મહારાષ્ટ્રમાં ખુરશી માટે 'મ્યૂઝિકલ ચેર'ની ગેમ ! - Sandesh
  • Home
  • Columnist
  • મહારાષ્ટ્રમાં ખુરશી માટે ‘મ્યૂઝિકલ ચેર’ની ગેમ !

મહારાષ્ટ્રમાં ખુરશી માટે ‘મ્યૂઝિકલ ચેર’ની ગેમ !

 | 3:43 am IST

અનુસંધાન :- દેવેન્દ્ર પટેલ

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોના ત્રણ અઠવાડિયા બાદ પણ સરકારની રચના કરવા જે રાજકીય ખેલ અને આટાપાટા ચાલ્યા તેને આખા દેશે નિહાળ્યા. મુખ્યમંત્રી પદની ખુરશીમાં કોણ બેસે તેની ગેમ’મ્યૂઝિકલ ચેર’ની યાદ અપાવે છે. ભાજપ- શિવસેનાની મહાયુતિ પાસે બહુમતી હોવા છતાં માત્ર ૨૮૮માંથી માત્ર ૫૬ બેઠકો ધરાવતી શિવસેનાએ મુખ્યમંત્રીપદ માટે જે હઠાગ્રહ રાખ્યો તે બિનવ્યવહારુ અને અકુદરતી માગ હતી. શિવસેનાને હતું કે ૧૦૫ જેટલી બેઠકો જીતનાર ભાજપ શિવસેનાની શરણે આવી જશે પણ એમ ના થયું. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે બે ગુજરાતી રાજનીતિજ્ઞાો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના વડા અમિત શાહના સખત મિજાજને ઓળખવામાં માર ખાઇ ગયા.

પરિણામ ? 

પરિણામ એ આવ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન આવી ગયું. બીજુ પરિણામ એ આવ્યું કે ભાજપ અને શિવસેનાના ૩૦ વર્ષના ગઠબંધનનો અંત આવી ગયો. પરિણામ એ આવ્યું કે કટ્ટર હિંદુવાદની વિચારધારા ધરાવતી શિવસેનાએ મદદ માટે કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ લંબાવવો પડયો અને પોતાની વિચારધારાને અભરાઇ પર ચડાવી નવાં સમાધાનો માટે એક પ્લેટફોર્મ પર આવવું પડયું.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને એનસીપીની ચાલમાં ફસાઈ ગયા. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કોંગ્રેસ અને એનસીપીએ શિવસેના સામે પહેલી શરત એ મૂકી કે ‘તમે પહેલા એનડીએમાંથી બહાર નીકળી જાવ.’ એ શરત માન્ય રાખીને શિવસેનાએ તેના એકમાત્ર કેન્દ્રીય મંત્રીનું રાજીનામું અપાવી દીધું.

બસ અહીંથી જ ખેલ શરૂ થયો. એનડીએથી શિવસેનાના છૂટાછેડા બાદ બાજી એનસીપી અને કોંગ્રેસના હાથમાં આવી ગઇ. ઉદ્ધવ ઠાકરેને એ વાતની ખબર ના રહી કે કોંગ્રેસ ભલે આજે દિલ્હીમાં સત્તા પર નથી પરંતુ તેની પાસે રાજનીતિના અનુભવી ખેલાડીઓ છે. એમાંયે એનસીપીના વડા શરદ પવાર તો રાજકીય શતરંજના મોટામાં મોટા ખેલાડી છે. હવે મહારાષ્ટ્રમાં આ નવા સમીકરણો મુજબ સરકાર રચાય તો પણ બીજા અનેક સવાલો છે. શિવસેના માત્ર ૨૯ વર્ષની વયના આદિત્ય ઠાકરેને જ મુખ્યમંત્રી બનાવવાનો આગ્રહ રાખે તો કોંગ્રેસ અને એનસીપીના બીજા સિનિયર ધારાસભ્યો તેમના વડપણ નીચે મંત્રી બનવાનું પસંદ કરશે કે કેમ ? કોણ પહેલું મુખ્યમંત્રી બને ? તે પણ એક સવાલ રહેશે.

ખેર ! 

હવે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ એમ બેઉ પક્ષોની બધી જ માગો સ્વીકારવી પડશે અને તેમ નહીં થાય તો શિવસેનાનો ખેલ ખલાસ….. અને આ ખેલની કોઈનેય સૌથી વધુ મજા આવતી હોય તો તે છે ભાજપને. શા માટે ના હોય ?

વાઘ જેવી શિવસેનાની ગરીબડી હાલત બધાં જ જોઇને ભાજપા એનો લુફ્ત ઉઠાવી રહી છે. શિવસેના કે જે પોતાને એક ચોક્કસ વિચારધારા વાળી પાર્ટી કહેતી હતી તે સત્તા માટે કોઈ પણ સમાધાન કરવા તૈયાર થઇ.

સત્તાના આ ખેલમાં લોકોની સમસ્યાઓ અને અસલી મુદ્દા જ ખોવાઈ ગયા. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં વધુને વધુ ખેડૂતો આત્મહત્યા કરે છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં વધુને વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ એક એવું શહેર છે જ્યાં એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી- ધારાવી છે. કોઇને આ પ્રશ્નોની ચિંતા નથી કારણ કે લડાઇ માત્ર સત્તાની છે.

મહારાષ્ટ્રની વિધાનસભાના ચૂંટણી પરિણામોના ત્રણ અઠવાડિયા સુધી બધું અવઢવ રહ્યું તેનું એક કારણ દેશની બહુપક્ષીય સિસ્ટમ છે. ભારતમાં ૧,૦૦૦ જેટલી નાની મોટી રાજકીય પાર્ટીઓ છે. એનો અર્થ એ થયો કે દેશના વિકાસ માટે વિવિધ રાજકીય પાર્ટીઓ પાસે ૧,૦૦૦ જેટલી અલગ અલગ વિચારધારાઓ છે.

આ સાવ અર્થહીન વાત છે. શિવસેના કોંગ્રેસ સાથે બેસે તેમાં સમાન વિચારધારા ક્યાંથી આવી ?  આ બધી જ પાર્ટીઓનું એક જ લક્ષ્ય છે- ‘સત્તાની પ્રાપ્તિ’ અને સત્તાની પ્રાપ્તિ માટે તેઓ કાંઇ પણ કરવા તૈયાર છે.

બ્રિટન અને અમેરિકામાં મહદંશે ટુ પાર્ટી સિસ્ટમ છે. બ્રિટનમાં બે મુખ્ય પાર્ટીઓ છે જેમાં લેબર પાર્ટી અને કોન્ઝરવેટિવ પાર્ટીનો સમાવેશ થાય છે. અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિક પાર્ટી એમ બે મુખ્ય પાર્ટીઓ છે. એટલે લોકોએ બેમાંથી એક જ પાર્ટીના ઉમેદવારને પસંદ કરવાનો રહે છે. ભારતમાં મલ્ટિ પાર્ટી સિસ્ટમ હોઇ વારંવાર ત્રિશંકુ સરકારો રચવી પડે છે. આવી સરકારો રચાય છે અને તૂટી પણ પડે છે.

હવે દેશમાંથી મલ્ટિ પાર્ટી સિસ્ટમને બદલવી હોય તો પણ તે કામ અઘરું છે. કારણ કે ઘણી બધી પાર્ટીઓ ધર્મ અને જાતિને આધારે બનાવીને પક્ષ ઊભો કરે છે. આઝાદીના સાત દાયકા બાદ પણ દેશની સમાજ વ્યવસ્થામાં જાતિ, જ્ઞા।તિ અને કોમવાદના મૂળિયા વધુ ઊંડા ઊતર્યા છે. દરેક ચૂંટણી વખતે જે તે મત વિસ્તારમાં કઇ જાતિ કે જ્ઞા।તિના મતદારો વધુ છે તે જોઇને તે આધારે જ ટિકિટો આપવામાં આવે છે જેને કારણે એસ.એસ.સી. પણ નહીં થયેલ સંસદ કે વિધાનસભામાં પહોંચી જાય છે. આને ભારતીય લોકતંત્રની ખૂબી સમજવી કે ઊણપ તે ચર્ચાનો વિષય છે. એક પૂર્વ ડાકુરાણી પણ ક્યારેક પાર્લામેન્ટ સુધી પહોંચી શકી હતી. તેને લોકતંત્રનું ગૌરવ સમજવું કે બીજું કાંઈ તે વિદ્વાનો નક્કી કરે.

દેશની બહુપક્ષીય સિસ્ટમના કારણે યુપીએ કે એનડીએ જેવા મહાગઠબંધનો રચવા પડે છે અને પોતાનું ધાર્યું ના થાય ત્યારે તેનાં ઘટકો જુદાં પડે છે. જેવી રીતે શરદ પવાર કોંગ્રેસમાંથી વિમુક્ત થયા અને એનસીપીની રચના કરી. હવે શિવસેનાએ એનડીએથી છેડો ફાડયો. અને આ જ કારણથી મહારાષ્ટ્રમાં ભાજપ જીતી ગયેલી બાજી શિવસેનાના કારણે હારી ગઇ. આ વાતને બધા જ પક્ષોએ ગંભીરતાથી લેવી પડશે. મહારાષ્ટ્રની રાજકીય ઘટનાઓમાંથી બધાં જ રાજકીય પક્ષો સબક શીખે.

એક વાત સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં જનાદેશ ભાજપ-શિવસેનાના મહાગઠબંધનને હતો. તેમ છતાં શિવસેનાની આડોડાઇથી મહારાષ્ટ્રમાં સત્તાના સમીકરણો બદલાઇ ગયા. અને હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મિલીઝુલી સરકાર રચાય તો પણ તેનું આયુષ્ય કેટલું હશે તે સમય નક્કી કરશે. આ સરકાર લાંબી ચાલે તો આવનારી ચૂંટણીઓમાં પણ આવા જ નવા ગઠબંધનો રચાઇ શકે છે. મહારાષ્ટ્રની આ નવી યુતિ સફળ થાય તો દેશની રાજનીતિમાં ગઠબંધનના નવા સમીકરણો આકાર લેશે અને આ નવું ગઠબંધન નિષ્ફળ જ જશે એવું માનીને ભાજપ ચાલશે તો ફરી એક વાર ભાજપનો વધુ પડતો આત્મવિશ્વાસ તેને નુકસાન કરી શકે છે. રાજનીતિમાં કશું જ, કાંઈ કાયમી નથી. રાજનીતિ આશ્ચર્યથી ભરપૂર છે. રાજનીતિ એ એક સતત પરિવર્તનશીલ પ્રવાહી ચીજ છે. તેમાં કાંઈ પણ થઈ શકે છે. બધા જ પક્ષો યાદ રાખે કે, દેશની રાજનીતિ કરવટ બદલી રહી છે. રાજનીતિમાં કોઇ કોઈનું કાયમી મિત્ર કે કાયમી દુશ્મન નથી. મહરાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર રચાય અને તેઓ આરંભમાં જ ખેડૂતોનાં દેવાં માફીનો કોઈ મોટો નિર્ણય લઈ લે તો આવનારા સમયમાં ઘણું બધું બદલાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન