Chhapaak Like Incident In Mehsana: Kajal Still Recover after 4 years
  • Home
  • Featured
  • ‘છપાક’ની દેશભરમાં ચર્ચા, પણ મહેસાણાની ‘કાજલ’ની કહાની તમને હચમચાવી દેશે

‘છપાક’ની દેશભરમાં ચર્ચા, પણ મહેસાણાની ‘કાજલ’ની કહાની તમને હચમચાવી દેશે

 | 9:10 am IST

આજનો કહેવાતો સભ્યસમાજ માત્ર એક ‘છપાક’ ફિલ્મના ટ્રેલરથી જ હચમચી ગયો છે ત્યારે આ ફિલ્મ જેવી જ મહેસાણા ખાતે ચાર વર્ષ પૂર્વે બનેલી એસિડ એટેકની ઘટનામાં ભોગ બનેલી હસતી ખેલતી કાજલ પર શુ વીતતી હશે…? કે તેના પરિવાર પર શુ વીતી રહી છે..? તે કોઈએ વિચાર્યુ છે. માત્ર યુવતીની મુલાકાત લઈને ડાહીડાહી વાતો કરનારી સ્વૈચ્છિક સંસ્થાઓ હોય કે પછી માત્ર ૩ લાખ સહાય જાહેર કરીને છુટી જતી સરકારે પણ એસિડ એટેકના ચાર વર્ષ પછી પણ ભયંકર યાતનાઓમાંથી પસાર થઈ રહેલી કાજલના જીવનમાં ડોકિયુ કરવુ જોઈએ. આંખોમાં પોલીસ અધિકારી બનવાના સપના લઈને શહેરની કોલેજમાં અભ્યાસ કરતી કાજલ પર ફેબ્રુઆરી ર૦૧૬ના ગોઝારા દિવસે તેના સમાજના જ યુવાને એસિડ એટેક કરતા તે દિવસથી કાજલની જીંદગી દોઝખ બની ગઈ હતી. અને ચાર વર્ષ પછી આંખોમાં એજ સપનાઓ સાથે આજે પણ તે ચહેરાની સારવાર સાથે હિંમતપૂર્વક પોતાની જીંદગી જીવી રહી છે.

૧૮ વર્ષ પૂર્ણ કરીને ૧૯માં વર્ષના પ્રવેશમાં મહેસાણા નજીકના એક ગામડાંની કાજલ શહેરની નાગલપુર કોલેજમાં આંખોમાં ઉંચા સપના લઈને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે આવી હતી. ત્યારે ર૦૧૬ના ફેબ્રુઆરી મહિનાના એ ગોઝારા દિવસે તેના સગા વેવાઈના દીકરાએ એકતરફી આકર્ષણમાં કોલેજની બહાર જ કાજલ પર એસિડ એટેક કરતા અત્યાર સુધી શાંત માનવામાં આવતુ મહેસાણા જ નહી પરંતુ સમગ્ર ઉ.ગુ. પણ હચમચી ઉઠયુ હતુ. ત્યારે ચાર વર્ષ બાદ આવી જ ઘટનાને ફિલ્મના રૃપેરી પડદે આજે દુનિયાભરના સિનેમાઘરોમાં આવી રહી છે અને ‘છપાક’ ફિલ્મનુ એકમાત્ર ટ્રેલર જોઈને આજનો આપણો કહેવાતો સભ્યસમાજ સમસમી ઉઠયો છે. તો જેની સાથે આવી ઘટના બની છે એવી મહેસાણાની કાજલની કે પછી તેના પરિવારની શુ મનોદશા હશે…? તેના પરિવાર ઉપર શુ વીતતી હશે તે કોઈએ વિચાર્યુ છે ખરુ.

એસિડ એટેકના ચાર વર્ષ પછી સાત જેટલા ઓપરેશનો બાદ પણ કાજલને આજે આંખે જોવા સહિતની તકલીફો પડી રહી છે અને અત્યારે હાલ પણ અમદાવાદ ખાતે તેની સર્જરી ચાલી રહી છે. અને આગામી સમયમાં પણ તેના ચહેરા પર ઘણા બધા ઓપરેશનો પણ કરવા પડશે. ત્યારે અત્યારસુધી રૃપિયા ૮થી૧૦ લાખનો ખર્ચ કરી ચૂકેલો રીક્ષા ચાલક પિતા સહિતનો પરિવાર પણ જાણે કે જરાય નિરાશ થયા વિના હિંમત હાર્યા વિના પોતાની વ્હાલસોયી દીકરીની હિંમતપૂર્વક સારવાર કરીને સારસંભાળ લઈ રહ્યો છે. બીજીતરફ એસિડ એટેકના ચાર વર્ષ બાદ પણ કાજલ પણ જરાય નિરાશ થયા વિના નવા જીવનની આશાઓ અને ફરીથી આંખોમાં એજ સપનાઓ સાથે પોતાની આજ જીંદગીનો સામનો કરી રહી છે.

એસિડ એટેક પછી હાલ કાજલની શું હાલત છે?

એસિડ એટેક થયા બાદ ર૩ વર્ષની કાજલ પર સાત સર્જરીઓ (ઓપરેશન) અત્યારસુધી થઈ ચૂક્યા છે. અને હાલ એસિડ એટેકમાં તેની એક આંખ ફેઈલ થઈ જતા હાલ ચાલી રહેલી પ્લાસ્ટિક સર્જરી બાદ તેનું ઓપરેશન કરવુ પડશે. હાલ ફેઈલ થઈ ગયેલી આંખના પોપચાની સર્જરીનું પણ કામકાજ ચાલી રહ્યુ છે. ત્યારે એસિડ એટેક બાદ તેનો એક સાઈડનો કાન ન હોવાથી અને માત્ર હોલ હોવાથી તે ચશ્મા પણ પહેરી શકતી નથી. અને આગળ હજુ પણ ઘણી બધી સર્જરીઓ(ઓપરેશન) કાજલના ચહેરા પર કરવાના બાકી છે. ઉલ્લેખનીય છેકે ૩-૩ મહિનાના અંતરે આ સર્જરીઓ કરવી પડે છે.

વેવાઈના દીકરા હાર્દિકને એકતરફી લગ્ન કરવા હતા

કાજલના પિતાના મોટાભાઈના વેવાઈનો દીકરો હાર્દિક એકતરફી કાજલ સાથે લગ્ન કરવા માંગતો હોય પરંતુ સામે પક્ષે કાજલ તૈયાર ન હોય આવેશમાં અને ઉશ્કેરાટમાં આવી ગયેલા હાર્દિક ૧-ર-ર૦૧૬ના રોજ નાગલપુર કોલેજની બહાર કાજલ પર એસિડ એટેક કર્યો હતો.

લોકો માત્ર વાતો કરે છે કોઈ સહાય થકી કામકાજ કરતુ નથીઃ પિતા મહેન્દ્રભાઈ

પોતાની દીકરી સાથે બનેલી ઘટનાના આટલા વર્ષો બાદ પણ પિતા મહેન્દ્રભાઈ અડીખમ રહીને પોતાની દીકરીની સારવાર કરી રહ્યા છે. ત્યારે માત્ર ૩ લાખ જેટલી સહાય આપીને પોતાની જવાબદારીમાંથી છુટી ગયેલી સરકાર અને ડાહીડાહી વાતો કરીને પોતાની દીકરીની મુલાકાત લેતી સ્વૈચ્છિક સંસ્થાઓ હોય કે લોકો ઉપર પણ જાણે કે તેમનો ભરોસો ઉઠી ગયો હોય તેમ નિઃસાસા ભર્યા અવાજ તેમણે જણાવ્યુ હતુ કે સાહેબ લોકો માત્ર વાતો કરે છે. પણ કોઈ સહાય કે મદદ થકી કામકાજ કરવા આવતુ નથી.

અભ્યાસ છુટી જતા કાજલની કારકિર્દી પણ રોળાઈ

એસિડ એટેકમાં કાજલની એક આંખ સંપૂર્ણપણે ફેઈલ થઈ જતાં અને બીજી આંખે પણ સામાન્ય દેખાતુ હોય તેમજ ચાલી રહેલી સારવારને પરિણામે અભ્યાસ છુટી જતાં કોલેજના પ્રથમ વર્ષમાં જ ઉચ્ચ પોલીસ અધિકારી બનવાના સપના સેવતી કાજલની કારકિર્દી પણ આ ઘટના બાદ રોળાઈ ગઈ છે.

એસિડ એટેક કરનાર હાર્દિક આજીવન કેદની સજા કાપી રહ્યો છે

એકતરફી આકર્ષણને લઈ કાજલ પર એસિડ એટેક કરનાર આરોપી હાર્દિક પ્રજાપતિને ૧૮-૪-ર૦૧૮ના રોજ મહેસાણાની કોર્ટે આજીવન કેદની સજા ફટકારતાં ર્હાિદક અત્યારે જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓઃ દીપિકાની ફિલ્મ છપાકને બૉયકૉટ કરવા માટે અપીલ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન