ચિદમ્બરમ્ પર હિંદુ ટેરર શબ્દ માટે કેસ કરવો જોઈએ : સ્વામી - Sandesh
 • Home
 • India
 • ચિદમ્બરમ્ પર હિંદુ ટેરર શબ્દ માટે કેસ કરવો જોઈએ : સ્વામી

ચિદમ્બરમ્ પર હિંદુ ટેરર શબ્દ માટે કેસ કરવો જોઈએ : સ્વામી

 | 1:13 am IST

નવી દિલ્હી :

હૈદરાબાદના ચકચારી મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ સહિતના આરોપીઓને નિર્દોષ છોડાયા બાદ રાજકીય આરોપ પ્રત્યારોપનો તબક્કો શરૂ થઈ ગયો હતો. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસી નેતા ચિદમ્બરમ્ને ભીંસમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતા. આ બ્લાસ્ટને હિંદુ ટેરર થિયરી ગણાવવા માટે પૂર્વ ગૃહપ્રધાન ચિદમ્બરમ્ સામે કેસ કરવાની સુબ્રમણ્યમ સ્વામીએ માગણી કરી હતી. ચિદમ્બરમે હિંદુ ટેરર શબ્દ દ્વારા હિંદુઓ પર સવાલો ઉઠાવ્યા છે. આ મોટું કાવતરું હતું, જેમાં સામેલ લોકોને સજા થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન ચિદમ્બરમે ઓગસ્ટ ૨૦૧૦માં દેશમાં કેટલાક બોંબવિસ્ફોટ માટે ભગવા આતંકવાદને જવાબદાર ગણાવ્યો હતો. આને દેશ માટે પડકાર ગણાવ્યો હતો. આ પછી કોંગ્રેસના જનાર્દન દ્વિવેદીએ ચિદમ્બરમ્ને સંભાળીને બોલવા કહ્યું હતું.

કોંગ્રેસે NIAની તપાસને પક્ષપાતી ગણાવી

કોંગ્રેસે પણ તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે પૂછયું હતું કે આ બ્લાસ્ટ કરવા પાછળ ખરેખર કોણ હતું અને જે ૯ લોકો માર્યા ગયાં તેના માટે અસલી ગુનેગાર કોણ? કોંગ્રેસે એનઆઈએની તપાસને પક્ષપાતભરી ગણાવી હતી. ગુલામનબી આઝાદે કહ્યું કે તપાસ સંસ્થા એનઆઈએ સરકારની કઠપૂતળી બની ગઈ છે. આની તપાસ કોર્ટની દેખરેખમાં થવી જોઈતી હતી. એનઆઈએ ભાજપના ઇશારે કામ કરે છે, જોકે સલમાન ખુરશીદે ચુકાદાને આવકાર્યો હતો અને ઉપલી કોર્ટમાં અપીલ કરી શકાશે તેમ જણાવ્યું હતું.

ચુકાદો આપનાર જજે રાજીનામું આપ્યું

હૈદરાબાદ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ અને અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો આપ્યા બાદ એનઆઈએ જજ રવીન્દ્ર રેડ્ડીએ રાજીનામું આપી દીધું હતું. તેમણે કયાં કારણોસર રાજીનામું આપ્યું તે ચર્ચાનો વિષય છે. તેઓ રાજીનામું આપ્યા બાદ ક્યાંક રજાઓ માણવા માટે પણ ચાલ્યા ગયા હોવાથી ચર્ચાઓનું બજાર ગરમાયું છે.

સોનિયા ગાંધી- રાહુલ માફી માગે : સંબિત પાત્રા

ભાજપે ચુકાદા પછી માગણી કરી હતી કે આ માટે સોનિયા ગાંધી અને રાહુલે આખા દેશની માફી માગવી જોઈએ. કોંગ્રેસનાં ચહેરા પરથી નકાબ ઊઠી ગયો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે કોર્ટના આ ચૂકાદા પર ભાજપ કોઈ ટિપ્પણી કરવા માગતું નથી. ટુ જી કૌભાંડ વખતે કોંગ્રેસે ચુકાદાને આવકાર્યો હતો અને આજે ચુકાદાને ખોટો ગણાવે છે.

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસની ટાઈમલાઈન

 • ૧૮ મે ૨૦૦૭નાં રોજ શુક્રવારની નમાજના સમયે બપોરે ૧.૨૫ કલાકે મોબાઇલ બેટરીથી રિમોટ દ્વારા પાઈપ બોમ્બમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
 • આ બોમ્બ મસ્જિદમાં વજુખાનામાં સંગેમરમરની બેન્ચ નીચે લગાવવામાં આવ્યો હતો. બ્લાસ્ટ વખતે મસ્જિદમાં ૫,૦૦૦થી વધુ લોકો હાજર હતા.
 • ૯નાં મોત થયાં હતાં જ્યારે ૫૮ લોકોને ઈજા થઈ હતી. બોમ્બ બ્લાસ્ટ પછી લોકોએ વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા હતા.
 • આ પછી તપાસ વખતે મસ્જિદમાંથી બીજા ૩ બોમ્બ મળ્યા હતા જેમાં ૨ વજુખાના પાસે અને એક મસ્જિદની દીવાલ પાસેથી મળ્યો હતો.
 • અગાઉ સીબીઆઈએ અસીમાનંદ સહિત કેટલાક લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અસીમાનંદ અને લક્ષ્મણદાસ જેવા જમણેરી નેતાઓ સહિત કેટલાંકને પકડવામાં આવ્યા હતા.
 • મુખ્ય આરોપી સંદીપ ડાંગે અને રામચંદ્ર કલસાંગરા હજી ફરાર
 • મુખ્ય આરોપીની ગોળી મારીને હત્યા કરાઈ હતી.
 • ૧૩ માર્ચ ૨૦૧૮નાં રોજ ડોક્યુમેન્ટની તપાસમાં અસિમાનંદનાં ડિસ્ક્લોઝર રિપોર્ટ ગુમ થઈ ગયા હતા હોબાળો થતા એક દિવસ પછી તે મળી ગયા હતા.
 • આ કેસમાં ૧૬૦ સાક્ષીઓના નિવેદનો લીધા બાદ ૫૪ સાક્ષીઓ ફરી ગયા હતા.

;