Chandrayaan 2 : Shanmuga Subramanian Rover Pragyan Out Of Vikram Lander
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2: ચંદ્ર પર જીવતું ઉતર્યું હતું ‘પ્રજ્ઞાન’, આ તસવીરમાં થયો ચોંકાવનારો ખુલાસો

ચંદ્રયાન-2: ચંદ્ર પર જીવતું ઉતર્યું હતું ‘પ્રજ્ઞાન’, આ તસવીરમાં થયો ચોંકાવનારો ખુલાસો

 | 1:20 pm IST

ગયા વર્ષે ચંદ્ર પર ગયેલા ભારતના ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડરને શોધનાર શાનમુગા સુબ્રમણ્યમએ વધુ એક શોધ કરી છે. તેમણે એ સંભાવના વ્યક્ત કરી કે ચંદ્ર પર ચંદ્રયાન-2નું રોવર પ્રજ્ઞાન સહીસલામત ઉતર્યું હતું.

ગયા વર્ષે 22મી જુલાઇના રોજ ભારતે પોતાના મહત્વકાંક્ષી ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું અને ચંદ્રના અંધારાવાળા ભાગ પર ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) એ પોતાનું યાન મોકલ્યું. જો કે તેનું લેન્ડર વિક્રમ આશા મુજબ આરામથી ચંદ્રની સપાટી પર લેન્ડ કરી શકયું નહીં અને ધરતી સાથે તેનો સંપર્ક તૂટી ગયો. અમેરિકન સ્પેસ એજન્સી NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ની તસવીરોને જોઇ ચેન્નાઇના એન્જિનિયર શાનમુગા સુબ્રમણ્યમએ લેન્ડર વિક્રમને ચંદ્રની ધરતી પર શોધી લીધું. આ તસવીરોમાં જે દેખાયું તેને વિક્રમનો કાટમાળ માન્યો. જો કે LROની તાજા તસવીરોમાં શાને ફરી ભાળ મેળવી કે વિક્રમનું લેન્ડિંગ ગમે તેમ નથી થયું, શકય છે કે ચંદ્રયાન-2ના રોવર પ્રજ્ઞાને એકદમ સહી-સલામત ચંદ્રની સપાટી પર પગ મૂકયો હતો. શાન એ આ અંગે એક ઇન્ટરવ્યુમાં ઘણા બધા ખુલાસા કર્યા.

શાને શોધ્યું હતું વિક્રમ લેન્ડર


ગયા વર્ષે NASAના LRO (Lunar Reconnaissance Orbiter) પર ત્રણ વખત એ જગ્યાની તસવીરો લીધી જ્યાં લેન્ડર અને તેનો કાટમાળ મળી આવ્યો હતો. 17 સપ્ટેમ્બર, 14 ઓક્ટોબર અને 11 નવેમ્બરના રોજ LRO દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં લેન્ડિંગ સાઇટ પર જે નિશાન મળ્યા, માનવામાં આવી રહ્યું હતું કે આ એ કાટમાળની જ તસવીર હતી. શાને પોતે જ LROની તસવીરોમાં વિક્રમ લેન્ડરને સ્પોટ કર્યું હતું જેની પુષ્ટિ NASA દ્વારા કરાઇ હતી અને તેનો આભાર પણ માન્યો હતો.

નવી તસવીરોએ કર્યા સ્તબ્ધ


જો કે, આ વાર્તા ત્યાં જ સમાપ્ત થઈ નથી. આ વર્ષે 4 જાન્યુઆરીએ લેવાયેલી તસવીરો પર જ્યારે શાને અભ્યાસ કર્યો તો તેમાં કંઈક અલગ જ દેખાયું. આ વખતે વિક્રમથી થોડેત દૂર બીજું કશુંક પણ દેખાયું જે પહેલા કરતા જુદું હતું. શાન માને છે કે આ વિક્રમની અંદર હાજર રોવર પ્રજ્ઞાન હતું. આ ક્ષેત્રમાં કાટમાળ સિવાય આ તસવીર પહેલી વખત દેખાઇ છે.

અત્યાર સુધી કયાં હતું પ્રજ્ઞાન?

ખરેખર જ્યાં વિક્રમ ઉતરવાનું હતું તે ચંદ્રનો એવો ભાગ છે જ્યાં પ્રકાશ ખૂબ ઓછો છે. અગાઉ, જ્યારે LROએ આ વિસ્તારની તસવીરો લીધી ત્યારે રોવર ઓછા પ્રકાશના લીધે અને સૂર્યના જુદા જુદા એંગલના કારણે રોવર દેખાતું નહોતું. શાનનું કહેવું છે કે આ વખતે ચંદ્રના ભાગ પર પ્રકાશ પહેલા કરતા વધારે હતો અને જુદા જુદા એંગલ પરનો આ પ્રકાશ રોવર સાથે ટકરાતો હતો અને આ રિફલેકશનના લીધે આ વખતે તેને જોઇ શકાયું. શાનને આ વિશેની માહિતી ઇસરો અને નાસાને આપી દીધી છે અને તેની પુષ્ટિ થવાની રાહ જોઇ રહ્યો છે.

તો પહેલાં શું દેખાયું હતું?


ચંદ્રયાન -2 કુલ 13 પેલોડ લઇને ગયું હતું જેમાંથી 3 લેન્ડર પર અને 2 રોવર પર હતા. શાનનું કહેવું છે કે પહેલાં નાસાને અને તેને જે કાટમાળ દેખાયો હતો તે બની શકે કે તે આ જ પેલોડનો હોય. શાન કહે છે કે તેને જે કાટમાળ દેખાયો હતો તે લંગમૂર પ્રોબનો હોઈ શકે છે. તો નાસાને જે કાટમાળ દેખાયો હતો તે લેન્ડરમાં લાગેલ એન્ટેના, બીજો પેલોડ, રેટ્રો બ્રેકિંગ એન્જિન અથવા સોલર પેનલ હોઈ શકે છે.

તો શું પ્રજ્ઞાન સહી-સલામત છે?

ખાસ વાત એ છે કે ચંદ્રની સપાટી પર વિક્રમનું રફ લેન્ડિંગ થયું હતું ક્રેશ લેન્ડિંગ નહીં. એટલે કે એવી સંભાવના છે કે જો લેન્ડર સપાટી પર ખરાબ રીતે પટકાઈ ગયું હોય અને ત્યારબાદ કોમ્યુનિકેશન બંધ થઇ ગયું પરંતુ રોવર પ્રજ્ઞાન તેની અંદર સુરક્ષિત રહ્યું. બની શકે કે બાદમાં તે પહેલેથી જ પ્રોગ્રામ કરાયેલ રીતે જ વિક્રમમાંથી બહાર નીકળ્યું અને થોડાંક દૂર સુધી ગયું. શાનનું કહેવું છે કે સપાટી પર ટક્કરના લીધે રોવર લેન્ડરમાંથી બહાર ફેંકાઇ ગયાની સંભાવના ઓછી છે. શકય છે કે રોવર યોગ્ય રીતે લેન્ડરમાંથી બહાર નીકળ્યું હતું. એવું એટલા માટે કારણ કે તસવીરોમાં લેન્ડર અને રોવરની વચ્ચે ટ્રેક જોઇ શકાય છે. જો રોવર ટક્કર ખાઇને બહાર તૂટ્યું તો આવો ટ્રેક બનવાની સંભાવની ઓછી હતી. જો કે શાનનું કહેવું છે કે આ વાતની પુષ્ટિ NASA કે ISRO જ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન