લાલુ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો નવો આરોપ, CBIએ દાખલ કરી FIR, 12 ઠેકાણાઓ પર દરોડા - Sandesh
  • Home
  • India
  • લાલુ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો નવો આરોપ, CBIએ દાખલ કરી FIR, 12 ઠેકાણાઓ પર દરોડા

લાલુ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો નવો આરોપ, CBIએ દાખલ કરી FIR, 12 ઠેકાણાઓ પર દરોડા

 | 9:02 am IST

આરજેડી સુપ્રીમો અને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ સતત વધતી જાય છે. બેનામી સંપત્તિ મામલે ઘેરાયેલા લાલુ અને તેમના પરિવાર વિરુદ્ધ આજે સીબીઆઈએ ભ્રષ્ટાચારનો એક નવો કેસ દાખલ કર્યો છે. લાલુ વિરુદ્ધ આરોપ છે કે તેમણે રેલવે મંત્રી હતા ત્યારે એક ખાનગી કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. સીબીઆઈએ તેમની પત્ની અને પુત્ર સહિત 8 લોકો પર કેસ દાખલ કર્યો છે. આ મામલે 12 ઠેકાણાઓ પર સીબીઆઈના દરોડા ચાલી રહ્યાં છે.

આ મામલો વર્ષ 2006નો છે. લાલુ પ્રસાદ યાદવ ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી હતાં. સીબીઆઈએ તેમના વિરુદ્ધ રેલ મંત્રી તરીકે ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. રાંચી અને પુરીમાં હોટલોના ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ અને ઓપરેશન માટે ટેન્ડર આપવાના આ મામલે આજે સીબીઆઈએ લાલુ અને તેમના પરિવાર સંલગ્ન 12 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. દિલ્હી, ગુરુગ્રામ, પટણા, રાંચી અને પુરીમાં દરોડા પાડવામાં આવ્યાં છે. હાલ દરોડાની કાર્યવાહી ચાલુ છે.

સીબીઆઈએ જે લોકો સામે કેસ દાખલ કર્યો છે તેમાં લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત તેમના પત્ની રાબડી દેવી, તેમના પુત્ર, IRCTCના એમડી, બે પ્રાઈવેટ કંપનીઓના ડાઈરેક્ટર્સ, એક પ્રાઈવેટ માર્કેટિંગ કંપની અને કેટલાક અન્ય લોકો સામેલ છે. અત્રે જણાવવાનું કે લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર બેનામી સંપત્તિ મામલે પણ ઘેરાયેલો છે.

તેમના પરિવાર પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને બેનામી સંપત્તિ બનાવવાનો આરોપ છે. હાલમાં જ ઈન્કમ ટેક્સ વિભાગે આ મામલે 12 બેનામી સંપત્તિઓને ટાંચમાં લીધી છે. કેસ મુદ્દે તેમની પુત્રી મીસા ભારતી અને જમાઈ શૈલેશકુમાર ઉપર પણ આરોપ લાગ્યા છે. જો કે યાદવ પરિવારે આ આરોપોને તેમના વિરુદ્ધ રાજકીય કાવતરું ગણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન