મુખ્યમંત્રીના દીકરાને અનામતનો લાભ મળવો જોઇએ ? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મુખ્યમંત્રીના દીકરાને અનામતનો લાભ મળવો જોઇએ ?

મુખ્યમંત્રીના દીકરાને અનામતનો લાભ મળવો જોઇએ ?

 | 12:22 am IST

લાઈવ વાયર :- મયુર પાઠક

સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન લેવાના સમયે જ્યારે માત્ર ૩ માર્કસ ઓછા હોવાના કારણે એક જનરલ કેટેગરીના વિદ્યાર્થીને એડમિશન ના મળે અને અનામતને કારણે તેનાથી ઘણાં બધા ઓછા ટકાવાળા વિદ્યાર્થીને મેડિકલમાં પ્રવેશ અપાય છે ત્યારે જનરલ કેટેગરીનો પ્રવેશ વંચિત વિદ્યાર્થી સમજી શકે છે કે દેશમાં અનામત પ્રથા છે અને તેના કારણે કોઇ શિડયુલ કાસ્ટ કેટેગરીના વિદ્યાર્થીને એડમિશન મળે છે તો એ વાત બરાબર છે. વર્ષોથી શોષણ અને જુલ્મનો ભોગ બનેલ જાતિ માટે સરકારે કોઇ નિયમ બનાવ્યો હોય તેને આપણે માન આપવું પડે. પરંતુ જ્યારે આ જનરલ કેટેગરીવાળા આ વિદ્યાર્થીને ખબર પડે કે, મારી જગ્યાએ જે વિદ્યાર્થીને અનામત કેટેગરીમાં એડમિશન મળ્યંુ છે, એ વિદ્યાર્થીના પિતા તો મુખ્યમંત્રી છે, ત્યારે આ જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીનું દિલ ચીરાઇ જાય છે. અનામતનો લાભ જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીની રહેણીકરણી કરતાં પણ ઊંચી રહેણીકરણી ધરાવતા લોકો લઇ જાય ત્યારે આ વાત કઇક જુદું જ સ્વરૂપ પકડી લેતી હોય છે.

આવનારા દિવસોમાં દેશ પર આ મુદ્દે એક મોટી ચર્ચા શરૂ થવાની છે, કે ભારતમાં લગભગ પચ્ચીસ ટકાની વસતીવાળા દલિત – આદિવાસીઓને મળવા પાત્ર અનામતમાં ક્રીમિલેયરની જોગવાઇ હોવી જોઇએ કે નહીં?   સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે રિટ દાખલ થઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચે આ રિટને સુનવણી માટે દાખલ પણ કરી દીધી છે. આ રિટમાં માગ કરાઇ છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ક્રીમિલેયરને અનામતમાંથી બહાર મૂકવામાં આવે. આ રિટમાં એવી પણ માગણી કરાઇ છે કે સુપ્રીમ કોર્ટ SC, STમાં ક્રીમિલેયરના માપદંડો નક્કી કરે જેના આધારે આ જાતિના લોકોમાં જે પૈસાદાર છે તે વર્ગની ઓળખ થઇ શકે.

દેશમાં ઘણા વર્ષોથી એક અવાજ બુલંદ બની રહ્યો છે કે, અનામત કોને મળવી જોઇએ તે હવે નક્કી થઇ જવું જોઇએ. દેશની આઝાદી મળ્યાના ૭૦ વર્ષ પછી પણ જો એક જાતિ સમાજને તમારે બેબી ફીડિંગ કરવાનું હોય તો આ સમાજ પોતાની જાતે ક્યારે દોડતો થશે ? દેશના એક બહુ મોટા વર્ગનું માનવું છે કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત આપો એમાં કશું ખોટું નથી, આ વર્ગ પર સેંકડો વર્ષોથી અત્યાચાર અને શોષણ કરાયું છે, ત્યારે હવે આ વર્ગને થોડીક સગવડો મળે એમાં કશું ખોટું નથી. જોકે, અનામતનો લાભ મેળવીને ૭૦ વર્ષમાં ઘણાં બધા લોકો શક્તિશાળી બની ગયાં છે એ પણ એક હકીકત છે. રાજકારણમાં ઉચ્ચપદો પર અનામતના કારણે બિરાજેલા રાજનેતાઓ, આઇએએસ, આઇપીએસથી લઇને સરકારી ઉચ્ચ હોદ્દાઓ પર પણ વર્ષોથી અનામતને કારણે બેઠેલી વ્યક્તિઓના સંતાનોને હવે શું અનામત આપવી યોગ્ય છે? આ પ્રશ્ન હવે લાઉડ બન્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે રિટ કરનાર સમતા આંદોલન સમિતિના સંગઠનનું કહેવું છે કે, અનુસૂચિત જાતિ અને જનજાતિના સમૃદ્ધ અને વગદાર લોકો અનામતના લાભ હડપ કરી જતા હોઈ જરૂરિયાતમંદ લોકોને અનામતનો ફાયદો મળી શકતો નથી.

હકીકત એ છે કે જ્યારે અનામતનો ફાયદો SC, STના સમૃદ્ધ અને વગદાર લોકો મેળવતા હોય ત્યારે તેમની જ જાતિના હજુ પણ પછાત અને શોષિત વર્ગના લોકો આ લાભથી વંચિત રહી જાય છે. ડો. બાબા સાહેબ આંબેડકરે જ્યારે અનામતનો લાભ આ શોષિત અને પીડિત જાતિઓને આપવા વિચાર્યું હશે ત્યારે એ કલ્પના પણ નહીં કરી હોય કે એક સમય એવો પણ આવશે જ્યારે આ અનામતને કારણે SC, ST જાતિના પાછળ રહી ગયેલા લોકોને તેમની જ જાતિના આગળ વધી ગયેલા લોકો દ્વારા અન્યાય થશે.

ગુજરાતની જ વાત કરીએ તો અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે તેવા એક સમાજના લોકો અનામતને કારણે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરીઓ મેળવી શક્યાં છે. જ્યારે બીજી તરફ અનુસૂચિત જાતિમાં જ જેમનો સમાવેશ થાય છે તેવા અન્ય સમાજના લોકો હજુ આજે પણ અનામતના સારા ફળ મેળવી શકવામાં પાછળ રહી ગયાં છે. આઝાદીના ૭૦ – ૭૦ વર્ષ પછી પણ જ્યારે સમાજના છેવાડાના માનવીઓ સરકારી લાભો મેળવવાથી વંચિત રહે તેવી વ્યવસ્થા અંગે હવે પ્રશ્નો ઊભા થવા માંડયા છે. સમાજના આ શોષિત વર્ગના લાભ વંચિતો તરફથી અવાજ ઊઠવા માંડયો છે કે હવે અમારા સમાજના આગળ વધી ગયેલા લોકો જો અનામતનો લાભ મેળવ્યા કરશે તો અમારો વારો ક્યારે આવશે?

કોઇ મંત્રીના દીકરાને કે અધિકારીની દીકરીને અનામતનો લાભ મળતો રહેશે તો ખરેખર ગરીબ અને પછાતના દીકરાને અનામતનો લાભ ક્યારે મળશે ? શું અનામતનો બધો લાભ અનામતને જ કારણે આગળ વધેલા લોકો જ લઇ લેશે ? આ તો પૈસો પૈસાને ખેંચે છે અને દુનિયામાં અમીરો જ વધારે અમીર થાય છે અને ગરીબો વધુ ગરીબ થઇ રહ્યાં છે, તેના જેવી હાલત અનામતના લાભમાં પણ થઇ રહી હોય તેવું લાગે છે.

અત્યાર સુધી ઉપરોક્ત વાત બસ સ્ટેશનો અને પાનના ગલ્લે ચર્ચાતી હતી, પરંતુ આ ચર્ચા હવે સુપ્રીમ કોર્ટના દ્વાર પર પહોંચી ગઇ છે. આવનારા દિવસોમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જોરદાર દલીલો થશે. આમને-સામને પુરાવા સાથે, તથ્યો સાથે પોતાની વાત મૂકાશે ત્યારે દેશમાં એક નવી જ ચર્ચાઓ શરૂ થનાર છે.

હકીકત એ છે કે, દેશમાં ઓબીસી અનામતમાં ક્રીમિલેયરને એટલે કે આર્થિક સમૃદ્ધિ વાળા અને ઉચ્ચ પદો પર બેઠેલા અધિકારીઓના પરિવારોને ઓબીસી અનામતના લાભ આપવાનું બંધ કરાયું છે. વી. પી. સિંહની સરકારે મંડલ આયોગની દરખાસ્તને ધ્યાનમાં લઇને ઓબીસીને અનામત આપવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી દેશમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ અનામતનો સુપ્રીમ કોર્ટમાં પણ વિરોધ કરાયો હતો. આ સંજોગોમાં વી. પી. સિંહ સરકાર પછી આવેલી કોંગ્રેસની નરસિંહ રાવ સરકારે ઓબીસી અનામતમાં ફેરફાર કરી એમાં આર્થિક રીતે સમૃદ્ધ લોકોને અનામત આપવાનું બંધ કર્યું હતું. આજે જ્યારે ઓબીસી અનામતમાં પછાત જાતિઓમાંથી ક્રીમિલેયરમાં આવતા લોકોને અનામતનો લાભ મળી શકતો નથી, ત્યારે હવે આજ દલીલ SC, ST અનામતમાં પણ લાગુ પડવા જઇ રહી છે. એક જ દેશમાં અનામતના મુદ્દે બે જુદા જુદા માપદંડો કેમ તે અંગે દલીલો થઇ રહી છે. જો ઓબીસી અનામતના ક્રીમિલેયરને અનામતનો લાભ અપાતો ના હોય તો SC, ST અનામતમાં ક્રીમિલેયરને અનામતનો લાભ શું કામ આપવો જોઇએ તે વાત હવે મુખ્ય મુદ્દો બનીને ઊભરી આવી છે.

SC, ST અનામતમાં ક્રીમિલેયરને લાગુ ના પાડવું જોઇએ તેવી વાત કરનારાઓનું કહેવું છે કે, અનુસૂચિત જાતિની વ્યક્તિ ગમે તેટલી સમૃદ્ધ અને પાવરફુલ થઇ જાય તો પણ તેની સાથે સામાજિક ભેદભાવ થઇ શકે છે. આ સંજોગોમાં ક્રીમિલેયરને બહાને અનુસૂચિત જાતિ, જનજાતિના લોકોને અનામતમાંથી દૂર કરવાની વાત બરાબર નથી. બંધારણે અનામતનો લાભ ગરીબી દૂર કરવા નહીં, પરંતુ સામાજિક ભેદભાવ મીટાવવા અને સમાજનો પાછળ રહી ગયેલો વર્ગ રાષ્ટ્ર નિર્માણનો હિસ્સો બને તે માટે આપ્યો હતો.

હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે તેના પર આખા દેશની નજર રહેશે.

શોર્ટ સરકીટ  

New Exam Pattern

For OBC – Who in actor in Movie Bahubali ?

For SC – Have you seen Bahubali ?

For ST – Which Part of Bahubali released recently, Part-1, Part-2

For General – Why Kattapa Killed Bahubali ?