કેન્દ્રએ જજોની નિયુક્તિ મામલે કોલેજિયમની ભલામણ બીજી વખત ફગાવી !!! - Sandesh
  • Home
  • India
  • કેન્દ્રએ જજોની નિયુક્તિ મામલે કોલેજિયમની ભલામણ બીજી વખત ફગાવી !!!

કેન્દ્રએ જજોની નિયુક્તિ મામલે કોલેજિયમની ભલામણ બીજી વખત ફગાવી !!!

 | 9:32 pm IST

અલ્હાબાદ હાઇકોર્ટમાં બે વકીલોને જજ તરીકે નિયુક્ત કરવાની કોલેજિયમની ભલામણને કેન્દ્ર સરકારે બીજી વાર નકારી કાઢી પરત મોકલી આપી છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સુપ્રીમના દિવંગત જજ સાગીર એહમદના પુત્ર મોહમ્મદ મન્સુર અને બશારત અલીનાં નામ કેન્દ્ર સરકારને મોકલી આપ્યાં હતાં. બંને અલ્હાબાદ હાઇકોર્ટમાં વરિષ્ઠ વકીલ છે. આ બંને વકીલોની જજ તરીકેની નિયુક્તિનો મામલો છેલ્લાં અઢી વર્ષથી પડતર છે.

આ અંગે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, સરકારને બંને ઉમેદવાર સામે ઘણી ફરિયાદ મળી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે તેમની સામેની ફરિયાદોને નજીવી ગણાવી છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં સામેલ પાંચ જજમાંથી જસ્ટિસ જે. ચેલમેશ્વર શુક્રવારે નિવૃત્ત થતાં હવે સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં નવા સભ્યની નિયુક્તિ કરશે. માનવામાં આવે છે કે ત્યારબાદ જજોની નિયુક્તિ માટે નવાં નામો પર વિચારણા કરાશે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં જજની નિયુક્તિ માટે નાઝીર એહમદ બેગનાં નામની ભલામણ નામંજૂર કરી દીધી છે, જ્યારે અન્ય ૩ વકીલ વસીમ સાદિક નારગિલ, સિંધુ શર્મા અને રાશિદઅલી ડારની નિયુક્તિને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે નાઝીર એહમદ બેગનું નામ પાછું મોકલવા માટે કોઈ કારણ આપ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકાર ઉત્તરાખંડ હાઇકોર્ટના જજ કે. પી. જોસેફની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ માટેની કોલેજિયમની ભલામણ નકારી ચૂકી છે. આ મામલામાં મોટો વિવાદ સર્જાયો હતો.