CBSE Topper kidnapped, gangraped in Haryana
  • Home
  • Featured
  • હરિયાણામાં CBSEની ટોપર-રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા સાથે હેવાનિયત, 12 નરાધમોનો બળાત્કાર

હરિયાણામાં CBSEની ટોપર-રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા સાથે હેવાનિયત, 12 નરાધમોનો બળાત્કાર

 | 10:47 pm IST

હરિયાણાના રેવાડીમાં બુધવારે સીબીએસઈ બોર્ડની ટોપર અને રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા 19 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થિની પર 12 નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવતાં દેશભરમાં આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. રેવાડીનાં કોસલી ગામની વતની એવી પીડિત વિદ્યાર્થિની રેલવેની પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી. તે મહેન્દ્રગઢના કનીનાં બસસ્ટેન્ડ ખાતેથી કોચિંગ ક્લાસ માટે જઈ રહી હતી ત્યારે કોલેજના વિદ્યાર્થી એવા 3 નરાધમો દ્વારા તેનું અપહરણ કરાયું હતું.

આરોપીઓએ તેને બળજબરીથી નશીલું પીણું પીવડાવ્યું હતું અને કારમાં હરિયાણાના 3 જિલ્લામાં ડ્રાઇવ કરતા રહ્યા હતા, ત્યારબાદ ઝજ્જર જિલ્લાની સરહદ નજીક આ ત્રણે નરાધમો તેને ખેંચીને એક ખેતરમાં લઈ ગયા હતા. ખેતરમાં તેમણે વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. 3 નરાધમોને ખેતરમાં પીડિતા સાથે બળાત્કાર કરતા જોઈ આજુબાજુનાં ખેતરોમાં કામ કરતા અન્ય કેટલાક નરાધમો ત્યાં પહોંચ્યા હતા અને પીડિતાને બચાવવાને બદલે તેમણે પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર ૧૨ લોકોએ તેને પીંખી નાખી હતી. પીડિતાએ આરોપ મૂક્યો છે કે બળાત્કાર ગુજારનારા તમામ તેના ગામના છે.

પીડિતા બેહોશ થઈ ત્યાં સુધી નરાધમો તેના પર બળાત્કાર ગુજારતા રહ્યા હતા, ત્યારબાદ તેઓ બપોરના 4 કલાકની આસપાસ પીડિતાને બેહોશ હાલતમાં કનીનાનાં બસસ્ટેન્ડ પાસે નાખી ફરાર થઈ ગયા હતા. અધમતાની હદ તો ત્યાં આવી હતી કે આરોપીઓએ યુવતીનાં માતા-પિતાને ફોન કરીને જાણ કરી હતી કે તેમની દીકરી બસસ્ટેન્ડ પાસે બેહોશ પડી છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો બસસ્ટેન્ડ ખાતે દોડી ગયાં હતાં અને પીડિતાને હોસ્પિટલ લઈ ગયાં હતાં. વરિષ્ઠ પોલીસઅધિકારી એ. એસ. ચાવલાએ જણાવ્યું હતું કે, યુવતીનું મેડિકલ એક્ઝામિનેશન કરાયું હતું અને તેમાં બળાત્કાર થયાને સમર્થન મળ્યું હતું.

પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો, પરિવારને ધક્કા ખવડાવ્યા

પીડિતાના વાલીઓએ આરોપ મૂક્યો હતો કે, પહેલાં તો પોલીસે અમારી ફરિયાદ લેવાનો જ ઇનકાર કરી દીધો હતો. અમે એફઆઈઆર નોંધાવવા માટે એક પોલીસસ્ટેશનથી બીજા પોલીસસ્ટેશન દોડતાં રહ્યાં હતાં. રેવાડી પોલીસે ઝીરો એફઆઈઆર નોંધી હતી, પરંતુ આઘાતજનક રીતે કનીના પોલીસે એફઆઈઆર પરત મોકલી જણાવ્યું હતું કે, ઘટના અમારા અધિકારક્ષેત્રની બહાર બની છે.

મોદી કહે છે, બેટી બચાઓ-બેટી પઢાઓ, મને મારી બેટી માટે ન્યાય જોઈએ છે : પીડિતાની માતા

પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી આઘાતમાં સરી પડી છે અને આરોપીઓ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, પરંતુ પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ રહી છે. પોલીસ કોઈ પગલાં લઈ રહી નથી. વડા પ્રધાન મોદી કહે છે કે બેટી બચાઓ-બેટી પઢાઓ, પરંતુ શું દીકરીઓને ભણાવનારાં માતા-પિતાને આ કિંમત ચૂકવવી પડે છે?

આકરા કાયદા છતાં અપરાધ : હંસરાજ આહીર

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીરે જણાવ્યું હતું કે, દેશમાં આકરા કાયદા છતાં અપરાધ થઈ રહ્યા છે. કોઈપણ અપરાધી પોતાને બચાવવાના ગમે તેટલા પ્રયાસ કરશે તો પણ છોડાશે નહીં. રાજ્ય સરકાર આકરી કાર્યવાહી કરે. અમને વિશ્વાસ છે કે, હરિયાણા સરકાર કડક પગલાં લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન