સાવધાન : કોરોના હજુ ભયાનક સ્વરૂપ ધારણ કરશે ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સાવધાન : કોરોના હજુ ભયાનક સ્વરૂપ ધારણ કરશે !

સાવધાન : કોરોના હજુ ભયાનક સ્વરૂપ ધારણ કરશે !

 | 1:48 am IST
  • Share

અનુસંધાન :- દેવેન્દ્ર પટેલ

કોરોના-કોવિડ ૧૯નું બીજું મોજું શિયાળાનાં આગમનની સાથે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકા અને યુરોપમાં પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. અમેરિકામાં એક જ દિવસમાં પહેલી જ વાર બે લાખથી વધુ કેસ નોંધાયા છે. એ જ રીતે યુરોપના દેશોમાં પણ એક જ દિવસમાં ૨.૬૦ કેસ નોંધાયા છે.

આખા વિશ્વમાં એક જ દિવસમાં ૬.૬૦ લાખ કેસ નોંધાયા છે. હવે થોડા જ સમયમાં વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ૬ કરોડને પાર થઈ જશે. યુરોપના છ દેશ એવા છે જ્યાં ૨૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. સૌથી વધુ ૩૭,૨૪૨ કેસ માત્ર એક જ દિવસમાં ઇટાલીમાં નોંધાયા. જ્યારે રશિયામાં ૨૪,૩૧૮, જર્મનીમાં ૨૩,૪૫૦, ફ્રાન્સમાં ૨૨,૮૪૧, પોલેન્ડમાં ૨૨,૪૬૬ અને બ્રિટનમાં ૨૦,૨૨૫ કેસ નોંધાયા. યાદ રહે કે ઇટાલી એક નાનો દેશ છે અને તેની વસતી માત્ર ૬.૫૦ કરોડની છે.

અમેરિકામાં તો દર્દીઓને સમાવવા હોસ્પિટલોમાં જગ્યા નથી. એક અહેવાલ પ્રમાણે કેટલાક દર્દીઓને પાર્કિંગનાં ભોંયરામાં રાખવામાં આવ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં ૨,૦૧૫ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે.

કેનેડાના સૌથી મોટા શહેર ટોરેન્ટોમાં ૨૮ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સ્પેનએ માર્ચ ૨૦૨૧ સુધી કટોકટી જાહેર કરી છે. યુ.કે.એ એક મહિનાનું, જર્મનીએ એક મહિનાનું, ફ્રાન્સે બે સપ્તાહનું લોકડાઉન જાહેર કર્યું છે.

આ જ રીતે ભારતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ ૧,૫૧૫ કેસ નોંધાયા છે. ગુજરાતમાં દર એક મિનિટે એક વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવતો જાય છે. ગુજરાતમાં કુલ કેસનો આંકડો બે લાખ પહોંચી ગયો છે. દિવાળીના દિવસોમાં લોકોએ દાખવેલી બેદરકારી લોકોને ભારે પડી રહી છે. અમદાવાદ કોરોનાનું એપિસેન્ટર બની ગયું છે.

કોરોના-કોવિડ-૧૯ના કેરનું બીજું મોજું વધુ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ભારતમાં નવી દિલ્હીની હાલત તો સૌથી વધુ ખરાબ છે. ચોવીસ કલાકમાં ૧૦૦ જેટલા કોરોનાનાં દર્દીઓ મૃત્યુ પામે છે.

દિવાળીના તહેવારોનો લોકોએ ખૂબ ગેરલાભ ઉઠાવ્યો. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવાં શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગર ખરીદી માટે ઊમટી પડયા. સરકારનાં નિયંત્રણો છતાં ફટાકડા ફોડયા. હવે આ ચારેય શહેરોની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે.

કેટલાયે ડોક્ટરો અને તબીબી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયાં છે. ગુજરાતનાં ગામડાંઓમાં કોરોનાનો પ્રવેશ ગંભીર પરિણામો લાવી શકે છે. લોકો પોતે જ બેજવાબદાર બન્યા છે અને જાતે જ કોરોનાને નિમંત્રિત કરી દીધું છે.

બાકી હવે શિયાળો બેસી ગયો છે. દર શિયાળાની જેમ આ વખતે પણ હવાનું પ્રદૂષણ વધ્યું છે. દરેક નાનાં-મોટાં શહેર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહ્યાં છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ આકાશમાંથી વરસતું ધીમું ઝેર ખતરનાક પરિણામો લાવી શકે છે. દિવાળીના દિવસોમાં ધાર્મિક સ્થળોએ જવાનું બધાંને ગમે છે, પરંતુ જે ભગવાનનાં દર્શન કરવા જાય છે તે ભગવાને માનવીને બુદ્ધિ પણ આપી છે. ઈશ્વરનાં મંદિરમાં જવા માટે જીવતા રહેવું પણ જરૂરી છે. કોરોના જેવી મહામારી દર ૧૦૦ વર્ષે એક જ વાર આવે છે. લોકો સ્વયં સાવધ નહીં રહે તો પોતાનું મોત પોતે જ નોંતરશે.

પહેલાં દેશનું પાટનગર દિલ્હી ગાઢ પ્રદૂષણની ચાદર હેઠળ ઢંકાઈ ગયું. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેડિયાના અંદાજ મુજબ એકમાત્ર દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણથી પ્રતિ વર્ષ ૨૫થી ૩૦ હજાર લોકો વિવિધ બીમારીઓના ભોગ બની મૃત્યુ પામે છે. પોલ્યુશન એક સાઇલન્ટ કિલર છે.

જ્યાં સુધી ભારતને લાગેવળગે છે ત્યાં સુધી પરિસ્થિતિ વણસી રહી છે. રાત-દિવસ અને દિવાળીની રજાઓની પરવા કર્યા વિના પણ ખડેપગે સેવા બજાવતા તબીબો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ દર્દીઓને બચાવવા પોતાના પ્રાણની પણ પરવા કરતા નથી. ત્યારે લોકો માસ્ક વિના ટહેલી રહ્યા છે. માસ્ક પહેરવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેમ કહેનારા લોકો માત્ર એક કલાક ડોક્ટરોની જેમ પીપીઈ કિટ પહેરીને બતાવે કે આઠ કલાક સુધી એ કિટ પહેરી રાખવાથી ડોક્ટરોને કેટલી તકલીફ થાય છે.

પાર્ટીઓ કરતા લોકોને એ વાતની ખબર નથી કે કોરોનાના દર્દીઓની સારવાર કરતા ૩૮૨ ડોક્ટરોએ જાન ગુમાવ્યા છે. તેમના હજારો સ્વજનો પણ મૃત્યુ પામ્યાં છે. લોકોને એ વાતની પણ ખબર નથી કે એમ.ડી. એમ.એસ. કરતા પોસ્ટ ગ્રેજ્યુએશનના તબીબી વિદ્યાર્થી-ડોક્ટરો છેલ્લા આઠ મહિનાથી ભણવાના બદલે કોરોના વોર્ડમાં જાનનાં જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. રિયલ કોરોના વોરિયર્સની પરિસ્થિતિ દયાજનક છે અને બીજી બાજુ લોકો બજારોમાં બેફામ બની ખરીદતા દેખાયા. ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ જ ખરા ફ્રન્ટલાઇન વોરિયર્સ છે.

યાદ રહે કે કોરોના હજુ આઠ કે દસ મહિના રહેશે કે તેથી વધુ તે કોઈ કહી શકે તેમ નથી. વેક્સિન આવે છે તેવી વાતો રોજ થાય છે. વેક્સિન તો આવશે ત્યારે આવશે પણ તે પહેલાં તો બચવું પડશે ને !

આજથી ૧૦૦ વર્ષ પહેલાં સ્પેનીશ ફ્લૂ આવ્યો ત્યારે દોઢ વર્ષ સુધી રહ્યો હતો અને વિશ્વમાં પાંચ કરોડ કરતાં વધુ લોકો મોતને ભેટયાં હતાં. એ વખતે તો વિશ્વની વસતી પણ સાવ ઓછી હતી. આજે વિશ્વની વસતી ૭ અબજની છે. ધારો કે કોરોના બીજા આઠથી દસ મહિના સુધી રહે તો શું થશે ?

કોરોનાના પ્રથમ મોજા વખતે ઇટાલીમાં રસ્તાઓ પર લાશો પડેલી જણાતી હતી. અમેરિકા જેવા દેશોમાં કબ્રસ્તાન નાનાં પડયાં. એવું જ યુરોપના બીજા દેશોમાં થયું. તેની સાથે ભારત તો ૧૩૦ કરોડની વસતીનો દેશ છે. આજે પણ એસવીપી જેવી હોસ્પિટલની બહાર ચિચિયારી પાડીને આવતી એમ્બ્યુલન્સ દસ-દસની સંખ્યામાં તેમની અંદર રાખેલા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો ક્યારે આવે તેનો ઇન્તજાર કરતી દેખાય છે. આવનારા દિવસોમાં શું આપણે ઇટાલીની જેમ રસ્તા પર લાશોના ઢગલા જોવા માગીએ છીએ?

આવી જ બેદરકારી ચાલુ રહે તો આવનારા દિવસોની કલ્પના જ કરવી ભયાવહ છે.

ગુમાવેલી મિલકત પાછી કમાઈ શકશો પરંતું ગુમાવેલી જિંદગી નહીં. પોતાનું ધ્યાન રાખો. કામ વગર ઘરની બહાર ના નીકળો. ઘણો જ ખરાબ સમય છે.

કોરોનાની વેક્સિન આવે તે પહેલાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડવોશ એ જ શ્રેષ્ઠ રસી છે. કોરોનાને હળવાશથી ના લો. આવી મહામારી દર ૧૦૦ વર્ષે આવે છે અને કમનસીબે આપણે તે ખતરનાક કાળમાં જીવીએ છીએ.

ગોડ બ્લેસ યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન