બાળ ક્ષમતાને જગાડતા રોલ-પ્લે - Sandesh

બાળ ક્ષમતાને જગાડતા રોલ-પ્લે

 | 12:01 am IST

બાળ ઉછેર । રાજુલ દેસાઈ

બાળકો જ્યારે ઘરના મોટેરાઓની ભૂમિકા ભજવવાની રમત રમતા હોય ત્યારે તેઓને નિહાળવા એ લહાવો છે. ઘણીવાર બાળકો શિક્ષક માતા-પિતા, ડોક્ટર વગેરેની નકલ કરતા હોય છે. આ સમયે તેઓ પોતાના અવલોકન અને કલ્પના શક્તિનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રક્રિયા તેઓની કલ્પના શક્તિને વધારે છે. તેઓના સામાજિક વિકાસને, સહકારવૃત્તિને સાંભળવાની ધીરજને વેગ આપે છે. આમ બાળકની આ પ્રકારની રમત તેના વિકાસનો જ એક ભાગ હોય છે. તેમાં થતી પ્રક્રિયા બાળકમાં બીજાંઓ તરફ સંવેદનશીલતા રાખવાની તાલીમ પણ આપે છે. તેઓ પોતાની લાગણીઓને વ્યક્ત કરવાની તક પણ તેમાં પ્રાપ્ત કરે છે. તેઓની બોલવાની ક્ષમતા અને કામ કરવાની ક્ષમતા વિકાસ પામે છે.

બાળકો વિવિધ ભૂમિકાઓ ભજવાની રમતમાં શાળાના શિક્ષણ, ગણિત વગેરેનો જાત-અનુભવ મેળવે છે. તે દુકાનદાર બને ત્યારે તે પૈસાનો હિસાબ, બોલવાની રીત, નમ્રતા વગેરે શીખે છે. જે બાબતો તેઓ પૂરી રીતે ના સમજતા હોય. તેને સમજવા માટે તેઓ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિનો ઉપયોગ કરે છે. આ રમતોમાં તેઓ પોતે અનુભવેલી મૂંઝવણો કે સમસ્યાઓનું પણ નિરૂપણ કરતા હોય છે અને એ દ્વારા તેઓને તેનું સમાધાન પણ મળી શકે છે.

‘રોલ-પ્લેની’ની રમત કે પ્રવૃત્તિ એક સામાજિક કાર્ય છે. શાળામાં બાળક ચાહે ગમે તેટલું સારું પ્રદર્શન કરતું હોય પણ જ્યાં સુધી તે સામાજિક રીતે સહકારભર્યું ના બને ત્યાં સુધી તેનો વિકાસ અપૂર્ણ રહે છે. રોલ-પ્લે કરતી વખતે બાળક કલ્પનાશક્તિનો સહારો લે છે અને તેમાં દુનિયાની વાસ્તવિકતાની તમામ દીવાલો ધરાશાયી થઈ જાય છે. વાસ્તવિક દુનિયા બાળકને જેટલું જ્ઞાાન આપી શકે છે તેનાથી અનેકગણું વધારે જ્ઞાાન તેને પોતાની કલ્પાનાશક્તિમાંથી મળે છે. કલ્પનાશક્તિને સહારે તે સમયની સરહદોને ઓળંગી જાય છે. પોતાની પ્રકૃતિની મર્યાદાની પાર તે જઈ શકે છે, પોતે જે નથી તે તે બની શકે છે અથવા તેવો દેખાવ તે કરી શકે છે. રોલ-પ્લે દ્વારા તેનામાં અભિવ્યક્તિ અને વાતચીત કરવાની ક્ષમતા કેળવાય છે.

બાળકો જ્યારે રોલ-પ્લે કરવાની તૈયારી કરતા હોય છે ત્યારે તેઓ પરસ્પર વાતચીત-ચર્ચા કરીને કોને કયો રોલ આપવો તે નક્કી કરે છે. તે માટે તેઓ ભાગ લેવાના ઈચ્છુક અન્ય બાળકોની ક્ષમતાને તપાસે છે. આમ તેઓમાં અન્યોને પારખવાની ક્ષમતા પણ કેળવાય છે. પરિણામે લોકો સાથે સહકાર સાધીને હળવામળવાની આવડત તેઓમાં વિકસે છે. પોતાના આવેગો કે આવેશોને કેવી રીતે નિયંત્રણમાં રાખવા અને બીજાંની વાત સાંભળવી એ તેઓ શીખે છે. એક નિષ્ણાત કહે છે, ‘મોટેરાઓની ભૂમિકા ભજવતા બાળકો પોતાના વડીલોને સારી રીતે સમજતા થઈ જાય છે એ બહુ મોટો ફાયદો છે.’

રોલ-પ્લે એ સામાન્ય રીતે બાળકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે. પરંતુ તેમાં મોટેરાઓ પણ મહત્ત્વનો ફાળો આપી શકે છે. બાળકે તેની તૈયારી કરતા હોય ત્યારે વડીલો તેઓને પ્રશ્નો પૂછીને અથવા વાતચીતમાં મદદ કરીને વિચાર કરતા કરી શકે છે. જેમાંથી બાળકો ઘણું શીખે છે.

રોલ-પ્લેની પાત્રો પ્રાચીન અથવા ભવિષ્યની કલ્પનાના હોય તો બાળકોને તે અંગે વધુ જાણવાની જિજ્ઞાાસા જાગે છે અને તેઓ ઊંડાણપૂર્વક રસ લઈને તેની તૈયારી કરે છે. તેના માટે કેવો ડ્રેસ પહેરવો, કયા સાધનોનો ઉપયોગ કરવો, કેવી રીતે બોલવું, કેવા હાવભાવ લાવવા વગેરે બાબતો પર તેઓ વિચાર કરે છે. પોતાની કલ્પાનશક્તિને કસે છે. ભણવાની પ્રવૃત્તિમાં બાળક જે શીખે છે તેના કરતા કાંઈક જુદા જ પ્રકારનું ઘડતર રોલ-પ્લેની પ્રવૃત્તિમાં થાય છે.

શિક્ષક માટે પણ પોતાના વિદ્યાર્થીઓને તેઓએ શીખેલી બાબતોનો અમલ કરતા જોવા એક લહાવો બની રહે છે. રોલ-પ્લે કરતા વિદ્યાર્થીઓને જોઈને શિક્ષકને ખાતરી થાય છે કે, તેમના વિદ્યાર્થીઓએ બરાબર ધ્યાન આપ્યું છે અને તેઓ બધું બરાબર શીખ્યા છે.

રોલ-પ્લેના પાત્રો વાસ્તવિક જીવનમાંથી જ આવતા હોય છે. બાળકો પોતાની આસપાસ દેખાતી દુનિયાને આ રીતે સમજતા શીખે છે. ડોક્ટરનો રૂમ તૈયાર કરવો સુપર-માર્કેટ બનાવવી, પોલીસ સ્ટેશનનું વાતાવરણ ઊભું કરવું એ બધું વાસ્તવિક દુનિયામાં જોવા મળતી બાબતો છે. કોઈપણ રોલ-પ્લેની તૈયારીમાં બાળકને તેની લેખનશક્તિ અને ગણિતની આવડતને અજમાવવાની તક મળે છે.

બાળકને લખવાની પેન અને કાગળ આપીને લખવા કહો. તેમાં તેણે કોઈ ભૂલ થવાનો કે ખોટા પડવાનો ભય રાખવાનો નથી. ઉદાહરણ કરીકે સુપર માર્કેટના વિષયમાં તૈયારી કરવાની હોય અથવા રોલ-પ્લે કરવાનો હોય તો તેને ખરીદીની યાદી લખાવો તેનાથી બાળકને સમજ પડશે કે યાદી બનાવીને ખરીદી કરવા જવું જોઈએ. પાંચસો ગ્રામ બટાકા, છ નારંગી જેવી યાદી તેને લખાવો, રોલ-પ્લે કરતી વખતે જ્યારે બાળક ખરીદી કરશે ત્યારે તેણે ગણતરી કરવાની જરૂર પડશે. આમ તેનામાં ગણતરીનું કૌશલ્ય ખીલશે. રોલ-પ્લે કરતી વખતે બાળકો તેઓએ જોયેલા દૃશ્યો યાદ કરીને તેની નકલ કરશે. ઉદાહરણ તરીકે, સુપર માર્કેટમાં ખરીદી કરતી વખતે તેઓ પોતાની માતાને યાદ કરશે. માતા કેવી રીતે વસ્તુઓ પસંદ કરતી હતી, બાસ્કેટમાં મૂકતી હતી અને કેવી રીતે બિલ ચૂકવતી હતી તે બધું યાદ કરીને તેઓ તેનું અનુકરણ કરશે. ડોક્ટરની બેન્ડેજ બાંધવાની રીતે તેઓને યાદ હશે અને તે મુજબ તેઓ ડોક્ટરની ભૂમિકા ભજવશે. આ પ્રવૃત્તિથી તેઓમાં સમસ્યાઓ ઉકેલવાની અને પ્રત્યક્ષ જ્ઞાાન મેળવવાની ક્ષમતા આવે છે.

ઈમેજિનરી-પ્લે અને રોલ પ્લે એમ બંનેમાં બાળકની બોલવાની ક્ષમતા, શબ્દ-ભંડોળ વધે છે. આ પ્રવૃત્તિ કરતી વખતે તેઓ મોટેરાઓનું અનુકરણ કરીને બોલવાનો પ્રયત્ન કરતા હોય છે. તેઓ જાણતા હોય છે કે સારો અભિનય કરવા માટે તેઓએ યોગ્ય રીતે સૂચનાઓનું પાલન કરવું પડશે. તે માટે તેઓએ ધીરજ રાખીને સાંભળવું પડશે, કલ્પના કરીને અભિનય કરવો પડશે. પોતાનાથી જુદા વ્યક્તિત્વની ભૂમિકા ભજવવામાં શરીરની ભાષા, ચહેરાના ભાવોની અભિવ્યક્તિ વગેરે દર્શાવવાની જરૂર પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન