Challenges Facing the New Small - Startup Industry
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • નવા નાના – સ્ટાર્ટઅપ ઉદ્યોગ સામેના પડકારો

નવા નાના – સ્ટાર્ટઅપ ઉદ્યોગ સામેના પડકારો

 | 7:00 am IST
  • Share

કોરોના જેમજેમ દૂર જશે, સુશાસન નજીક આવશે અને બિઝનેસ પણ તે ધોરણે જ પાટે ચઢી જશે.

ઇનોવેટિવ સ્ટાર્ટઅપ ઉદ્યોગો સામેના બિઝનેસ સંબંધી પડકારો કાંઇ ઓછા નથી. બજાર સંરચના, નાણાકીય સમસ્યા, હૂંડિયામણના પ્રશ્નો, કરવેરા, સાઇબર સુરક્ષા અને સામાજિક-સાંસ્કૃતિક પડકારો જેવા પડકારો સામે આવતા જ રહે છે. તેથી જ વારંવાર તે પ્રશ્ન ઊઠતો રહે છે કે ભારતમાં મોટાભાગના નવા નાના ઉદ્યોગો અસફળ શા માટે રહે છે. કાંઇક નવું કરવાના વિચાર સાથે નાના પાયે શરૃ કરેલા ઉદ્યોગો (સ્ટાર્ટ અપ)ની રાષ્ટ્રીય વિકાસમાં મોટી ભૂમિકા છે. વીતેલા કેટલાક વર્ષમાં ભારતમાં આ ઇનોવેટિવ ઉદ્યોગોનું અભિયાન એક રાષ્ટ્રીય ભાગીદારી અને ચેતનાના પ્રતીકના રૃપમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉદ્યમશીલતાને પ્રોત્સાન આપવા માટે પાંચ વર્ષ પહેલાં (૧૬ જાન્યુઆરી) દેશમાં મોટાપાયે આર્િથક ફેરફાર જોવા મળ્યા છે.

૨૦મી સદીના છેલ્લા દાયકામાં ભારતમાં સુશાસનની નવી પરિકલ્પનાનો ઉદય થયો હતો. જોકે બ્રિટન તે આધુનિક સુશાસનની રાહ પર આગળ વધનારો વિશ્વનો પ્રથમ દેશ છે. સુશાસન અને સ્ટાર્ટઅપને ગાઢ સંબંધ છે. સ્ટાર્ટઅપ આત્મનિર્ભર ભારતનો માર્ગ પ્રસસ્થ કરે છે. હુરૃન ઇન્ડિયા ફ્યૂચર યૂનિકોર્નના અહેવાલ મુજબ ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓએ જૂન મહિનામાં પૂરા થતા ત્રિમાસમાં સાડા છ અબજ ડોલરનું રોકાણ મેળવ્યું હતું. તે અંતર્ગત સ્ટાર્ટઅપ એકમોમાં રોકાણ કરવા માટેના ૧૬૦ સોદા થયા હતા. જાન્યુઆરી-માર્ચની મુદતના ત્રિમાસની તુલનામાં બે ટકા વધુ સોદા થયા હતા. ઉલ્લેખનીય છે કે સ્ટાર્ટઅપ એકમોને પણ યૂનિકોર્ન ક્લબમાં સામેલ કરી દેવામાં આવી છે. અહેવાલ કહે છેે કે વર્ષ ૨૦૨૧ના બીજા ત્રિમાસ દરમિયાન આવા ઇનોવેટિવ ઉદ્યોગોનો વૃદ્ધિદર શાનદાર રહ્યો હતો. આંકડા કહે છે કે ઇનોવેટિવ ઉદ્યોગોને મોરચે ભારત વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. તેનું સ્થાન અમેરિકા, ચીન અને બ્રિટન પછીના ક્રમે આવે છે. નવી નોકરીઓની તકની આશાથી લદાયેલા આવા ઉદ્યોગો ભારત જેવા વિકાસશીલ દેશો માટે ખૂબ બહેતર ઘટનાક્રમ છે.

વીતેલા કેટલાક સમયમાં સરકાર આર્િથક સ્થિતિમાં સુધારાનો દાવો કરી રહી છે. નિકાસ અને વિદેશી રોકાણ વધી રહ્યું હોવાની પણ વાતો થઇ રહી છે. એમ પણ કહેવાય છે કે પહેલી જ વાર કોઇ એક ત્રિમાસમાં આટલા મોટાપાયે નિકાસ થઇ છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસ દરમિયાન ૫૫ અબજ ડોલર જેટલી નિકાસ થઇ હતી.. વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસ કરતાં તે ૧૮ ટકા વધુ અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની તુલનામાં તે ૪૫ ટકાથી પણ વધુ હતી. નિકાસ વૃદ્ધિ સંકેત આપી રહી છે કે સ્થિતિઓ પહેલાં જેવી નથી. પરંતુ હકીકત એ પણ છે કે બગડેલી સ્થિતિ હજી પૂરેપૂરી પાટા પર નથી આવી. સ્ટાર્ટઅપ ઉદ્યોગોની સ્થિતિ જોઇને પણ તે સમજી શકાય તેમ છે. સ્ટાર્ટઅપ ઉદ્યોગોને મહામારીના બીજા મોજાએ પણ પ્રભાવિત કર્યું છે. વર્તમાન સ્થિતિ એમ પણ કહે છે કે સ્ટાર્ટઅપ એકમો ઝઝૂમવાની ક્ષમતા ધરાવે છે.

મહામારીના પ્રથમ મોજા દરમિયાન જુલાઇ, ૨૦૨૦માં ફિક્કી અને ઇન્ડિયન એન્જલ નેટવર્કે મળીને ૨૫૦ જેટલા સ્ટાર્ટઅપ એકમોનો સર્વે કર્યો હતો. સામે આવેલો અહેવાલ નિરાશાજનક છે. જાણકારી મળી હતી કે દેશમાં ૧૨ ટકા સ્ટાર્ટઅપ બંધ થઇ ગયા હતા. સંપૂર્ણ લોકડાઉનને કારણે ૭૦ ટકા એકમોમાં કામકાજ ઠપ થઇ ગયું હતું. માત્ર ૨૨ ટકા એકમો પાસે જ પોતાની કંપનીઓને ત્રણથી છ મહિના સુધી ટકાવવાની મૂડી બચી હતી. તે પૈકી ૩૦ ટકા કંપનીઓનું કહેવું હતું કે લોકડાઉન લાંબંુ ચાલશે તો કર્મચારીઓની છટણી કરવાનો વારો આવશે.

આ સર્વેને પગલે તે સ્પષ્ટતા પણ થઇ કે સ્ટાર્ટઅપ ઉદ્યોગો પૈકી ૪૩ ટકા એકમો તો સંપૂર્ણ લોકડાઉનના ત્રણ મહિનાની અંદર જ પોતાના કર્મચારીઓ વેતનમાં ૪૦ ટકાનો કાપ મૂકી ચૂક્યા હતા. રોકાણની જે વર્તમાન સ્થિતિ ૨૦૨૧ના અહેવાલમાં જોવા મળે છે તેને મુકાબલે જુલાઇ ૨૦૨૦માં સ્થિતિ તદ્દન ઊલટી હતી. વર્ષ ૨૦૨૦માં સ્ટાર્ટઅપ ઉદ્યોગો ખૂબ જ પ્રભાવિત થયા હતા. તે સમયે સમગ્ર દેશનું અર્થતંત્ર કથળી ગયું હતું તો પછી આ ઉદ્યોગો કઇ રીતે બચી શકે ? આમેય સ્ટાર્ટઅપ સામેના પડકારો ઓછા નથી. તેની સામે બજાર સંરચના, નાણાકીય સમસ્યા, હૂંડિયામણના પ્રશ્નો, કરવેરા, સુરક્ષા અને સામાજિક-સાંસ્કૃતિક પડકારો જેવા પડકારો સામે આવતા જ રહે છે.

રાજધાની દિલ્હીમાં સ્ટાર્ટઅપની સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તો જાણવા મળશે કે અહીં ૨૦૧૫માં નવા ૧૬૫૩ એકમો ઊભાં થયાં હતાં. વર્ષ ૨૦૧૮ આવતા સુધીમાં આ સંખ્યા ૪૨૦ એકમો સુધી સીમિત થઇ ગઇ હતી. વર્ષ ૨૦૧૯માં તો સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ હતી કે રોકાણકારોએ માત્ર ૧૪૨ નવા એકમોમાં જ રોકાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્ટાર્ટઅપની રાજધાની મનાતા બેંગલોરમાં કોવિડ-૧૯ને કારણે બિઝનેસ પ્રવૃત્તિનું ધોવાણ થઇ ગયું અને આ શહેરે દેશના સ્ટાર્ટઅપ ઉદ્યોગોના ગઢનો દરજ્જો પણ ગુમાવી દીધો. હવે ગુડગાંવ, દિલ્હી અને નોઇડાને આ ટેગલાઇન મળી રહી છે. જોકે બેંગલોર, મુંબઇ અને એનસીઆરે આધુનિક ભારતના ચહેરાને સમગ્ર રીતે બદલી નાખ્યો છે. આ શહેરોની ઓળખ સ્ટાર્ટઅપ ઉદ્યોગોના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઊભરી છે. તો હૈદરાબાદ, પૂણે, અમદાવાદ અને કોલકાતા જેવાં શહેરો સ્ટાર્ટઅપ ઉદ્યોગોના ઉભારતા કેન્દ્રના રૃપમાં ઓળખ ધરાવે છે. જોકે સ્ટાર્ટઅપ ઉદ્યોગોમાં ફરી ઊર્જાનો સંચાર થઇ રહ્યો છે. કોરોના જેમજેમ દૂર જશે, સુશાસન નજીક આવશે અને બિઝનેસ પણ તે ધોરણે જ પાટે ચઢી જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો