કેપ્ટન કૂલ દિલ જીત્યો પણ અભ્યાસ મેચ હાર્યો

387

મુંબઈ, તા. ૧૦

છેલ્લી વખત કેપ્ટનશિપ કરી રહેલી મહેન્દ્રસિંહ ધોનીને ઇંગ્લેન્ડ સામેની અભ્યાસ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. ભારત એ. ટીમે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટ ગુમાવી ૩૦૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૪૮.૫ ઓવરમાં સાત વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.  ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ જ્યારે હાર્દિક પંડયા અને યુઝવેન્દ્ર ચહલને ૧-૧ વિકેટ મળી હતી. ધોની પોતાની કેપ્ટનશિપમાં મેચ હાર્યો હતો પરંતુ લોકોના દિલ જીત્યો હતો.

૩૦૫ રનના ટાર્ગેટ સામે જેસન રોય અને એલેક્સ હેલ્સે મજબૂત શરૂઆત અપાવતાં ૯૫ રનની ભાગીદારી નોંધાવી હતી. કુલદીપ યાદવે હેલ્સને આઉટ કરી ભાગીદારી તોડયા બાદ જેસન રોયને પણ પેવેલિયન મોકલ્યો હતો. મોર્ગનને ત્રણ રનના અંગત સ્કોરે ચહલે આઉટ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. બટલર અને બિલિંગ્સે ચોથી વિકેટ માટે ૭૯ રન જોડયા હતા. કુલદીપ ફરી ત્રાટક્યો હતો અને તેણે બટલર અને મોઇનઅલીને આઉટ કરી ઇંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો. અહીંથી બિલિંગ્સે ડોવસન સાથે મળી ૯૯ રનની ભાગીદારી કરી ટીમને જીતની નજીક પહોંચાડી હતી ત્યારે ફરી કુલદીપ યાદવે ભારતને સફળતા અપાવતાં ડોવસનને આઉટ કર્યો હતો. તે પછી હાર્દિક પંડયાએ સેમ બિલિંગ્સને ૯૩ રનના અંગત સ્કોરે આઉટ કર્યો હતો પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતુ અને રશીદ તેમજ વોક્સે ટીમને ૪૮.૫ ઓવરમાં જીત અપાવી હતી. ૯૩ રન બનાવનાર સેમ બિલિંગ્સે કહ્યું કે, આઈપીએલમાં રમવાનો અનુભવ અહીં કામે લાગ્યો હતો.

અગાઉ પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમનો ઓપનર મનદીપ અને શિખર ધવને ધીમી શરૂઆત અપાવી હતી અને ૨૫ રનના સ્કોરે મનદીપસિંહ વિલિના ઇનસ્વિંગર પર બોલ્ડ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. ધવન અને અંબાતી રાયડુએ બીજી વિકેટ માટે શતકીય ભાગીદારી નોંધાવી ટીમને સંભાળી હતી. ધવને આ દરમિયાન અર્ધી સદી પૂર્ણ કરી હતી. ધવન ૬૩ રન બનાવી આઉટ થયા બાદ રાયડુ અને યુવરાજે ટીમનો સ્કોર ૨૦૦ રનની પાર પહોંચાડયો હતો. રાયડુ ૧૦૦ રન બનાવી રિટાયર્ડ આઉટ થયો હતો. રાયડુ મેદાનની બહાર ગયા બાદ ધોની મેદાન પર પહોંચ્યો હતો. ધોની જ્યારે મેદાન પર પહોંચ્યો ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોએ અભિવાદન કર્યું હતું. ૨૫૦ રનના કુલ સ્કોરે યુવરાજસિંહ અંગત ૫૬ રન બનાવી આઉટ તયો હતો જ્યારે સંજુ સેમસન ખાતું ખોલાવ્યા વિના પરત ફર્યો હતો ત્યારે ધોનીએ આક્રમક બેટિંગ કરતાં માત્ર ૪૦ બોલમાં અણનમ ૬૮ રન બનાવ્યા હતા જેમાં  ધોનીએ છેલ્લી ઓવરમાં ૨૩ રન ઝૂડતાં ટીમનો સ્કોર પાંચ વિકેટે ૩૦૪ રન થયો હતો.

ધોનીને મળવા પ્રશંસક મેદાન પર દોડી આવ્યો

ધોની માટે કેપ્ટન તરીકેની અંતિમ ઇનિંગ ઘણી રીતે ખાસ બની ગઈ હતી. આ મેચમાં ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક પ્રશંસક સિક્યોરિટી તોડીને ધોનીની પાસે પહોંચી પહોંચી તેના પગે પડવાનો પ્રયાસ કર્યો હતો અને તે પછી ધોની સાથે હાથ મિલાવ્યા હતા. આ સમયે અમ્પાયરે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગ્રાઉન્ડનો સિક્યોરિટી સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો અને તેને ખેંચીને બહાર લઈ ગયા હતા. સમગ્ર ઘટનાને કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી. ધોનીને કેપ્ટન તરીકે અંતિમ વખત રમતો જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો બ્રેબોન સ્ટેડિયમ પહોંચ્યા હતા જેને કારણે અભ્યાસ મેચમાં પણ સમગ્ર સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. ભારતીય બેટિંગ દરમિયાન પ્રથમ વિકેટ પડી ત્યારે ધોની-ધોનીની બૂમો પાડવા લાગ્યા હતા પરંતુ રાયડુ મેદાન પર આવતાં દર્શકોમાં નિરાશા હાથ લાગી હતી.

ધોનીનું સન્માન કરાયું

ઇંગ્લેન્ડ સામેની અભ્યાસ મેચમાં અંતિમ વખત કેપ્ટન તરીકે રમી રહેલા મહેન્દ્રસિંહ ધોનીનું ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા સન્માન કરાયું હતું.