Captain MS Dhoni Made A Strict Rules For Players
  • Home
  • Sports
  • Cricket
  • કૉચનો ખુલાસો, ‘કૂલ’ દેખાતા કેપ્ટન ધોનીએ આખી ટીમ માટે બનાવ્યો હતો આ કઠોર નિયમ

કૉચનો ખુલાસો, ‘કૂલ’ દેખાતા કેપ્ટન ધોનીએ આખી ટીમ માટે બનાવ્યો હતો આ કઠોર નિયમ

 | 4:32 pm IST

આઈસીસી ક્રિકેટ વન ડે વિશ્વ કપનાં શરૂ થવામાં હવે 15 દિવસથી પણ ઓછો સમય બાકી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં જનારી ભારતીય ટીમમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકા પર ચર્ચાઓ થઈ રહી છે. તો ટીમ ઇન્ડિયાનાં મેન્ટલ કન્ડિશિંગ કૉચ રહેલા પૈડી અપ્ટને ધોની વિશે કેટલાક ખુલાસાઓ કર્યા છે. અપ્ટને કહ્યું છે કે જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ વન ડે ટીમની કેપ્ટનશિપ લીધી હતી ત્યારે તે એ વાતનું ખાસ ધ્યાન રાખતો હતો કે કોઈપણ પ્રેક્ટિસમાં લેટ ના આવે.

પોતાના નવા પુસ્તક ‘ધ બેયરફુટ કૉચ’નાં એક કાર્યક્રમમાં અપ્ટને જણાવ્યું કે કેવી રીતે તે સમયનાં ટેસ્ટ કેપ્ટન અનિલ કુંબલે અને વન ડે ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નવા વિચાર લઇને આવ્યા. તેમણે કહ્યું કે, “હું જ્યારે ભારતીય ટીમ સાથે જોડાયો ત્યારે અનિલ કુંબલે ટેસ્ટ ટીમ અને ધોની વન ડે ટીમનો કેપ્ટન બન્યો હતો. અમારી ટીમમાં એક ઘણી જ સારી સેલ્ફ ડિસિપ્લિનની પ્રક્રિયા હતી. અમે ટીમને કહ્યું હતુ કે પ્રેક્ટિસ અને બેઠકમાં સમય પર આવવું જરૂરી છે.”

તેમણે કહ્યું કે, “આ માટે અમે ટીમને કહ્યું કે જો કોઈ ખેલાડી મોડેથી આવે છે તો એવી શું ચીજ છે જે તે છોડી શકે છે? અમે પરસ્પર આ વાત કરી અને ત્યારબાદ ખેલાડીઓએ કેપ્ટન પર આની જવાબદારી છોડી. કુંબલેએ કહ્યું કે મોડાથી આવનાર ખેલાડી પર 10 હજાર રૂપિયા દંડ લગાવવામાં આવશે, પરંતુ ધોનીએ આનાથી પણ મોટી સજા સંભળાવી અને કહ્યું કે કોઈ ખેલાડી મોડાથી આવે છે તો આખી ટીમ 10 હજાર રૂપિયા આપશે. વન ડે ટીમમાં કોઈપણ ક્યારેય મોડું આવતુ નહોતુ.”

ઉલ્લેખનીય છે કે કુંબલે ભારતીય ટીમનાં કૉચ બન્યા ત્યારે ટીમનાં કેટલાક ખેલાડીઓએ તેમનો વિરોધ કર્યો હતો. તે સમયે જણાવવામાં આવ્યું હતુ કે ખેલાડી અનિલ કુંબલેનાં સખ્ત વ્યવહારથી નારાજ હતા. આ વિવાદ બાદ કુંબલેએ કૉચ પદ છોડી દીધું હતુ. ત્યારબાદ રવિ શાસ્ત્રીને ટીમનાં કૉચ બનાવવામાં આવ્યા. અપ્ટને પણ ધોનીનાં શાંત દિમાગની તારીફ કરી છે અને કહ્યું છે કે, “તેની અસલી ક્ષમતા તેનું શાંત રહેવું તે છે. મેચમાં ગમે તેવી પરિસ્થિતિ હોય તે શાંત રહે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન