બાળકની ભાષાવિકાસની સરગમ - Sandesh

બાળકની ભાષાવિકાસની સરગમ

 | 2:31 am IST

ઉંમર સાતથી બાર માસ

આપણે ગુજરાતીઓએ પોરસાવા જેવી એ ઘટના કહેવાય કે, દરેક બાળક આશરે ૬-૭ માસની ઉંમરથી બા…, મા…, દા…, જેવા એકાક્ષરી ગુજરાતી શબ્દોથી બોલવાની શરૂઆત કરે છે અને નવ માસની ઉંમરે તે બા, મા, દા, જેવા એકાક્ષરી ઉચ્ચારોને બેવડાવી શબ્દનસ્વરૂપે વ્યક્ત કરે છે, જેમકેઃ બા…બા…, મા…મા, દા….દા. આવા શબ્દો તે માત્ર નિજાનંદ માટે જ વાપરે છે. તેનો અર્થ તે સમજતું નથી કે સમજવવા માગતું પણ હોતું નથી.

એકથી બે વર્ષ

પ્રથમ વર્ષગાંઠની ઊજવણી પૂરી થતાં બાળક એક એક શબ્દવાળાં વાક્યો બોલવા લાગે છે. આ ઉંમરે તે ચાલતાં પણ શીખે છે. અંગ્રેજીમાં કહીએ તો Talking and Walking જેવી બેવડી સિદ્ધિ તે એક વર્ષની ઉંમરે પ્રાપ્ત કરે છે. બા…બા, મા…મા, દા…દા, જેવાં શબ્દોને તે કંઈક મતલબ માટે વાપરે છે, જેમ કેઃ માતાને બોલાવવા માટે તે મા…મા બોલે છે અને માતા આ હાકલ સાંભળી તેનો પ્રત્યુત્તર આપે તેવી અપેક્ષા રાખે છે. ખોરાક માંગવા માટે તે મ…મ્ બોલે છે અને તેને મ…મ્ પીરસવામાં આવે તેવી અપેક્ષા પણ રાખે છે.

અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે, બાળકનો ભાષા વિકાસ બે સ્તરમાં થાય છેઃ (૧) Comprehension એટલે કે સમજવું અને (૨) Production એટલે કે ઉત્પન્ન કરવું- બોલવું.

આ બંને પ્રક્રિયાઓ એક જ દિશામાં થાય છે, તો પણ તેનો વેગ અલગ-અલગ હોય છે. તેથી જ તો એક વર્ષની ઉંમરે બાળક ભલે માત્ર એક એક શબ્દ બોલતું હોય (Production) પણ તે ૨૦થી ૫૦ શબ્દો સમજી શકે છે. (Comprehenension) વધુ ચોખવટ કરવી હોય તો એમ કહી શકાય કે, Comprehension પ્રક્રિયા દ્વારા તે જેટલા શબ્દો સમજે છે તેટલા શબ્દો ઁર્િઙ્ઘેષ્ઠી કરી શક્તું નથી- બોલી શક્તું નથી. તેના દિમાગમાં હોય છે તે બધા શબ્દો હોઠ પર આવતા નથી.

આશરે ૧૮ માસની ઉંમર થતાં બાળક ૫૦ શબ્દો બોલી શકે છે, અને તેનાથી અનેક ગણા શબ્દો સમજી શકે છે. આવા શબ્દો એટલેઃ સગાંસંબંધીઓ અને ખાસખાસ વ્યક્તિઓનાં નામ, શરીરનાં અવયવોનાં, વસ્તુઓનાં, ખોરાકની વાનગીઓનાં અને કપડાંનાં નામ, પ્રાણીઓનાં નામ અને તેના અવાજ.

આપણા રોજબરોજના જીવનમાં જોવા મળતા દ્રશ્યોને તાજા કરી આ વિષયને સમજીએ તોઃ બાળકને પૂછવામાં આવે કે, તારું નાક કયાં? તો એ નાક પર આંગળી મૂકી બતાવશે. પણ તેના નાક પર આંગળી મૂકી આપણે પૂછીએ કે, આ શું છે? તો એ નાક શબ્દ બોલી જવાબ નહીં આપી શકે. આમ તે નાક અને નાક જેવા અન્ય શબ્દો સમજે છે (Comprehension) પણ તે બધાં બોલી શક્તું (Production) નથી.

બાળક ભલે એક શબ્દવાળા વાક્યથી આગળ વધી બોલી શક્તું ન હોય તો પણ તે એક શબ્દમાં ઘણું બધું વ્યક્ત કરી શકે છે. એક શબ્દમાં તે પ્રશ્ન પૂછી શકે છે, હુકમ કરી શકે છે, ઈચ્છા દર્શાવી શકે છે અને લાગણી પણ વ્યક્ત કરી શકે છે. તે શું કહેવા માંગે છે તે જાણવા આપણે તે કયા સંદર્ભમાં તે શબ્દ વાપરે છે તે સમજવું પડે છે.

અનેક અને અલગ-અલગ વસ્તુઓ માટે તે એક જ શબ્દનો ઉપયોગ કરે એમ બને, જેમ કેઃ દરેક પ્રકારના ચાર પગવાળાં પ્રાણીઓ માટે તે ગાય શબ્દ પ્રયોગ કરે. ભેંસને તે ગાય કહે અને ઘોડાને પણ તે ગાયમાં ખપાવે!

(બાળઉછેર બે હાથમાં-પુસ્તકમાંથી)