સસ્તી ટિકિટ ભારતીય એરલાઇન્સોને ડુબાડી રહી છે - Sandesh
  • Home
  • Columnist
  • સસ્તી ટિકિટ ભારતીય એરલાઇન્સોને ડુબાડી રહી છે

સસ્તી ટિકિટ ભારતીય એરલાઇન્સોને ડુબાડી રહી છે

 | 1:41 am IST

ઓવર વ્યૂ

લોકો પ્રવાસ પાછળ ખર્ચ કરી રહ્યાં છે. ટ્રેનને મુકાબલે હવાઈપ્રવાસને મહત્ત્વ આપી રહ્યાં છે. આકાશમાં હવાઈટ્રાફિક વધી રહ્યો છે, પરંતુ કંપનીઓ કહી રહી છે કે તેમને નુકસાન થઈ રહ્યું છે.

પહેલી નજરે એવું જ લાગે કે ભારતીય એરલાઇન કંપનીઓ નફો રળતી હશે, પરંતુ જમીની હકીકત કાંઈક જુદી છે. વીતેલા દિવસોમાં આવેલાં ત્રિમાસિક પરિણામોમાં દેશની બીજા ક્રમની સૌથી મોટી વિમાની કંપની જેટ એરવેઝનાં લેખાંજોખાં સામે આવ્યાં. કંપનીએ જણાવ્યા મુજબ તે નુકસાનમાં છે. કંપની તેના માટે ઈંધણની વધતી કિંમતો અને નબળા પડી રહેલા ભારતીય રૂપિયાને જવાબદાર ઠેરવી રહી છે.

કંપની સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, ‘બ્રેન્ટ ફ્યૂઅલની કિંમતોમાં આવી રહેલો ઉછાળો અને રૂપિયાનું ઘટતું મૂલ્ય ભારતીય વિમાનઉદ્યોગને વિપરીત રીતે પ્રભાવિત કરે છે. ‘કંપની ચેરમેન નરેશ ગોયલે જાહેરાત કરી કે આગામી બે વર્ષમાં ઓપરેશનખર્ચને ૨૪.૪ કરોડ યૂરો સુધી ઘટાડવા પગલાં લેવામાં આવશે. જોકે જાણકારો તો કંપનીનાં ભાવી સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે.

વૃદ્ધિ નુકસાન પહોંચાડી રહી છે 

ભારતના વિમાનઉદ્યોગમાં આવેલા ઉછાળાનાં નકારાત્મક પરિણામો પણ સામે આવ્યાં છે. અનેક જાણકારો ટિકિટની ઓછી કિંમતને મુદ્દે કંપનીઓ વચ્ચે લાગેલી હોડને આ સેક્ટરની સૌથી મોટી સમસ્યા માને છે.

વાસ્તવમાં વિમાની કંપનીઓ ઘણીવાર ભાડું એટલું ઘટાડી દે છે કે એરલાઇન્સ માટે ઓપરેશનખર્ચ કાઢવું મુશ્કેલ બની રહે છે. તે મુશ્કેલીને કારણે જેટ એરવેઝ સહિતની દેશની તમામ વિમાની કંપનીઓ નફો રળવા ઝઝૂમી રહી છે. ખેર, આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે વિમાનોની ૯૦ ટકા બેઠકો ભરાઈ રહી છે અને વીતેલાં ચાર વર્ષમાં દેશમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.

રેટિંગ એજન્સી આઈસીઆરએના જણાવ્યા મુજબ ભારત ૨૦૨૫ સુધીમાં ચીન અને અમેરિકા પછી વિશ્વનું ત્રીજા ક્રમનું વિમાન ઉડ્ડયન બજાર બનવા તૈયાર છે. બજાર વૃદ્ધિ પામી રહ્યું હોવા છતાં કંપનીઓ નુકસાનમાં છે. આઈસીઆરએએ પોતાની ચેતવણીમાં કહ્યું છે કે વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતીય વિમાનઉદ્યોગ કંપનીઓને ૪૩.૭ કરોડ ડોલરનું નુકસાન થશે. ગયા વર્ષે આ નુકસાન ૩૦.૩ કરોડ ડોલર હતું.

બજેટ એરલાઇન્સની સ્થિતિ 

બજાર પૂંજીકરણના મોરચે એશિયાની સૌથી મોટી બજેટ એરલાઇન ઇન્ડિગોનો નફો જૂન ૨૦૧૮માં પૂરા થતા ત્રિમાસમાં અંદાજે ૯૭ ટકા ઘટી ગયો છે. ઇન્ડિગો ઘરેલુ બજારમાં ૪૦ ટકા ભાગીદારી ધરાવે છે. ઇન્ડિગોના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી રાહુલ ભાટિયા કહે છે કે, ‘ઇનપુટ ખર્ચમાં વધારો થઈ રહ્યો હોય ત્યારે એમ ના માની શકાય કે ભાડાં સ્થિર રહેશે, પરંતુ તેને આપવા સિવાય કોઈ વિકલ્પ બચતો જ નથી.’

પાઇલટ જગતપુરીએ ડી. ડબ્લ્યૂને કહ્યું કે, ‘પોપ્યુલર રૂટની ટિકિટોની કિંમતોને મુદ્દે હંમેશાં દબાણ રહે છે.’ પુરી માને છે કે કેટલીક કિંમતો ખોટી છે કે જેને કારણે એરલાઇન્સ વચ્ચે કારણ વિના હોડ લાગેલી રહે છે. તેમણે કહ્યું કે એરલાઇન્સ ઓપરેશનખર્ચમાં વધી રહેલો બોજ ગ્રાહકો પર નથી નાખી શકતી, કારણ કે ગ્રાહકો કિંમત કે ભાડાને મુદ્દે ખૂબ જ સંવેદનશીલ હોય છે.

તજજ્ઞોનું માનવું છે કે ભારતીય વિમાનઉદ્યોગમાં મુશ્કેલ કારોબારી વાતાવરણ હોવાને કારણે પોતે મુશ્કેલીઓમાં ફસાતા જાય છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે તેલની કિંમતો ઝડપથી વધી રહી હોય.

સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિએશનમાં દક્ષિણ એશિયા ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારી કપિલ કૌલ કહે છે કે, ‘તમે જ્યારે આગામી ૧૮ મહિનામાં તેલની કિંમતે ૭૫થી ૮૦ ડોલર થવાની શક્યતા જુઓ છો અને રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યાનું જોઈ રહ્યા હો ત્યારે ભારતમાં કોઈપણ એરલાઇન્સને માત્ર મળી રહેલી ભાડાની રકમની તાકાત પર ચલાવી શકાય તેમ નથી.’

એર ઈન્ડિયાના પૂર્વ કાર્યકારી નિદેશક જિતેન્દ્ર ભાર્ગવનું કહેવું છે કે, ‘ઓપરેશનખર્ચ વધી રહ્યું છે પણ ભાડાં નથી વધી રહ્યાં. ઓપરેશનખર્ચથી નીચે જઈને ટિકિટો વેચવી પાગલપણું છે. આપણને સંતુલિત વૃદ્ધિની જરૂર છે, નહીંતર મુશ્કેલીઓ યથાવત્ રહેશે.’

ખરીદનાર કોઈ નથી 

સરકારી એરલાઇન્સ કંપની એર ઈન્ડિયા પણ કરદાતાઓનાં નાણાંથી હજીસુધી હવામાં ઊડી રહી છે. વીતેલાં કેટલાંય વર્ષોથી આ એરલાઇન્સ બેલઆઉટ પેકેજ પર ચાલી રહી છે, જોકે સરકાર તેની કેટલીક સંપત્તિઓને વેચવા ગ્રાહક શોધી રહી છે, પરંતુ હજીસુધી કોઈ મળ્યું નથી. કોઈપણ ખાનગી કંપની એર ઈન્ડિયા ખરીદ કરવા ઉત્સાહ દાખવી નથી રહી.