18વાર ચેમ્પિયન બનેલો આ ધોડો કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી - Sandesh
  • Home
  • Gujarat
  • 18વાર ચેમ્પિયન બનેલો આ ધોડો કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી

18વાર ચેમ્પિયન બનેલો આ ધોડો કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી

 | 9:45 am IST

ઓલપાડનો સકબ બન્યો ૧૮ મી વાર ચેમ્પિયન: પંજાબના માજી મુખ્યમંત્રીના પુત્ર એ ૧ કરોડ ૧૧ લાખમાં ઘોડો લેવા તયારી બતાવી પણ અશ્વના માલિકે ઇનકાર કર્યો.

વાત કરીએ એક એવા અશ્વની જે એક વાર નહી પણ 18વાર ચેમ્પિયન બન્યો છે. અશ્વ દોડ સ્પર્ધામાં સકબ નામનો આ ઘોડો જ્યારે મેદાને ઉતરે છે ત્યારે અન્ય હરીફ અશ્વને ધૂળ ચાટતા કરી મુકે છે. અત્યાર સુધીમાં ગુજરાત, રાજસ્થાન, ઉતરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને પંજાબમાં સકબ ચેમ્પિયન બની ચુક્યો છે. એટલે પંજાબના માજી મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલના પુત્ર અમરેન્દ્ર સિહે આ ઘોડો 1 કરોડ 11 લાખમાં ખરીદવાની તયારી બતાવી હતી. જોકે અશ્વ માલિકે ઇનકાર કર્યો હતો.

આમ તો, રાજા રજવાડાના સમયમાં અશ્વની ખુબ માંગ હતી. અલગ અલગ નસ્લના ઘોડા મંગાવવામાં આવતા અને રાજાઓ પોતાના શોખ ખાતર અશ્વ રાખતા હતા. પણ સમયની સાથે રાજા રજવાડાનો સમય લુપ્ત થતો ગયો અને અશ્વ શોખ પણ પૂર્ણ થયો .પણ હવે ફરી અશ્વ પ્રેમીઓની સંખ્યા વધી છે. ગુજરાત, રાજસ્થાન, ઉતરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને પંજાબમાં અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ છે. ત્યારે સુરતના ઓલપાડના સિરાજભાઈ પઠાણનો સકબ નામનો ઘોડો એક વાર નહી પણ અશ્વ દોડની વિવિધ સ્પર્ધામાં 18 વાર ચેમ્પિયન બન્યો છે. આ અશ્વની ખાસિયતની જો વાત કરીએ તો સિંધી નસ્લનો છે અને ખાસ કરીને ચોખ્કી રવાલ રેસમાં માહેર છે.

સિરાજ ખાન પઠાણનો આ અશ્વ સિંધી નસ્લનો ઘોડો છે. આ ઘોડાને પહેલા રાજસ્થાનના બાડમેરના અશ્વ મેળામાંથી સ્વરૂપસિહ દરબાર પાસેથી હરિયાણાના કાળા રધુવીર સિંહ નામના અશ્વ પ્રેમીએ ખરીદ્યો હતો. ત્યાર બાદ ઓલપાડના સિરાજભાઈ પઠાણ નામના અશ્વ પ્રેમીએ આ ઘોડો 14.50 લાખમાં ખરીદ્યો હતો. જ્યારે આ ઘોડો ખરીદવા હરિયાણા ગયા ત્યારે ઘોડાની આંખમાં તાકી નામની ખોડ હતી. એટલે કે એક આંખ સફેદ અને બીજી આંખ બ્લેક હતી. એટલે કે જે ઘોડાને તાકી હોય તે અપશુકન માનવામાં આવે. પણ સિરાજભાઈ આવી અંધશ્રદ્ધામાં માનતા ના હોવાથી ઘોડો ખરીદ્યો. પણ આજે સિરાજભાઈ માટે આ ઘોડો શુકનયાર સાબિત થયો છે. સકબને મેદાનમાં જોવા અશ્વ પ્રેમીઓ ઉમટી પડે છે.

પહેલા રાજેસ્થાનના સ્વરૂપસિંહ દરબાર પાસે આ અશ્વ હતો ત્યારે તેનું નામ તુફાન હતું, સ્વરૂપસિંહે આ ઘોડો હરિયાણાના કાળા રધુવીર સિહને વેચ્યો ત્યારે તેનું નામ પતંગ હતું. સિરાજ ખાન પઠાણે તેનું નામ સકબ રાખ્યું હતું.

તાજેતરમાં મહારાષ્ટ્ર ખાતે ચેતક ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં અલગ અલગ રાજ્યના 250 જેટલા અશ્વ સાથે અશ્વ પ્રેમીઓએ ભાગ લીધો હતો. જેમાં પણ ઓલપાડના સિરાજખાન પઠાણનો સકબ ચેમ્પિયન બન્યો હતો. સિરાજભાઈને સકબ સાથે એટલો લગાવ છે કે તેઓ સકબને ક્યારેય વેચવા તૈયાર થતા નથી. આજે તે સિરાજખાનના પરિવારનો સભ્ય બની ગયો છે. સિરાજ ખાન પોતાના બાળકોની જેમ તેની કાળજી લે છે.