એરંડાની તેજી-મંદીની ચાલમાં ફસાયેલા ખેડૂતભાઈઓએ બચવા માટે શું કરવું? - Sandesh
  • Home
  • Agro Sandesh
  • એરંડાની તેજી-મંદીની ચાલમાં ફસાયેલા ખેડૂતભાઈઓએ બચવા માટે શું કરવું?

એરંડાની તેજી-મંદીની ચાલમાં ફસાયેલા ખેડૂતભાઈઓએ બચવા માટે શું કરવું?

 | 8:37 pm IST

એરંડામાં છેલ્લા ઘણા સમયથી આમ તો તેજી-મંદીની ચાલ જોવા મળી રહી છે, પરંતુ છેલ્લા બે મહિનાથી ધીમી ગતિએ બજારો ઘટીને ભાવ બે મહિનાનાં તળિયે બેસી ગયા છે. એરંડાની બજારમાં આગળ શું થશે એ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે. એરંડાના ભાવ હજી બે મહિના પહેલાં એટલે કે એપ્રિલ મહિનામાં વધીને રૂ.૬૩૦૦ની (પ્રતિ ૧૦૦ કિલો)ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જે ઘટીને મે મહિનાં અંતમાં રૂ.૫૫૦૦-૫૬૦૦ની નીચી સપાટી પર પહોંચી ગયા હતા. આગળ ઉપર બજારમાં કેવી ચાલ જોવાશે તે અંગે કોઈ સ્પષ્ટ નિર્દેશ મળતો નથી.

એરંડા વાયદામાં તેજી-મંદીનાં ખેલાની મોટી અસર હાજર બજારો ઉપર તુરંત થાય છે. એક તરફ દેશમાંથી દિવેલની નિકાસ ઘટી રહી છે અને બીજી તરફ એરંડા બજારો ઘટી રહ્યાં છે. માર્કેટિંગ યાર્ડોમાં પણ એરંડાના ભાવ ઘટીને મણના રૂ.૧૧૦૦થી ૧૧૫૦ની સપાટી પર અથડાઈ રહ્યા છે. એરંડાની દૈનિક આવકો હાલ ગુજરાતની તમામ મંડીઓમાં મળીને દૈનિક ૩૦થી ૩૫ હજાર ગુણી આસપાસની આવકો થઈ રહી છે.

એરંડાની આ ચાલમાં ખેડૂતોએ શું કરવું? 

એરંડાની તેજી-મંદીની ચાલમાં ખેડૂતો શું કરવું તે અંગે મોટા ભાગનાં ખેડૂતો મુંઝવણમાં છે. એરંડાની તેજી જોઈને ખેડૂતોને એવું હતું કે રૂ.૧૨૫૦ કે રૂ.૧૩૦૦નાં ભાવ આવશે તો વેચાણ કરી દઈશું, પરંતુ પરિસ્થિતિ એવી થઈ કે ભાવ ઘટીને રૂ.૧૨૦૦ની અંદર પહોંચી ગયાં છે.

એરંડાનાં ખેડૂતોએ આગળ ઉપર શું કરવું તે અંગે અગ્રણી પીઢ વેપારી સલાહ આપે છે કે ખેડૂતો માટે હાલની તેજી-મંદી સમજ બહારની રહે તેવી ધારણા છે. એરંડાની બજારમાં આગળ ઉપર બજારમાં કોઈ મોટી વધઘટ પણ થઈ શકે છે, પરંતુ ચોમાસા પહેલાં એક મોટી તેજી કદાચ આવી શકે છે, એ સમયગાળામાં ખેડૂતોને પોતાના ધારેલા ભાવ મળી જાય તો નિકળી જવામાં ફયદો થશે. લાંબાગાળાની ચાલનો મોટો આધાર ચોમાસું ગુજરાતમાં અને રાજસ્થાનમાં કયારે બેસે છે અને આગળના મહિનામાં ચોમાસાની ચાલ કેવી રહે છે તેની ઉપર સમગ્ર બજારનો મોટો આધાર રહેલો છે. જો ચોમાસું શરૂઆતમાં સારૂં રહેશે તે એરંડાની જમીન ઉપર બીજા પાકોનું વાવેતર થઈ શકે છે અને જો ચોમાસું મોડું બેસશે તો એરંડાનાં વાવેતર પ્રમાણમાં ધારણા કરતાં સારા થાય તેવી ગણતરી છે. આવી સ્થિતિમાં સરેરાશ બજારની લાંબાગાળાની ચાલ વિશેનો આધાર ચોમાસું બેસે ત્યાં સુધી નક્કી કરી શકાશે નહીં.

એરંડાનાં ઉત્પાદન ઉપર નજર.. 

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બીજા આગોતરા અંદાજ પ્રમાણે રાજયમાં ચાલુ વર્ષે એરંડાનું ઉત્પાદન ૯.૬૦ લાખ ટન થવાનો અંદાજ છે જે ગત વર્ષે ૧૪.૮૪ લાખ ટન થયું હતું. રાજ્યમાં ચાલુ વર્ષે દુષ્કાળની સ્થિતિને પગલે પ્રતિ હેકટર ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. ચાલુ વર્ષે રાજ્યમાં પ્રતિ હેકટર માત્ર ૧૮૦૧.૫૦ કિલોનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૨૫૩૯ કિલોનું થયું હતું. આમ ઉતારા ઘટયા હોવાથી કુલ ઉત્પાદન ઘટયું છે. રાજ્યમાં ચાલુ વર્ષે એરંડાનું વાવેતર ૫.૩૩ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે ૫.૮૫ લાખ હેકટરમાં થયું હતું. આમ એરંડાનાં ઉત્પાદનના આંકડાઓ એરંડા બજારમાં તેજી થવાના સંકેત આપે છે અને એ પ્રમાણે એપ્રિલ મહિનામાં ભાવ ઊંચકાયા પણ હતા, પરંતુ મે મહિનામાં છેલ્લા દિવસોમાં તેજીની ચાલ ઊંધી પડી હતી અને ભાવ તૂટવા લાગ્યા હતા.

બજારનો એક વર્ગ કટાક્ષમાં એવું પણ કહેતો હતો કે ચૂંટણી પૂરી થઈ અને એરંડામાં તેજીના દિવસો પણ પૂરા થયા છે. આગળ ઉપર સરકાર કોઈ કડક પગલાં લે એ પહેલાં ખેલાડીઓએ પોતાનો ખેલ પૂરો કરી નાંખ્યો છે. આગળ ઉપર બજારમાં તેજી-મંદી ચાલ એરંડાનાં વાયદા ઉપર સરકાર શું એક્શન લે છે તેની ઉપર નિર્ભર રહેશે.

દિવેલના નિકાસ વેપારો ઊંચા  ભાવથી ઘટયા 

દેશમાં એરંડાના ભાવ એપ્રિલ મહિનામાં સરેરાશ ઊંચા રહ્યા હોવાથી અને ચીનમાં પણ આર્થિક મંદી જોવા મળી રહી હોવાથી દિવેલની માંગને અસર પહોંચી હતી, જેને પગલે ભારતીય દિવેલની નિકાસ ઘટી હતી.

મુંબઈની એક તેલીબિયાં સંસ્થાના આંકડાઓ પ્રમાણે દેશમાંથી એપ્રિલ મહિનામાં દિવેલની કુલ નિકાસ ૪૫,૯૮૭ ટનની થઈ છે, જે ગત વર્ષે એપ્રિલ મહિનામાં ૫૦,૩૧૨ ટનની થઈ હતી. મૂલ્યની રીતે નિકાસ એપ્રિલમાં રૂ.૫૧૦.૪૨ કરોડની થઈ હતી, જે ગત વર્ષે રૂ.૪૪૬.૦૩ કરોડની થઈ હતી. માર્ચ મહિનામાં દિવેલની કુલ નિકાસ ૫૦,૯૫૬ ટનની થઈ હતી. આમ આગલા મહિનાની તુલનાએ પણ નિકાસ ઘટી છે.

દેશમાંથી વિતેલા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દિવેલાની કુલ નિકાસ ૫.૬૧ લાખ ટનની થઈ હતી, જે આગલા વર્ષ દરમિયાન ૬.૫૧ લાખ ટનની નિકાસ થઈ હતી. દિવેલની નિકાસ દ્વારા ભારતને ગત વર્ષે કુલ રૂ.૫,૪૦૭ કરોડનું વિદેશી હુંડિયામણ મળ્યું હતું. આમ દિવેલની નિકાસને અસર પહોંચી હોવાથી આગળ ઉપર પણ એરંડાનાં ભાવને તે નાની-મોટી અસર કરતા રહી શકે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન