Celebrate Diwali by bringing happiness on the face of a stranger
  • Home
  • Columnist
  • અજાણી વ્યક્તિના ચહેરા પર ખુશી લાવીને દિવાળી ઉજવો

અજાણી વ્યક્તિના ચહેરા પર ખુશી લાવીને દિવાળી ઉજવો

 | 8:43 am IST
  • Share

દીપાવલીના તહેવારોનો આરંભ થઈ રહ્યો છે.

હવે ઘેર ઘેર મંગલદીપ પ્રગટશે. ગૃહલક્ષ્મીઓ ઘરના આંગણામાં રંગોળી પૂરશે.

વર્ષ-પ્રતિવર્ષ દીપાવલી એક મોટા પર્વ તરીકે ઊજવાય છે. દુકાનો, મોલ, છબીઘરો અવનવી રોશનીથી ઝગમગી ઊઠે છે. ગ્રાહકોને આકર્ષવા મોટા મોટા મોલ્સ ભાતભાતની ડિસ્કાઉન્ટ યોજનાઓ જાહેર કરે છે. મીઠાઈની દુકાનો પણ અવનવી મીઠાઇઓને સરસ રીતે બિછાવી દે છે. ફટાકડાની દુકાનો પણ ગ્રાહકોનો ઇંતેજાર કરે છે. પરંતુ હજુ ઘણાં બધાંને દિવાળીના દીવા ઝાંખા ઝાંખા લાગે છે. પેટ્રોલ- ડીઝલ, ફટાકડા, જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓથી માંડીને બધી જ ચીજો મોંઘી થઈ છે.  આ બધું હોવા છતાં રસ્તાઓ પર મોટરકારોની ભીડ કમ થઈ નથી. ભાવવધારા છતાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં કમી આવી નથી. આજે પણ રસ્તાઓ પર ટ્રાફિકજામ થાય છે.

ખેર !

દિવાળી આવી રહી છે. ધનવાનોેને આ મોંઘવારીથી કોઈ ફરક પડતો નથી. જે ફરક પડે છે તે મધ્યમ વર્ગને અને ગરીબ લોકોને પડે છે. દેશમાં બીએમડબલ્યૂ, ર્મિસડીઝ, વોલ્વો જેવી રૃ. ૪૦થી ૫૦ લાખની કિંમતની મોટરકારોનું વેચાણ વધ્યું છે. પરંતુ આજેય દેશના મોટા શહેરોમાં એવી અસંખ્ય ઝૂંપડપટ્ટીઓ છે જ્યાં શૌચાલયો નથી. રહેવા પાકું ઘર નથી. લાખ્ખો લોકો આજે પણ ફૂટપાથ પર સૂઈ જાય છે, તેમના નાનાં બાળકો પણ. કેટલાંયે લોકો  ફૂટપાથ પર  સંચો મૂકી  સીવણ કામ કરી પેટિયું રળે છે.  કેટલાંયે ગરીબ લોકો ફૂટપાથ પર જ ચીજવસ્તુઓ વેચીને રોજી રળવા કોશિશ કરે છે. બૂટ પોલિશ કરવાવાળાને તો કદી પોતાની દુકાન હોતી જ નથી. આ બધા માટે ઉપર આભ અને નીચે ધરતી.

ધનવાનો વધુ ધનવાન બની રહ્યા છે અને ગરીબો વધુ ગરીબ બની  રહ્યા છે. દેશના ૪૦ કરોડ લોકો  ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. નાની બાલિકાઓ પર બળાત્કાર થઇ રહ્યો છે. દલિતોની હત્યા થઇ રહી છે. દેવાદાર ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને બેન્કોના નાણાં લઇ વિદેશ ભાગી જનાર વિજય માલ્યા, લલિત મોદી લંડનમાં લીલાલહેર કરે છે. વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે.

પરંતુ ગરીબોએ તો બીજાઓની જ દિવાળી જોવાની. બડા બડા ધનવાનોના ઘરની રોશની જોઈ ગરીબોના બાળકો દિવાળીનો સંતોષ માણે છે. મોટા મોટા બંગલાઓનાં કંપાઉન્ડમાં ફૂટતા ફટાકડા જોવા ગરીબોના બાળકો દૂર દૂર ઊભા રહી બીજાઓને દિવાળીનો આનંદ લૂંટતા જોઈ રહે છે. ગરીબોને તેમની બાળકીઓના તન ઢાંકવા પૂરતા વસ્ત્રો નથી. પરંતુ સમાજનો એક વર્ગ એવો છે કે જેના વોર્ડરોબમાં ના સમાય  એટલા વસ્ત્રો હોવા છતાં દિવાળી નિમિત્તેે નવા વસ્ત્રો ખરીદે છે. ફૂટપાથ પર સૂતા શ્રમજીવી પરિવારની મહિલાને નહાવા માટે સાબુ નથી પરંતુ શ્રીમંતોની પુત્રીઓ વિદેશી લિપસ્ટિકનો જ આગ્રહ રાખે છે.

એક ભારતમાં બે ભારત છે. એક ભારત છે, બીજું ‘ઇન્ડિયા’ છે. એક ગંદકીમાં જ રહે છે-જીવે છે, બીજો પરફ્યૂમ્સમાં જ મસ્ત છે. એકને સુક્કા રોટલાના ફાંફાં છે, બીજો  ફાઇવસ્ટાર હોટેલમાં રૃ. ૫,૦૦૦નું કે ૧૦,૦૦૦નું એક ટાઇમ જમવાનું  બિલ ચૂકવે છે.

દિવાળીનો તહેવાર મંદિરમાં જઈ દેવદર્શન કરવાનો પણ દિવસ છે. મંદિરો પર રોશની થાય છે. ભગવાનની ર્મૂિત આગળ બત્રીસ ભોજન અને  તેત્રીસ શાકના અન્નકૂટ ધરાવાય છે.

સારી વાત છે. આ ઈશ્વર પ્રત્યેના પ્રેમ ભાવનાની વાત છે. પરંતુ ભગવાન પોતે તો કાંઇ આરોગતા નથી. એ અન્નકૂટ છેવટે તો બીજા જ આરોગી જાય છે. પ્રસાદ લેવો ખોટો નથી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ તો કહ્યું છે કે, ‘હું તો દરિદ્રનારાયણોમાં વસું છું, હું તો એક પત્ર, પુષ્પ અરે પાંદડાથી પણ રાજી છું.’

દીપાવલીના દિવસોમાં  મંદિરોમાં ભગવાનની ર્મૂિત સમક્ષ અન્નકૂટ જરૃર ધરાવો પણ ભગવાન જે દરિદ્રનારાયણોમાં વસે છે તેવા ગરીબોની ઝૂંપડપટ્ટીમાં ભૂખ્યા લોકોના પેટમાં થોડો પણ પ્રસાદ જશે તો ભગવાન જરૃર રાજી થશે. ભગવાનના ઘેર કોઈ ભેદભાવ નથી. તેઓ તો ધનવાનોના પણ છે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોના પણ છે.

ચાલો કોઇ ભૂખ્યાને અન્ન આપીને દિવાળી ઊજવીએ, કોઈ ગરીબ બાળકના હાથમાં તારામંડળ મૂકીને દિવાળી  ઊજવીએ. ફાટેલા વસ્ત્રથી તન ઢાંકવાનો પ્રયાસ કરતી કોઇ નાનકડી બાળકીને સુંદર વસ્ત્ર પહેરાવીને દિવાળી ઊજવીએ. હોસ્પિટલમાં જઈ કોઈ ગરીબ દર્દીને દવાના પૈસા આપીને દિવાળી ઊજવીએ. ગંભીર બીમારીથી પીડાતા કોઈ લાચાર દર્દીના માથા પર હાથ મૂકી તેને શાતા બક્ષીને દિવાળી ઊજવીએ. પૂર્વગ્રહો, અહંકાર અને અહમ્ને બાળીને દિવાળી ઊજવીએ. વેરઝેર ભૂલીને દિવાળી ઊજવીએ. માત્ર ઘરનાં ગોખલામાં જ નહીં પરંતુ દિલમાં પ્રેમ અને માનવતાનો દીવો પ્રગટાવીને દિવાળી ઊજવીએ.

નક્કી કરો કે આ બધામાંથી એક કામ તો તમે જરૃર કરશો. એક અજાણી વ્યક્તિના ચહેરા પર ખુશી લાવીને પણ દિવાળી ઊજવી શકાય છે.

ભગવાન જરૃર રાજી થશે. છેલ્લે કવિ કરસનદાસ માણેકની એક કવિતા ઃ

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?

ફૂલડાં  ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!

ટળવળે તરસ્યાં જ્યાં વાદળી વેરણ બને,

તે જ રણમાં ધૂમ મુશળધાર વરસી જાય છે !

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર,

ને ગગનચુંબી મહેલો જનસૂનાં રહી જાય છે!

દેવડીએ દંડ પામે  ચોર મૂઠી જારના,

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

કામધેનું ને મળે ના એક સૂકું તણખલું,

ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,

ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !!!

સૌને દીપાવલીની શુભકામના.

– દેવેન્દ્ર પટેલ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો