કાર્ટૂન કેરેક્ટર : બરફથી બનેલો સ્નોમેન - ઓલ્ફ - Sandesh
  • Home
  • Featured
  • કાર્ટૂન કેરેક્ટર : બરફથી બનેલો સ્નોમેન – ઓલ્ફ

કાર્ટૂન કેરેક્ટર : બરફથી બનેલો સ્નોમેન – ઓલ્ફ

 | 9:22 pm IST

ઓલ્ફ ડિઝનીની ૨૦૧૩માં આવેલી એનિમેટેડ ફિલ્મ ‘ફ્રોઝેન’નું મુખ્ય પાત્ર છે. ફિલ્મમાં તેનો અવાજ જોશ ગેડે આપ્યો છે. ફ્રોઝેન ફિલ્મના પાત્ર ઓલ્ફ ઉપર ‘ઇટ્સ અ સ્મોલ વર્લ્ડ : ધ એનિમેટેડ સિરીઝ’ નામની એક ટીવી સિરિયલ પણ બનાવવામાં આવી છે. તેમજ ‘ઓલ્ફ્સ ક્વેસ્ટ’, ‘ફ્રોઝેન : ફ્રી ફોલ’ અને ‘ડિઝની ઇનફિનિટી’ નામની ત્રણ વીડિયો ગેઇમ્સ પણ બનાવવામાં આવી છે. ઓલ્ફનું પાત્ર એટલું બધું લોકપ્રિય બની ચૂક્યું છે કે તેને વિદેશના વર્લ્ડ ઓફ કલર, ડિઝની ડ્રીમ્સ, સેલિબ્રેટ ધ મેજિક અને ફેસ્ટિવલ ઓફ ફેન્ટેસી પેરેડ જેવા પાર્કમાં નિહાળી શકાય છે. ઓલ્ફના પાત્રનું એનિમેશન માર્ક હેન્ને કર્યું છે. ઓલ્ફને તેના અવાજ માટે એનિમેટેડ ફીચર પ્રોડક્શન દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઓલ્ફના ભાઈનું નામ માર્સમેલો છે, જેને તે પોતાનો દુશ્મન સમજતો હોય છે.

ઓલ્ફ એક સ્નોમેન છે જે ત્રણ નાનકડા બરફના બોલ્સથી બનેલો છે. ત્રણ કાળાં બટન તેના શરીર ઉપર લાગેલાં દેખાતાં હોય છે, જેમાંથી એક તેના શરીરના વચ્ચેના ભાગમાં અને બે તેના શરીરના નીચેના ભાગમાં લાગેલાં છે. તેને બે સ્ટિક્સ છે જે તેના હાથની જેમ છે અને ત્રણ તેના માથા ઉપર છે જે વાળની જેમ છે. તેના હાથમાં ચાર પોઇન્ટ આવેલા છે, જેનો તે પોતાની આંગળીઓની જેમ ઉપયોગ કરે છે. તેનું નાક ગાજર જેવું છે. તેના પગ બરફના નાના-નાના બે ચોરસ બોલ્સથી બનેલા છે. ઓલ્ફના શરીરના દરેક ભાગ તેને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડયા વિના અલગ થઈ શકે છે અને ફરીથી જોડાઈ પણ શકે છે. તેને વિશ્વાસ છે કે એક દિવસ તેને એક એવું વાદળ મળશે જે તેને ઉનાળાની ગરમીમાં ઓગળવાથી બચાવશે.