CBI team arrives at the residence of P Chidambaram Connection with INX Media case
  • Home
  • Featured
  • આગોતરા જામીન રદ થતા ચિદમ્બરમ થયા અંડરગ્રાઉન્ડ, અડધી રાતથી CBIને ધક્કે ચઢાવી

આગોતરા જામીન રદ થતા ચિદમ્બરમ થયા અંડરગ્રાઉન્ડ, અડધી રાતથી CBIને ધક્કે ચઢાવી

 | 8:20 am IST

INX મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટમાંથી અગોતરા જામીનની અરજી રદ્દ થયા બાદથી પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ ‘ગુમ’ થઇ ગયા છે. સીબીઆઈ તેમને શોધવા માટે બે વખત તેમના ઘરે જઇ ચૂકી છે. બીજીબાજુ વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ચિદમ્બરમના વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે જસ્ટિસ એનવી રમનાની કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટ આજે આ કેસની સુનવણી કરી શકે છે. આપને જણાવી દઇએ કે મંગળારે મોડી રાત્રે સીબીઆઈની ટીમ ફરીથી ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. અધિકારીઓએ ઘરની બહાર નોટિસ ચિપકાવીને તેમને બે કલાકની અંદર હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો તેમ છતાંય તેમને ચિદમ્બરમ અંગે હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. સીબીઆઈ તેમને શોધવામાં લાગી ગઇ છે.

આની પહેલાં પણ સીબીઆઈની ટીમ ચિદમ્બરમના ઘરે ગઇ હતી તેઓ ના મળતા પાછા આવ્યા હતા. સીબીઆઈ ટીમ પાછી ફર્યા બાદ થોડીક વારમાં જ ઇડીની ટીમ પણ ચિદમ્બરમના ઘરે પહોંચી. બંને એજન્સીઓ સતત તેમને ફોનથી સંપર્ક કરવાની કોશિષ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઇ ભાળ મળી નથી કે આખરે ચિદમ્બરમ છે કયાં?

ઇ-મેલ દ્વારા પણ મોકલાયા સમન્સ

સીબીઆઈ અધિકારીઓનું નેતૃત્વ પોલીસ અધીક્ષક સ્તરના અધિકારી કરી રહ્યા હતા. જો કે હજુ સ્પષ્ટ થયું નથી કે અધિકારી ચિદમ્બરમના ઘરે તેમની ધરપકડ કરવા ગયા હતા કે પૂછપરચ્છ કરવા માટે. અધિકારીઓએ કહ્યું કે ચિદમ્બરમના ઘરે ગયેલી ટીમના સભ્યોએ સીબીઆઈ હેડક્વાર્ટર આવીને વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરી. ટીમના સભ્યોએ ચિદમ્બરમના ઘરે નોટિસ ચીપકાવી જેમાં સીબીઆઈના ઉપાધીક્ષક આર પાર્થસારર્થીના સમક્ષ હાજર થવા માટે સીઆરપીસીની કલમ 161ની અંતર્ગત નિવેદન નોંધાવા માટે કહ્યું. સૂત્રોએ કહ્યું કે સમન્સ ચિદમ્બરમને ઇ-મેલ દ્વારા પણ મોકલાયા છે.

ચિદમ્બરમના વકીલે સીબીઆઈને લખ્યો પત્ર

આ બધાની વચ્ચે બુધવાર સવારે પૂર્વ નાણાંમંત્રીના વકીલ અર્શદીપ સિંહ ખુરાનાએ તપાસ એજન્સીને પત્ર લખીને પૂછયું છે તમે મારા મુવક્કિલના ઘરની બહાર નોટિસ ચીપકાવી છે તેમાં એ નથી કહ્યું કે આખરે કયા કાયદા અંતર્ગત ચિદમ્બરમને બે કલાકની અંદર હાજર થવા માટે કહ્યું છે. બીજીબાજુ ખુરાનાએ લખ્યું કે આજે 21મી ઑગસ્ટના રોજ સવારે 10.30 વાગ્યે કોર્ટ તેના પર સુનવણી કરશે. આ દ્રષ્ટિથી મારી અપીલ છે કે ત્યાં સુધી સીબીઆઈ મારા મુવક્કિલની વિરૂદ્ધ કોઇપણ પ્રકારની કોઇ કાર્યવાહી કરે નહીં અને રાહ જુએ.

ગઇકાલે સાંજે 5 વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટમાં હતા ચિદમ્બરમ

આપને જણાવી દઇએ કે સીનિયર કોંગ્રેસ નેતાને ત્યારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે દિલ્હી હાઇકોર્ટે તેમના આગોતરા જામીનની ના પાડી દીધી. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની ધરપકડ તાત્કાલિક સુનવણીથી ઇન્કાર કરતાં તેમણે બુધવારના રોજ સાંભળવાની વાત કહી હતી. ચિદમ્બરમ પોતાના સાથી વકીલોની સાથે સુપ્રીમ કોર્ટમાં સાંજે 5 વાગ્યા સુધી હાજર હતા. ત્યારબાદ તેઓ કયા ગયા તેની માહિતી નથી.

કોંગ્રેસે કહ્યું બદલો લઇ રહી છે મોદી સરકાર

આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આખા કેસ પર પાર્ટીની તરફથી રૂખ સ્પષ્ટ કરતાં કહ્યું કે વિપક્ષ અને વિરોધીઓ પકડી-પકડીને નિશાન બનાવી રહ્યા છે. વિરોધ કરનારાઓની વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. ચિદમ્બરમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના હાલના સંસદ સભ્ય છે. સવારે તેમની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 10-12 કલાકમાં કોઇ આભ નથી ફાટવાનું. આ સરકારની કાર્યશૈલી બની ચૂકી છે. જો રાતોરાત આવું થઇ રહ્યું છે તો તેની વિશ્વસનીયતા પર પણ પ્રશ્ન છે. આનાથી ભારતના લોકતંત્રની કોઇ સારી છબી બનતી નથી. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પણ કહ્યું કે સરકાર બદલાની ભાવનાની અંતર્ગત કાર્યવાહી કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન