સીબીઆઈ ચિદમ્બરમની પણ પૂછપરછ કરે તેવી શક્યતા, કાર્તીના રિમાન્ડમાં વધારો - Sandesh
  • Home
  • India
  • સીબીઆઈ ચિદમ્બરમની પણ પૂછપરછ કરે તેવી શક્યતા, કાર્તીના રિમાન્ડમાં વધારો

સીબીઆઈ ચિદમ્બરમની પણ પૂછપરછ કરે તેવી શક્યતા, કાર્તીના રિમાન્ડમાં વધારો

 | 5:32 pm IST

INX મીડિયા કેસમાં લાંચ લેવાના આરોપી કાર્તિ ચિદમ્બરમને કોર્ટ તરફથી આજે ઉપરાઉપરી બે ઝાટકા આવ્યા હતાં. પટિયાલા હાઉસ કોર્ટે ભૂતપૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની કસ્ટડી 3 દિવસ માટે વધારી દીધી છે. 9 માર્ચે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આઈએનએકસ મીડિયા લાંચકાંડમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રના પૂર્વ નાણાપ્રધાન પી. ચિમ્બરમને સીબીઆઈ પૂછપરછ માટે બોલાવે તેવી શક્યતા છે. કારણ કે ઈન્દ્રાણી મુખરજીએ મેજિસ્ટ્રેટ સમક્ષ આઈએનએક્સ મીડિયા અંગે ચોંકાવી દે તેવું નિવેદન આપ્યું છે.

હત્યાના આરોપમાં જેલમાં કેદ ઈન્દ્રાણી મુખરજીએ જણાવ્યું હતું કે તેમણે શરૂઆતમાં પી. ચિદમ્બરનો સંપર્ક કર્યો હતો અને તેમણે કાર્તિ ચિમ્બરનો સંપર્ક સાધવાની સલાહ આપી હતી.

બીજીબાજુ સીબીઆઈએ 9 દિવસની કસ્ટડી માંગતા કહ્યું હતું કે તેમની પાસે પુરવાઓ છે જેના આધારે કાર્તિ સાથે સંકળાયેલી અનેક કંપનીઓ વિષે જાણકારી મળી શકે છે. માટે તેમની સઘન પુછપરછ હાથ ધરવા માટે થોડો વધારે સમય જોઈએ. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કાર્તિના મામલે સુનાવણી દરમિયાન તેના પિતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમ અને માતા નલિની પણ હાજર રહ્યાં હતાં.

અદાલતમાં બંને પક્ષે ઉગ્ર દલીલો પણ થઈ હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે કાર્તિ તપાસમાં તદ્દન મદદ નથી કરતો. એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીનો મોબાઈલ સીઝ કરવામાં આવ્યો છે. પાસવર્ડ માંગતા કાર્તિએ કરેલી અભદ્ર ટિપ્પણી પરની સીબીઆઈની દલીલને કાપતા કાર્તિના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, મારા અસિલના મૌનનો અર્થ એ નથી કે તે દોષી છે અને તપાસમાં સહયોગ નથી કરી રહ્યો.

સીબીઆઈએ કોર્ટમાં કાર્તિના રિમાંડ વધારવા માટે દલીલ આપી હતી કે આરોપીની હજી પુછપરછ કરવામાં આવી રહી છે. કારણ કે આ મામલે તપાસ સાથે સંકળાયેલા અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો માટે કાર્તિની પૂછપરછ જરૂરી છે. સીબીઆઈની આ દલીલને અદાલતે ગ્રાહ્ય રાખી હતી અને 3 દિવસના રિમાંડ મંજુર કર્યાં હતાં. આ રિમાંડ 9 માર્ચે પુર્ણ થશે. આમ 9 માર્ચે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આજે બપોરે જ કાર્તિને સુપ્રીમ કોર્ટે પણ આંચકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કાર્તિ દ્વારા સીબીઆઈ અને ઈડી દ્વારા થતી તપાસ અટકાવવાની અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરતા આ કાર્યવાહી અટકાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આમ એક જ દિવસમાં કાર્તિને કોર્ટ તરફથી બબ્બે આંચકા લાગ્યા છે.