ચંચી અને ખુશાલ - Sandesh
NIFTY 10,730.20 +19.75  |  SENSEX 35,366.58 +79.84  |  USD 68.1275 -0.25
1.6M
1M
1.7M
APPS

ચંચી અને ખુશાલ

 | 3:44 am IST

શમણાંની મોસમઃ દેવેન્દ્ર પટેલ

ભાદરવાનો ઓતરા ચીતરાનો તાપ દેહ બાળી રહ્યો છે. આકાશમાં ફંગોળાતાં લૂના ઢગલામાં વાદળાં આંખો આંજી નાંખે છે. વરસાદ કેટલાય દિવસથી મેલાઈ ગયો છે અને હવે લોકોએ આશા પણ છોડી દીધી છે.

મેઘરાજાને મનાવવા રામજી મંદિરમાં સાત સાત દહાડાની અખંડ રામધૂન બાદ પણ વરસાદ ન વરસતાં હતાશ થયેલા ખેડૂતોએ હવે બે આની તો બે જ આની પણ જે દાણા ઘરમાં આવે એ લણી લેવાની કામગીરી આરંભી દીધી હતી. આમ ને આમ બહુ દન ખેંચાય તો કદાચ કશુંયે હાથ ના આવે એવી પણ એક દહેશત હતી.

નાથા પટેલે પણ એમના ગામની સીમમાં જ  ચાર  વીઘાંના કટકામાં કરેલી બાજરી વાઢી લેવા આજે ચાર દાડિયા, છોડી ચંચી, એની મા અને ઉધડિયા ખુશાલને મોકલ્યાં હતાં.

‘હે… તમ તમારે વાઢવા માંડજો…… ચંચીની મા. આ હું જરા દરશન કરીને આવું છું.”  કહેનાર નાથા પટેલ દન માથે ચડવા આયો તોય હોટેલ  બેઠાબેઠા ચલમ ફૂંકતા હતાં. આ બાજુ ખેતર અડધું બોડાઈ ગયું હોય એવું લાગતું હતું.

આડા ચાસે વઢાતી બાજરીમાં ચાર દાડિયામાં બાદ કરતાં ચંચી મોખરે હતી. એની માની ઉંમર થઈ હોવાથી વારેવારે પાછળ રહી જતી. હરીફાઈ તો ખુશાલ અને ચંચી વચ્ચે જ હતી.

માથું ફાડી નાંખે એવો તાપ ઝીંકતો હતો, લમણે પસીનાની નદીઓ  ઊતરતી હતી. બેઠાં બેઠાં વઢાતી બાજરીના રાડાં દાતરડાના એકી ઝાટકે હેઠાં ઊતરતાં હતાં. એક હાથે થડ પકડાતાં જ બીજા હાથે ઘસાતા દાચરડાનો ઘસરકો જાણે હમણાં હાથના કાંડા પર ફરી જશે.

‘ઘેંમે ઘેંમે…….’ ખુશાલે હસીને ચંચી સામે જોયા વિના જ ટકોર કરી.

પણ ચંચી ગંભીર હતી.

આમેય એ ખૂબ ઓછું બોલતી. વળી ગમે તેમ તોય ખુશાલ એનો ઉધડિયો હતા, નોકર હતો એની સાથે મર્યાદિત વ્યવહાર જ રહેતો.

પણ ખુશાલ છેલછબીલો જવાન હતો. એનો ચહેરો સદાય હસતો રહેતો. આંખો ભ્રમરની જેમ ફરતી રહેતી. લીલી બાંધણીની ઓઢણીમાં કેડસમી બાંધેલી લાલ-લાલ ઘાઘરીની સહેજ ઉપર ડોકિયા કરતી ચંચીની પેલી કટિ પર એની નજર ફરતી રહેતી…!

બાજરી વાઢતાં વાઢતાં કરીબ આવી ગયેલા ખુશાલ તરફ જોયા વિના પણ એ ખુશાલની નજર પામી જતી અને એની હારે નજર મેળવ્યા વિના જ અધિક ગંભીરતાથી તે ઝડપથી ઘસરકા લેતી આધી જતી રહેતી.

વઢાયેલી બાજરીનો પૂળો ઊંચકતી ચંચીની દહેલતા તરફ ફરી ખુશાલ જોઈ લેતો,  રેબઝેબ થયેલી કાયામાંથી નીતરતો પસીનો છેક એના વક્ષઃસ્થળની કરીબ પહોંચ્યો છે અને એની અભિનવ કલ્પના આગળ ચાલતી ત્યારે ચહેરા પર સ્મિત ફરકી જતું.

ચંચી વાઢતી વાઢતી દૂર ચાલી ગઈ ત્યાર એની નાનીશી પીઠ તરફ તાકતાં હોઠ પર મર્માળું ગીત પણ ફરકી જતું.

ફરી ચંચીની કરીબ પહોંચવા ખુશાલે બેવડા જોરથી દાતરડું ઘસવા માંડયું અને થાક, ભૂખ, તરસની પરવા કર્યા વિના એ આગળ વધ્યો.

આ વખતે ચંચી થાપ ખાઈ ગઈ. એ એના કામમાં મશગૂલ હતી એ દરમિયાન છેક નજીક આવી ગયેલા ખુશાલનો ખભો પોતાના ખભા સાથે અફળાયો.

ચોંકી ગયેલી ચંચીએ નજર ફેરવીને જોયું તો ખુશાલ લુચ્ચું હસતો હતો.

કાળઝાળ થઈ ગઈ હોય એમ ચંચીએ તિરસ્કારભરી નજર ખુશાલ તરફ નાંખી. આટલું ઓછું હોય એમ જ્યાં ખુશાલનો ખભો અફળાયો હતો ત્યાં એણે હાથ વડે લૂછી નાંખ્યું.

ખુશાલ ડઘાઈ ગયો.

આટલી બધી ઘૃણાની એને કલ્પના નહોતી.

રાડાં વાઢતાં એના હાથ થંભી ગયા પણ ચંચી તો જાણે કે એની પરવા કર્યા વિના પહેલાંની જેમ બાજરી વાઢે જ જતી હતી.

જોતજોતામાં વાઢતી વાઢતી એ ફરી દૂર ચાલી ગઈ.

ખુશાલ ધીમો પડી ગયો. એનું દાતરડું હવે બરાબર વીંઝાતું નહોતું. એની નજર હજુ ઊભેલી બાજરીની આરપાર દૂર દૂર ચાલી જતી. ચંચીમાં એ શું ઢૂંઢતો હતો એ એને સમજાતું નહોતું.

પણ ચંચી ?

એ દૂર ચાલી ગઈહતી, પરંતુ આ બાજુ એ ખુશાલ સામે જોયા વિના જ ઊંધું ઘાલીને હસતી રહી.

‘હવે……. બંધ કરો લ્યા !’ દૂરથી નાથા પટેલની બૂમ આવી : ‘બપોર ચડયા છે…… રોટલા ખઈને ઘડીક વિસામો ખઈ લ્યો…… ભઈ.’

બધાંએ એકીનજરે ઉપર જોયું તો સૂર્ય ખરાખરીનો ઊકળ્યો હતો.

દાતરડાના ટેકે ઊભા થતાં બધાંએ જોયું તો અડધાથીયે ઉપરની ઊભી બાજરી ઢળી  ગઈ હતી. હવે માંડ એક વેળાનું કામ હતું.

શેઢા પર લીમડાની ડાળીએ લટકાવેલું ભાથું ઉતારતાં ચંચીની માએ કહ્યું : ‘ભઈ ખુશાલ ! પાણી ખલાસ થઈ ગયું છે……..! હું રોટલા છોડું છું એટલામાં આ બોગણ પેલા ધરામાંથી ભરી આવને ભઈ.’

‘લાય આ હું ભરી લાવું.’ ઓઢણીના છેડાથી મોં પરનો પસીનો લૂછતાં  ચંચી બોલી,

પણ ખુશાલે બોગણું  ઉઠાવતાં પાણીના ધરા તરફ હેંડવા માંડયું.

ખિજવાયેલા ખુશાલને જોવાની ચંચીને ખૂબ મજા પડી.

ખેતરથી થોડે દૂર એક ઝાડી હતી અને ઝાડીની નીચે ઊતર્યા બાદ પાણીનો ઘરો આવતો હતો. વાંઘાનું વહેણ અટકી જતું હોય તોય આ ધરામાં બારેમાસ પાણી ભરાઈ રહેતું.

ખુશાલ ઝાડીની પેલે પાર અદશ્ય થઈ નીચે ઊતર્યાે ત્યાં સુધી ચંચી એને જોઈ રહી પણ જે રીતે એ ચાલતો હતો એ જોઈ ઘડીક એના હૈયામાં અનુકંપા ઉદ્ભવી : ‘અરેરે ! મેં બિચારાનું ખાલી અપમાન કર્યું. !’

નીચે  બેઠાં બેઠાં એણે દાતરડા વડે જમીન પર ખુશાલ શબ્દો કોતરવા કોશિશ કરી પણ એ બહુ ભણી નહોતી એટલે જેવું આવડયું એવું લખ્યું.

એની નજર સમક્ષ ખુશાલનો ચહેરો તરવરી રહ્યો. પોતાને ખબર નહોતી અને જાણીબૂઝીને ખભો અફળાયા બાદ એ કેવું લુચ્ચું હસી રહ્યો હતો ! ઘડીભર એના ખભે ઝણઝણાટી થઈ આવી અને ચંચીનો હાથ પોતાના ખભા પર ફરી રહ્યો એને થયું ખુશાલ ફરી એનો ખભો અફળાવે તો તો એનો ખભો પકડી લઉં. એને મસળી નાંખુ, ચૂંટલી પણ ખણી લઉં.

ખુશાલ સાથેના પોતાના અગાઉના વર્તાવ બદલ ક્ષોભ અનુભવતી ચંચીએ નક્કી કર્યું કે, ‘આ વખતે તો હું જ છાનીમાની એની પાછળ જઈને બેવડા જોરથી એક ધબ્બો મારી દઉં… સાલો કેવું જુએ છે મારી  સામે ? જાણે કે મારો સાહેબ ના હોય ?’

એની આંખોમાં, કાનમાં, હોઠ પર ને હૈયામાં સર્વત્ર ખુશાલ ખુશાલ, ખુશાલ જ થઈ રહ્યું.

‘ચંચી…….. બેટા !’ નાથા પટેલે એનું માથું પકડી હલાવી : ‘શું ખુશાલ ખુશાલ બબડે છે ?’

ચંચી એકાએક જાગ્રત થઈ ગઈ. જરા છોભીલી પડી જતાં એણે નીચે જોઈ લીધું.

‘જરા….. પેલા ધરા કને તો જઈ આવ…… શું થયું પાણીનું ? કોઈની હારે ચલમ પીવા ના બેઠો હોય…… જા ને બેટા, એને બોલાવી લાવ.’

નાથા પટેલની સૂચના થતાં જ ચંચી ઊભી થઈ અને એકીદોટે ધરા તરફ દોડી. ઝડપથી  ઝાડી વટાવતાં એ સડસડાટ  કોતરો ઊતરી રહી. ‘ખુશાલને મળવાની આવી તક ક્યાંથી ?’ એ વિચારે દોડતી ચંચી ગોથું ખાતાં પણ રહી ગઈ.

……. પણ એના પગ એકાએક થંભી ગયા.

ધરાના કિનારે એકમાત્ર બોગણું પડયું હતું. બોગણું અને તે પણ ઠાલું. આસપાસ ક્યાંય ખુશાલ નહોતો.

ચંચીએ બૂમ પાડી : ‘ખુ…… શા…… લ ! ઓ ખુશાલ !”

પણ કોતરોમાંથી પોતાના જ સ્વરના પડઘા ગાજી રહ્યાં.

એક ભયાનક વિચાર આવી જતાં ચંચીને ફાળી પડી એના શરીરનું લોહી થંભી ગયું. હૃદયના ધબકારા  અટકી ગયા એનો  શ્વાસોશ્વાસ એ ખુદ સાંભળી રહી, પોતાની ભૂલની ગંભીરતાનો હવે ખ્યાલ આવ્યો હોય એમ ચંચી પડું પડું થઈ રહી એને થયું કે, ‘શું ખુશાલ આટલો બધો આળા હૈયાનો હશે ?’

એની નજર સમક્ષ માત્ર ઠાલું બોગણું જ હતું, બાકીની દુનિયા અદશ્ય થતી જતી હતી.

www.devendrapatel.in