Caution is required despite recordbreaking vaccinations
  • Home
  • Columnist
  • એકસ્ટ્રા કોમેન્ટ: રેકોર્ડબ્રેક વેક્સિનેશન છતાં સાવચેતી જરૂરી છેે

એકસ્ટ્રા કોમેન્ટ: રેકોર્ડબ્રેક વેક્સિનેશન છતાં સાવચેતી જરૂરી છેે

 | 7:00 am IST
  • Share

  • દેશમાં સો કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી એ નાનીસૂની સિદ્ધિ નથી. કોરોનાના સતત ઘટતા જતા કેસો એ વાતનો પુરાવો છે કે, સરકાર અને લોકો બંને કોરોના સામે સતર્ક છે.
  • દિવાળીના તહેવારોમાં હજુ ધ્યાન રાખવાની જરૂર છે
  • કોરોનાની બીજી લહેરે દેશની હાલત કફેડી કરી નાખી હતી

આપણે જે ભૂલો કરી હતી એ સુધારી લીધી અને દેશ ફરીથીથી ધબકતો થયો. કોરોનાની રસી શોધાઇ છે પણ કોરોનાની અકસીર દવા હજુ મળી નથી. સાવ છુટકારો મળતા હજુ થોડી વાર લાગવાની છે

 કોરોના વેક્સિનેશનમાં આખરે દેશે સો કરોડનો આંકડો પાર કરી લીધો. એકથી એક સો કરોડ સુધીની આ સફર ઘણી અઘરી અને આકરી રહી છે. કેટલા બધા અપ-ડાઉન્સ પછી દેશ આ તબક્કે પહોંચ્યો છે. નો ડાઉટ, આ હરખાવવાની ઘડી છે સાથોસાથ એ પણ હકીકત છે કે, હજુ આ મંઝિલ નથી પણ મુકામ છે. દેશમાં 31 ટકા લોકો એવા છે જેને કોરોનાની વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. 75 ટકા યુવાનોને કમસે કમ એક ડોઝ અપાઇ ગયો છે. 100 કરોડ વેક્સિનેશન પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા ઉપર 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો અને 1400 કિલો વજનનો ખાદીનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આમ તો વેક્સિનેશનના કિસ્સામાં આપણા દેશે આખી દુનિયામાં ઝંડા ફરકાવ્યા છે. બે બે વેક્સિન શોધીને આપણા દેશે દુનિયાને આપી છે. નાના દેશોને આપણે મફ્તમાં વેક્સિન આપી છે. વર્લ્ડ હેલ્થ આર્ગેનાઇઝેશનથી માંડીને દુનિયાની મોટા ભાગની સંસ્થાઓએ ભારતનાં બે મોઢે વખાણ કર્યાં છે. એ વાતથી ઇનકાર ન થઇ શકે કે, અમુક ભૂલો અને થોડાક ઓવર કોન્ફ્ડિન્સના કારણે આપણો દેશ બીજી લહેરમાં હચમચી ગયો હતો. બીજી લહેર વખતે આપણા દેશમાં જે થયું એવું દુનિયાના અનેક દેશોમાં થયું છે. કોરોનાના ખતરનાક સેકન્ડ વૅવમાંથી પણ દેશ બહાર આવ્યો હતો. આવડી મોટી આપદા હોય ત્યારે ભૂલો થઈ જાય એ સ્વાભાવિક છે. તમે એ ભૂલોને કેવી રીતે સુધારો છે એ મહત્ત્વનું છે.

કોરોનાની બીજી લહેરનાં દૃશ્યો હજુ પણ યાદ આવે ત્યારે શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે. હોસ્પિટલમાં બેડ મેળવવા માટે દોડાદોડી કરતા લોકો, દવાખાનાના દરવાજે અંતિમ શ્વાસ લેતા દર્દીઓ, ઓક્સિજન અને ઇન્જેક્શન માટે થતી ભાગદોડ, દર્દીઓ અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યાનો સતત વધતો જતો આંકડો, સ્મશાનમાં અંતિમવિધિ માટે લાગતી લાઇનો અને ગંગામાં તરતી લાશોએ આખા દેશને ડરાવી દીધો હતો. ભારતની

ઇર્ષાથી પીડાતા દેશોએ આ બધાં દૃશ્યો દુનિયા સામે મૂકીને ભારતને બદનામ કરવાના પ્રયાસો કર્યાં. બાકી આપણા દેશ કરતાં પણ વધુ ખરાબ હાલત અમેરિકા અને બીજા દેશોની થઇ જ હતી. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલા નેશનલ મૉલના મેદાનમાં 20 એકરમાં છ લાખ સફેદ ધ્વજ જમીનમાં ખોડીને કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રાદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમેરિકાના આ ધ્વજ વાઇરલ થયા હતા, જ્યારે આપણાથી જલતા દેશોએ એક સાથે સેંકડોની સંખ્યામાં થતા અગ્નિસંસ્કારની તસવીરો જાણી જોઈને વહેતી કરી હતી. અમેરિકામાં અત્યાર સુધીમાં ચાર કરોડ સાઠ લાખ 92 હજાર ચારસો જેટલા કેસો નોંધાયા છે. સાડા સાત લાખથી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આપણા દેશમાં કોરોનાના કુલ ત્રણ કરોડ 41 લાખ 27 હજાર 500 કેસો નોંધાયા છે. ચાર લાખ 52 હજાર 845 લોકોએ કોરાનાના કારણે જીવ ગુમાવ્યા છે. ચીનના વુહાનમાં કોરોનાનો પહેલો કેસ ક્યારે નોંધાયો તે વિશે ભેદભરમ છે. ચીને 31મી ડિસેમ્બર, 2019ના રોજ કોરોના વિશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જાણ કરી હતી. આપણા દેશમાં કોરોનાનો સૌથી પહેલો કેસ તારીખ 27મી જાન્યુઆરી, 2020ના રોજ કેરળમાં નોંધાયો હતો. 20 વર્ષની છોકરીને કોરોનાનાં લક્ષણો સાથે દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી. વેક્સિન માટે સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી હતી. એપ્રિલ 2020માં તો દેશમાં વેક્સિનની ટ્રાયલ શરૂ થઇ ગઇ હતી. 16મી જાન્યુઆરી, 2020થી દેશમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો.

કોરોના સામે સતર્ક થવામાં ભારત મોખરે હતો. રાઇટ ટાઇમે લૉકડાઉન કરીને કોરોનાને કંટ્રોલમાં રાખવાના ભારતના પ્રયાસને દુનિયાએ વખાણ્યો હતો. કોરોનાની પહેલી લહેરને આપણે પ્રમાણમાં સારી રીતે ટેકલ કરી શક્યા હતા. એ પછી બધાને એવું થયું કે, હવે આપણને કોઇ વાંધો નહીં આવે. સરકારથી માંડીને લોકો સુધી બધા જ બેપરવાહ થઇ ગયા હતા. એનાં પરિણામો આપણે ભોગવ્યાં. બીજી લહેર પછી ત્રીજી લહેર આવે છે એવી વાતો થઇ. ત્રીજી લહેર આવી નહીં એનું કારણ પણ એ જ છે કે, બીજી લહેર પછી આપણે વધુ સતર્ક રહેવા લાગ્યા છીએ. નવરાત્રીના તહેવારો હેમખેમ પૂરા થયા છે. ભલે ક્લબ કે પાર્ટી પ્લોટમાં ગરબા ન થયા પણ શેરીઓમાં અને સોસાયટીઓમાં ગરબા રમીને લોકોએ બને એટલી મજા કરી છે.

દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ગયા વર્ષની દિવાળી સારી રહી નહોતી. આ વખતે હન્ડ્રેડ પર્સન્ટ ફેસ્ટિવ મૂડ વર્તાતો નથી પણ ગયા વખત કરતાં તો અનેકગણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીમાં ફરવાનાં પ્લાનિંગ્સ થઇ ગયાં છે. આજની તારીખે સ્થિતિ એવી છે કે, દરેક હિલ સ્ટેશને હોટલો અને રિસોર્ટ્સ ફૂલ થઇ ગયાં છે. ફ્લાઇટ કે ટ્રેનમાં ટિકિટ મળતી નથી. લાંબા સમયથી ઘરમાં જ રહી રહીને લોકો કંટાળ્યા છે. લોકોને ચેન્જ જોઈએ છે. અલબત્ત, હજુ સાવચેત રહેવાની જરૂર તો છે જ. કોરોના ચાલ્યો ગયો એવું માનવું મુશ્કેલી સર્જી શકે છે. કોરોના વિશે એવું કહેવાઈ રહ્યું છે કે, એક સમયે કોરોના શરદી જેવી સામાન્ય બીમારી થઇ જશે પણ એવું ન થાય ત્યાં સુધી સાવચેત રહેવામાં જ હોશિયારી છે.

કોરોનાથી સંપૂર્ણ છુટકારો ત્યારે જ મળવાનો છે જ્યારે કોરોનાની અકસીર દવા શોધાઇ જશે. વેક્સિન એ પરમેનન્ટ ઇલાજ નથી. વેક્સિનની અસર ક્યાં સુધી રહે છે એ અંગે કોઈ હજુ છાતી ઠોકીને કંઈ કહી શકતું નથી. બુસ્ટર ડોઝની પણ ચર્ચાઓ ચાલી રહી છે. કોરોનાથી દુનિયાના દરેક દેશને આર્થિક ફ્ટકો પડયો છે. બીજા દેશોની સરખામણીમાં આપણા દેશનું અર્થતંત્ર ઠીકઠાક કામ કરી રહ્યું છે. નિષ્ણાતો એવી આગાહીઓ કરી રહ્યા છે કે, ભારતને વાંધો નહીં આવે. દુનિયાનો કોઇ દેશ કોરોનાથી મુક્ત રહી શક્યો નથી. આખી દુનિયા એક સાથે એક જ મુશ્કેલીનો સામનો કરી રહી હોય એવી ઘટના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી હોય છે. આપણા દેશની દરેક વ્યક્તિએ કોરોનાની સીધી કે આડકતરી અસરો ભોગવી છે. જેમણે પોતાનાં સ્વજન ગુમાવ્યાં છે એ લોકોનો આઘાત આસાનીથી ઓસરે એવો નથી. કોરોનાથી સાજા થઇ ગયેલા લાખો લોકો હજુ પણ કોઇ ને કોઇ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 100 કરોડ વેક્સિનેશન ભલે થઇ ગયાં હોય પણ એક વાત યાદ રાખવાની છે કે, કોરોના છેતરામણો વાઇરસ છે. કોરોનાના પ્રોટોકોલને નજરઅંદાજ કરવાનું હજુ પણ ભારે પડી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો