ચંદા કોચર આસમાનથી જમીન પર પટકાયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ચંદા કોચર આસમાનથી જમીન પર પટકાયાં

ચંદા કોચર આસમાનથી જમીન પર પટકાયાં

 | 12:35 am IST

કરન્ટ અફેર :- આર. કે. સિંહા

સમાજ અને દેશમાં કોઈક સન્માનિત અને પ્રતિષ્ઠિત અગ્રણી કોઈક ખોટા કાર્યને કારણે ફસાઈ જાય તો તેમના પ્રશંસકોના મન ઉદાસ થઈ જતા હોય છે. આવી વ્યક્તિ ખોટા કામ કરે તો તેમના પ્રશંસકો અને તેમનામાંથી પ્રેરણા લેનારા હજારો-લાખો લોકો પોતે ઠગાઈ ગયા હોવાની લાગણી અનુભવે છે. આઇસીઆઇસીઆઇ બેન્કના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડના કિસ્સામાં પણ આવું જ બન્યું. ચંદા કોચરના પતિ પોતાની પત્નીની મદદથી મોટા ઔદ્યોગિક ગૃહોને મોટી રકમની લોન અપાવતા હતા. બદલામાં કમિશનની મોટી રકમ ઓહિયા કરી જતા હતા.  હવે ચંદા કોચર અને તેમના પતિના કાળા કરતૂત બધાની સામે આવી ચૂક્યા છે. આઇસીઆઇસીઆઇ બેન્ક તરફથી વીડિયોકોન ગ્રૂપને મળેલી રૂપિયા ૩,૨૫૦ કરોડની લોનના સંદર્ભમાં ઈડી દ્વારા દીપક કોચરની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારના કેસમાં આ પ્રથમ ધરપકડ છે. હવે ચંદા કોચર અને અન્ય લોકો પણ જેલમાં જઈ શકે છે. આ પહેલાં ઈડીએ ચંદા કોચરના મુંબઇ ખાતે આવેલા ફ્લેટ અને પતિ દીપક કોચરની કંપનીની કેટલીક સંપત્તિ જપ્ત કરી હતી. જપ્ત થયેલી સંપત્તિનું કુલ મૂલ્ય ૭૮ કરોડ રૂપિયા હોવાનું કહેવાયું હતું.

જે ચંદા કોચરને દેશની સફળ કાર્યશીલ મહિલાઓના નાયિકા માનવામાં આવતા હતા તેમના કરતૂતો સાંભળી કોણ શર્મસાર ના થાય? બેંક કૌભાંડ આચરવાને કારણે તેમને પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ પદથી હાથ ધોઈ લેવા પડયા. ચંદા કોચરના કરતૂતોના કારણે બાળપણમાં મન અને મસ્તિષ્કમાં ઘર કરી ગયેલી ભારતીય નારીની શાલીન , સૌમ્ય અને સુંદર છબિ પર કુઠારાઘાત થયો. માતૃસ્વરૂપા , વાત્સલ્યમયી સંસ્કારોની જનની જેવી ભારતીય નારીએ ઊંચા પદ પર પહોંચીને સંસ્થાનમાં ચરિત્ર નિર્માણ કરવું જોઈતું હતું, પરંતુ તેઓ સ્વયં ભ્રષ્ટાચારના કાદવમાં ખૂંપી ગયાં. આથી દુર્ભાગ્યપૂર્ણ બીજું કાંઈ ના હોઈ શકે.

તેમાં કોઈ શંકા નથી કે ચંદા કોચર પર તમામ પ્રકારના આક્ષેપ થતાં હજારો લોકોના મન ખૂબ જ ખિન્ન છે. તેમને દેશના બેન્કિંગ ક્ષેત્રના રોલ મોડેલ માનવામાં આવતા હતા. એકવાર રાજધાનીમાં ઉદ્યોગ અને વાણિજ્ય સંગઠન ફિક્કી તરફથી આયોજિત પરિસંવાદમાં તેમણે કહ્યું હતું કે,’અમે મહિલાઓ વિશેષાધિકારની માગણી નથી કરતી, તેને બદલે અમને યોગ્યતાને આધારે જ નોકરી મળે.’ તેમના આ વિચારો જાણીને કોઈપણ તેમનો આદર કરવા લાગે. પરંતુ તેમના ભ્રષ્ટ આચરણને દેશની કરોડો મહિલાઓ અને નવી કારકિર્દી અપનાવનારી નવ નિયુક્ત મહિલાઓ હતાશ થઈ છે. ચંદા કોચર, અરુંધતી ભટ્ટાચાર્ય, શિખા શર્મા,નૈનાલાલ કિડવાઈ, વિજયા લક્ષ્મી ઐયર વગેરે સરકારી કે ખાનગી બેન્કોના શિખરે પહોંચતાં તેમને સમગ્ર દેશમાં આદરસન્માન મળ્યું. પરંતુ ચંદા કોચરની આબરૂ હવે તાર તાર થઈ ચૂકી છે.

હકીકતે એક જાગ્રત નાગરિકે કરેલી ફરિયાદને પગલે ચંદા કોચરના બેન્ક મેનેજમેન્ટે તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. ત્યારે કોઈને તે આશા નહોતી કે ચંદા કોચર આટલા કૌભાંડો કરી રહ્યા છે. તેમને તો દેશના બેન્કિંગ ક્ષેત્રના સર્વશક્તિમાનો પૈકી એક માનવામાં આવતા હતા. આરંભે એવું પણ લાગતું હતું કે તેમની સામે ખાલીખોટા આક્ષેપો થઈ રહ્યા છે.

બેશક દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ફેલાયેલા કોઢની તાકીદે સફાઈ કરવી પડશે. કેટલાક મહિના પહેલાં બેન્કિંગ ક્ષેત્રમાં પોતાનો ધ્વજ લેહરાવનારા અને યસ બેન્કના સ્થાપક રાણા કપૂર પણ ખરાબ રીતે ફસાયા હતા. તેઓ પણ વિવિધ ઉદ્યોગપતિઓ અને ઔદ્યોગિક ગૃહોને આડીઅવળી રીતે જંગી લોન આપીને પોતાનું સામ્રાજ્ય સર્જી રહ્યા હતા. તેઓ પણ હવે જેલની હવા ખાઈ રહ્યા છે. મુંબઇ અને દિલ્હીના સમૃદ્ધ વિસ્તારોમાં મોંઘી મિલકતો ખરીદનારા રાણા કપૂર પણ બેન્કિંગ ક્ષેત્રનું એક મોટું નામ હતું. દેશના સામાન્ય બજેટ વિષે મીડિયાને પોતાના વિચારો કહીને આભારી કરતા હતા. તેઓ સદાય સમાચારોમાં રહેતા હતા. પરંતુ હકીકતમાં તેઓ શેતાની દિમાગ ધરાવનારી વ્યક્તિ નીકળ્યા. યસ બેન્ક સંકટમાં મુકાતાં રાણા કપૂરના મુંબઇ ખાતે આવેલા ઘર પર તપાસ એજન્સીઓ દરોડા પાડવા લાગી. તેમણે પોતાની બે પુત્રીઓના લગ્ન દિલ્હીમાં જ કર્યા. તેમની મોટી દીકરી રાખીના લગ્ન દિલ્હીના બિઝનેસમેન અલકેશ ટંડન સાથે મૌર્ય શેરટનમાં થયા. અલકેશ ટંડન તે સ્ટીલકિંગ લક્ષ્મી મિત્તલના જમાઈ અણન ભાટિયાના પિતરાઈ ભાઈ છે. આ લગ્નમાં મહાન ટેનિસ ખેલાડી બોરિસ બેકર પત્ની સાથે આવ્યા હતા. રાણાની બીજી પુત્રી રાધાના લગ્ન આદિત્ય ખન્ના સાથે થયા છે. આદિત્ય નાણાકીય બાબતોના નિષ્ણાત છે અને હેઝ ફંડ મેનેજર છે. યસ બેન્કના સંસ્થાપક કપૂરના કરતૂતોની હકીકત તો હવે બધાની સામે આવી છે. સીબીઆઇ અને અન્ય સરકારી એજન્સી તેમના ઘર અને કાર્યાલયોમાં તપાસ કરી રહી છે. રાણા કપૂર પણ આસમાન પરથી જમીન પર પટકાયા છે.   હકીકતે બેન્કમાંથી આડીઅવળી રીતે લોન અપાવવાનો કાળો ધંધો પહેલેથી જ ચાલી રહ્યો છે. લોન અપાવવાને નામે બેન્કના ઘણાં બધા અધિકારીઓ જંગી કમિશન લેતા જ રહ્યા છે.   જોકે ભૂતકાળમાં આવી કોઈ જવાબદારી નક્કી નહોતી થતી તેથી મોટાપાયે તેવી પ્રવૃત્તિ થતી હતી. પરંતુ મોદી સરકારે આયોજનબદ્ધ રીતે તે લૂંટને અટકાવી છે. પરંતુ આ સિલસિલો પૂરેપૂરો ખતમ નથી થયો. જાડી ચામડીના ચોર હજી પણ આ કાળા ધંધામાં લાગેલા છે. પરંતુ હવે પહેલાં જેવી સ્થિતિ નથી રહી. રોગ જૂનો હોવાથી તેને મટાડવામાં થોડો સમય તો લાગશે જ. મોદી સરકાર બેન્કોમાં ચાલી રહેલી ગરબડોને સાફ કરવામાં લાગેલી છે. તેને પગલે બેન્કિંગ ક્ષેત્રની અનેક મોટી માછલી સીબીઆઇની જાળમાં ફસાઈ ચૂકી છે. તેઓ ગેરકાયદે આવક રળવાનો ધંધો કરતા હોય છે. તેમનું કૌવત ખતમ થઈ ચૂકેલું છે. તેઓ ખુલ્લેઆમ દેશ સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.  હવે લાગે છે કે હવે આવા કર્મચારી દ્વારા ચાંદી કમાવાના દિવસો પૂરા થઈ ચૂક્યા છે. બેન્કિંગ ક્ષેત્ર  ધીરે ધીરે લાઇન પર આવી રહ્યું છે. બેન્કોમાં પ્રામાણિક અને નિષ્ઠાવાન લોકો પહેલાં પણ હતા. બેન્કિંગ ક્ષેત્રનો કાયાકલ્પ હવે થઈને જ રહેશે. સરકાર બેન્કિંગ ક્ષેત્રમાં ફેલાયેલી ગંદકીને સાફ કરશે જ. મોદી સરકાર આ કામે જ લાગેલી છે કે જેથી ભવિષ્યમાં ચંદા કોચર અને રાણા કપૂર જેવા કુપાત્ર ફરી સામે ના આવે.

(લેખક પૂર્વ સાંસદ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન