બોટલના મુખ પર રીંગ કેમ હોય? - Sandesh
  • Home
  • Kids Corner
  • બોટલના મુખ પર રીંગ કેમ હોય?

બોટલના મુખ પર રીંગ કેમ હોય?

 | 12:06 am IST

ચાલો, જાતે કરી જોઈએ… :- માલિની મૌર્ય

માનો કે બોટલના મોઢિયા પર ઉપસાવેલી રીંગ ન હોય તો? તો શું થાય એ જાણવા માટે ચાલો એક પ્રયોગ કરીએ.

શું શું જોઈશે?

પાણીની પ્લાસ્ટિકની બે ખાલી બોટલ, એક ગ્લાસ પાણી, એક કટર, એક વડીલની મદદ

શું કરવાનું છે?

બધો સામાન લઈને બહાર ઓટલા ઉપર કે ગાર્ડનમાં જતા રહો.

પ્લાસ્ટિકની પાણીની બોટલમાંથી એક બોટલનું આકૃતિ-૩માં બતાવ્યું છે એ રીતે મોઢિયું કટરની મદદથી કાપી નાંખો. આમાં તમે તમારા મમ્મી, પપ્પા, મોટાભાઈ જેવા કોઈ એક વડીલની મદદ લઈ શકો છો.

હવે મોઢિયું કાપેલી પ્લાસ્ટિકની બોટલમાં છેક સુધી પાણી ભરો.

ત્યાર પછી પ્લાસ્ટિકની જે બોટલ મોઢિયું કાપ્યા વગરની છે એમાં પણ આકૃતિ-૧માં બતાવ્યું છે એ રીતે છેક સુધી પાણી ભરો.

બંને બોટલમાં પાણી ભર્યા પછી મોઢિયાવાળી બોટલ ઉપાડો અને આકૃતિ-૨માં બતાવ્યું છે એ રીતે એમાંથી સાચવીને જરાક જ પાણી ગ્લાસમાં કાઢો.

હવે એ બોટલ મૂકી દો અને મોઢિયું કાપી નાંખ્યું છે એ બોટલ ઉપાડો. એમાંથી પણ જરાક પાણી ગ્લાસમાં કાઢો.

બંને બોટલમાંથી જરાક પાણી કાઢતી વખતે શું ફરક પડયો એ નોંધો.

એમ કરવાથી શું થશે?

જ્યારે તમે આખા મોઢિયાવાળી બોટલમાંથી પાણી કાઢશો ત્યારે પાણી સીધી ધાર થઈને ગ્લાસમાં પડશે.

જ્યારે તમે મોઢિયાની ઉપરની રીંગ કાપેલી બોટલમાંથી જરાક પાણી ગ્લાસમાં કાઢશો તો એ પાણીની ધાર સીધી ગ્લાસમાં પડવાને બદલે થોડુંક પાણી કિનારીએથી બોટલની બહારની સપાટી ઉપર પણ રેલાશે અને ગ્લાસની બહાર પડશે.

આવું શા માટે થયું?

આમ થવાનું કારણ પ્રવાહી ઉપર થતા બર્નોલી ઈફેક્ટ થાય છે. જેનું મોઢિયું સાંકડું હોય એવી કોઈપણ બોટલમાં પ્રવાહી ભર્યું હોય અને તેને બહાર રેડવાનો પ્રયાસ કરીએ ત્યારે મોઢિયું સાંકડું હોવાથી પ્રવાહીએ એમાંથી પસાર થવા ઝડપથી નીકળવું પડે છે.

બોટલનો પાછળનો ભાગ પ્રવાહી ભરેલો હોય એનો ધક્કો પ્રવાહીને લાગતો હોય. મોઢિયું સાંકડું હોવાથી તેમાંથી તરત નીકળી શકાતું નથી. એટલે ત્યાં પ્રવાહીમાં દબાણ સર્જાય છે. પછી એ સાંકડા મોઢિયામાંથી પસાર થાય ત્યારે દબાણ મુક્ત થઈ જાય છે અને સાવ હળવું દબાણ લઈ બહાર નીકળે છે.

બોટલની બહાર જે હવા હોય એનું દબાણ બહાર નીકળતા પ્રવાહી કરતાં વધારે હોય છે. એના દબાણના કારણે પ્રવાહી મોઢિયામાંથી નીચે પડવા માગતું હોય તો પણ એને સામો ધક્કો વાગે છે અને એ બોટલની બહારની સપાટી ઉપર થઈ નીચે રેલાય છે.

કોઈ બોટલમાંથી પ્રવાહી બહાર કાઢતી વખતે એમાંથી પ્રવાહી બોટલની બહારની સપાટી પર રેલાય તો એ નીચે ધરેલા ગ્લાસ કે કપમાં પડવાને બદલે સપાટી પર લસરીને બોટલના તળિયા સુધી પહોંચી જાય અને ત્યાંથી નીચે પડે છે.

બોટલમાંથી કોઈ પ્રવાહી કાઢતી વખતે નીચે ધરેલા કપ કે ગ્લાસમાં પડવાને બદલે બોટલના તળિયા ઉપરથી ટપકે તો ટેબલ કે ફર્શ પર પડે. સાદી ભાષામાં કહીએ તો ખોટી જગ્યાએ ઢોળાય.

આવું ન થાય એટલા માટે સાંકડા મોઢિયાવાળી દરેક બોટલની ઉપરની કિનારીએ એક રીંગ ઉપસી હોય એવી ડિઝાઈન કરવામાં આવે છે.

આ નાનકડી રીંગના કારણે પ્રવાહી મોઢિયામાંથી બહાર નીકળે તો બહારની હવાનું દબાણ પ્રવાહીને બોટલની સપાટી પર સરકવા ધક્કો મારે છે, એ જ વખતે રીંગની નીચેની હવા એને બોટલની સપાટી ઉપર લપસતું રોકી દે છે. એટલે રીંગ ઉપર થઈને પ્રવાહી સીધું નીચે જ પડવા લાગે છે.

નીચે આપણે ધરેલા ગ્લાસ કે કપમાં પડે છે. ઢોળાતું નથી.

એટલા માટે સાંકડા મોઢિયાવાળી દરેક બોટલની મોઢિયાની કિનારી પર રીંગ અચૂક ઉપસાવી હોય છે.

[email protected]