CBIએ ત્રીજું મોટું કૌભાંડ પકડયું, શુગર મિલે 200 કરોડની ગોબાચારી આચરી હોવાનો દાવો - Sandesh
  • Home
  • India
  • CBIએ ત્રીજું મોટું કૌભાંડ પકડયું, શુગર મિલે 200 કરોડની ગોબાચારી આચરી હોવાનો દાવો

CBIએ ત્રીજું મોટું કૌભાંડ પકડયું, શુગર મિલે 200 કરોડની ગોબાચારી આચરી હોવાનો દાવો

 | 10:09 pm IST

દેશની બેન્કોના માથે પસ્તાળ પડી હોય તેમ દિવસેને દિવસે નવા નવા કૌભાંડો બહાર આવતા જાય છે. એક તરફ માલ્યાનો ૯,૦૦૦ કરોડનો ગોટાળો શાંત પડયો નહોતો ત્યાં દેશમાં નવા મોટા મોટા કૌભાંડો ઉજાગર થતા જાય છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્કનું ૧૧, ૩૦૦ કરોડનું ફુલેકું ફેરવી કાઢયું હતું. સીબીઆઈ આ કૌભાંડની તપાસ કરી રહી હતી ત્યારે સીબીઆઈ સામે દિલ્હીની એક પેઢીને ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સનું ૩૦૦ કરોડનું દેવાળું કાઢયાની ફરિયાદ આવી હતી.

રવિવારે સીબીઆઈએ વધુ એક નવા કેસમાં ફરિયાદ દાખલ કરી હતી. ઉત્તર પ્રદેશની સિમ્ભૌલી સુગર મિલના અધિકારીઓ સામે ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સને ૨૦૦ કરોડનો ચૂનો લગાડયો હોવાની ફરિયાદ આવી છે. ઉલ્લેખનીય છે કે, સિમ્ભોલી શુગર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જમાં નોંધાયેલી દેશની સૌથી મોટી શુગર રિફાઇનરી છે. બેન્કે દાવો કર્યો હતો કે, સિમ્ભોલી શુગર મિલના સીએમડી ગુરમીતસિંહ માન, ગુરુપાલસિંહ અને આઠ ડાયરેક્ટરે છેતરપિંડી કરી છે. આ કંપનીએ વર્ષ ૨૦૧૧માં ૯૭ કરોડ રૂપિયાની બેન્કમાંથી લોન લીધી હતી. ડાયરેક્ટર પૈકી એક જે બેન્ક સાથે ચીટિંગ કેસમાં સંકળાયેલા છે તે પંજાબના કોંગ્રેસના નેતાના જમાઈ છે. આ કેસને લઇને સીબીઆઇએ દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક સરનામાઓ પર સર્ચ ઓપરેશ કર્યુ હતું.

પહેલી વખત ૨૦૧૧માં લોન લેવાઈ હતી

સૌ પ્રથમ વખતે વર્ષ ૨૦૧૧માં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સનો ૧૫૦ કરોડ રૂપિયાની લોન માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જે પાછળનો હેતું ૫,૨૦૦ ખેતી કરતા ખેડૂતોને આર્િથક મદદ કરવાનો હતો. આ માટે દરેક ખેડૂત પાસેથી તેની કેવાયસી ડિટેઇલ મગાવવામાં આવી હતી. પરંતુ જ્યારે ખેડૂતોના ખાતામાં નાણાં જમા થયા ત્યારે તેનો હેતું બદલાઇ ગયો હતો. જ્યારે બેન્કે પોતાની લોન સામે ઉઘરાણી શરૂ કરી ત્યારે સિમ્ભોલી શુગરે ફરી એક વધુ લોન લીધી. વર્ષ ૨૦૧૫માં ૧૧૦ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી. કંપનીએ જણાવ્યું કે, બેન્કના બાકીના લેણા ભરવા માટે અને એક જ વખતમાં તમામ દેવું ચૂકતે કરવામાં લોન આપવામાં આવે. બેન્કે લોન આપ્યા બાદ કંપનીના અધિકારીઓ કુલ ૨૦૦ કરોડની રકમ ચાંઉ કરી ગયા હતા.

નવેમ્બર ૨૦૧૧માં શેરડીના ૫,૭૬૨ ખેડૂતો માટે પ્રપોઝલ આવી હતી. જે અંતર્ગત પ્રત્યેક ખેડૂતને રૂ.૩ લાખ આપવાના હતા. જેની કુલ કિંમત ૧૫૦ કરોડ રૂપિયા થઈ હતી જે લોન ડિસેમ્બર ૨૦૧૧માં પાસ થઈ.

કેવી રીતે થયું કરોડોનું કૌભાંડ?

શેરડીના ખેડૂતોને સદ્ધર કરતાના હેતુસર બેન્ક પાસેથી લોન પ્રપોઝલ લેવામાં આવી હતી. જે એક જ મહિનામાં પાસ થઈ હતી. ૧૫૦ કરોડ રૂપિયાની બેન્ક લોન હેઠળ પ્રત્યેક ખેડૂતને ૩ લાખ રૂપિયા આપવાનું કંપની સાથે એગ્રીમેન્ટ હતું. કંપનીએ આ ખેડૂતોના નામ બેન્કને આપ્યા, જમીનની વિગત તથા ખેડૂતોની અન્ય યાદી બેન્કને મળી. ખેડૂતોએ કેવાયસી ડિટેઇલ સહિત અન્ય દસ્તાવેજો લોન એપ્લિકેશન સાથે આપવાના હતા. માર્ચ ૨૦૧૨માં બેન્કે ૫,૭૬૨ ખેડૂતોને રૂ.૧૪૮.૫૯ કરોડની લોન રકમ આપી દીધી. પરંતુ ખેડૂતોના નામે ખોલાવેલા ખાતામાં ચૂકવેલી રકમ સિમ્ભોલી શુગર કંપનીના એકાઉન્ટમાં જમા થતી હતી.

ખેડૂતોના નામે ખોટા પ્રમાણપત્રો

કંપનીએ ખેડૂતોના નામે ખોટા કેવાયસી બેન્કને આપ્યા. આ મામલો જ્યારે બેન્ક સામે આવ્યો ત્યારે ખેડૂતોના ખાતા દ્વારા નાણાં જમા થઈ ગયા હતા. કંપનીએ આ ફંડ એસબીઆઇ, પંજાબ નેશનલ બેન્ક અને યુકો બેન્કમાં આરટીજીએસથી ટ્રાન્સફર કર્યું. ઓરિએન્ટલ બેન્કે દાવો કર્યો કે, કંપનીએ ખેડૂતોના ખોટા પ્રમાણપત્રો આપીને નાણાં પડાવી લીધા અને ચીટિંગ કર્યું. સીબીઆઇએ જણાવ્યું હતું કે, સિમ્ભોલી શુગરે બેન્કને ૧૦૯ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. માર્ચ ૨૦૧૫માં ૧૪૮.૫૯ કરોડના લોન ખાતાને એનપીએ જાહેર કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન