંજાબની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે એ વાત નક્કી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો