Chief Minister Uddhav Thackeray Stays Array Metro Car Shed Project
  • Home
  • Featured
  • સત્તામાં આવતા 24 જ કલાકમાં ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસ સરકારનો મોટો નિર્ણય પલટી નાખ્યો

સત્તામાં આવતા 24 જ કલાકમાં ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસ સરકારનો મોટો નિર્ણય પલટી નાખ્યો

 | 7:28 pm IST

મહારાષ્ટ્રના મુખ્યમત્રી પદે શપથ લેતાની સાથે જ માત્ર 24 જ કલાકમાં ઉદ્ધવ ઠાકરે સરકારે ફડણવીસ સરકારે લીધેલો એક મહત્વનો નિર્ણય જ પલટી નાખ્યો છે. ઉદ્ધવ ઠાકરે સરકારે મુંબઈના આરે કોલોનીમાં બનનારા મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ પર જ રોક લગાવી દીધી છે. અનેક પર્યાવરણ પ્રેમીઓના વિરોધ અને અદાલતી પડકાર બાદ ઉદ્ધવ ઠાકરે સરકારે આદેશ આપ્યો છે કે, આગામી આદેશ સુધી આરે કોલોનીમાં કોઈ પણ ઝાડ કાપવામાં ના આવે.

સરકારની બીજી જ બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મેં આજે જ અધિકારીઓને આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટના નામને રોકી દેવાનો આદેશ આપ્યો છે. હાલ મેટ્રોના કામ માટે કોઈ જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી પરંતુ મારા આગામી આદેશ સુધી આરેમાં એક પાંદડુ પણ કાપવામાં ના આવે.

ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળી લીધુ હતુ. આ સાથે જ તેમને આરે કોલોનીમાં મેટ્રો શેડનું કામ અટકાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં એક-એક પૈસાનો હિસાબ રાખવામાં આવશે. દિલીપ પાટીલની નવા પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે શનિવારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે. ઉદ્ધવ ઠાકરે આ દિવસે જ વિશ્વાસ મત સાબિત કરે તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હું પ્રથમ વખત મંત્રાલયમાં ગયો છું. જ્યાં મે સચિવો સાથે મુલાકાત કરી હતી અને એક-બીજા વિશે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મે અધિકારીઓને આદેશ આપ્યો છે કે કરદાતાઓના નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે.

કોર્ટે વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મુકેલો

આરે કોલોનીમાં ઝાડને કાપવાના વિરોધમાં મુંબઈમાં મોટાપાયે આંદોલન થયું હતું. તે સમયે રાજ્ય સરકારમાં ભાગીદાર હોવા છતા શિવસેનાએ ઝાડને કાપવાનો વિરોધ કર્યો હતો. 4 ઓક્ટોબરના રોજ બોમ્બે હાઈકોર્ટે આરે કોલોનીને જંગલ જાહેર કરવા અને ઝાડને કાપવા પર પ્રતિબંધ મુકવા ઈનકાર કર્યો હતો. ત્યારબાદ આશરે 2000 ઝાડ કાપવામાં આવ્યા હતા. ત્યારબાદ સામાજીક કાર્યકર્તાઓએ ઝાડ કપાતા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 7મી ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે ઝાડ કાપવા પર પ્રતિબંધ મુક્યો હતો.

સરકાર બનતા જ ઉદ્ધવ ઠાકરેએ હાઈકોર્ટના આ આદેશનું પાલન કરાવવાનું શરૂ કરી દીધું છે. આમ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધનની સરકાર બનાવતા જ ઉદ્ધવ ઠાકરે સરકારે અગાઉની ફડણવીસ સરકારના નિર્ણયો ફેરવી તોળવાનું શરૂ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન