બાળ વિકાસના સિદ્ધાંત - Sandesh
NIFTY 10,993.50 -25.40  |  SENSEX 36,508.88 +-32.75  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS

બાળ વિકાસના સિદ્ધાંત

 | 12:57 am IST

બાળઉછેરઃ  ડૉ. હર્ષદ કામદાર

શારીરિક ચેષ્ટા અને સ્નાયુઓનો વિકાસ બે દિશામાં થાય છે. એક છે માથાથી પગની દિશા, જેમાં પ્રગતિ પ્રથમ માથાથી શરૂ થઈ પગનાં આંગળાં સુધી પહોંચે છે.

બીજો છે, શરીરની મધ્ય ધરીની નજીક આવેલાં અંગોનો વિકાસ પહેલાં થાય છે અને તેનાથી દૂર આવેલાં અંગોનો છેલ્લે થાય છે. આ જ સિદ્ધાંત ચેષ્ટા અને સ્નાયુઓને પણ લાગુ પડે છે. પહેલાં ખભા અને કોણીના અને છેલ્લે હાથ-પગના આંગળાંના સ્નાયુઓ નિયંત્રણમાં આવે છે. મોટા સ્નાયુઓ જે નજીક છે, તે પહેલાં અને નાના સ્નાયુઓ જે દૂર છે તે પછીથી નિયંત્રણમાં આવે છે.

બાળકના જન્મ પૂર્વે અને જન્મ પછીથી આજ સિદ્ધાંતો લાગુ પડે છે. પહેલાં વિકાસ માથાનો થાય છે, પછીથી ધડનો અને છેવટે હાથ-પગનો વિકાસ થાય છે.

જન્મ પછી પુખ્ત વય સુધીમાં માથાનું કદ બે ગણુ, ધડનું ત્રણ ગણુ અને હાથ-પગની લંબાઈ ચાર ગણી વધે છે.

ચેષ્ટા અને સ્નાયુઓનો વિકાસ પણ માથાથી શરૂ થઈ પગનાં આંગળાંની દિશામાં આગળ વધે છે. માથાના સ્નાયુઓ પહેલાં, ધડના પછી અને છેવટે હાથ-પગના સ્નાયુઓ નિયંત્રણમાં આવે છે. શિશુ પહેલાં ત્રણ માસે માથું ઊંચકે છે, છ માસે બેસતાં શીખે છે, અને એક વર્ષે ચાલતાં શીખે છે.

બાળકના આ વિકાસદરમાં અનેક વિવિધતા જોવા મળે છે. કોઈ નવ માસે બોલતાં શીખે છે, તો કોઈ તેર માસે શીખે છે. કોઈ બાળકી ૧૦ વર્ષે રજસ્વલા થાય છે, તો કોઈ ૧૩ વર્ષે રજસ્વલા થતી જોવા મળે છે. છોકરાઓ કરતાં છોકરીઓનાં હાડકાંનો વિકાસદર અને જાતીય પુખ્તતાનો દર ઝડપી હોય છે.

વિકલન અને સંકલન

બાળકોનો વિકાસ વિકલન અને સંકલનના સિદ્ધાંતોના આધારે થાય છે.

સ્ત્રીકોષ અંડ અને પુરુષકોષ શુક્રના સંયોજનથી ફલિત થઈ જે નવો જીવ ઉત્પન્ન થાય છે, જે એકકોષનો હોય છે, તેને ‘ઝાયગોટ’ કહે છે. આ એક કોષમાંથી જુદા જુદા પ્રકારની જટિલ પેશીઓ જેવી કે જ્ઞાાનતંતુઓ, હાડકાં, રક્ત વગેરેમાં પરિર્વિતત થાય છે. તેને ‘વિકલન’ની પ્રક્રિયા કહે છે. સરળમાંથી જટિલ બનવાની વિકાસની આ પ્રક્રિયાને ‘વિકલન’ કહે છે.

આવા જુદા જુદા કોષોનો સમૂહ એક વિશિષ્ટ વ્યવસ્થા બનાવે છે. તંત્ર બનાવે છે, જેમ કે જ્ઞાાનતંત્ર, રુધિરાભિષરણ તંત્ર વગેરે. તેને ‘સંકલન’ની પ્રક્રિયા કહે છે. આમ ‘સંકલન’ એટલે વિવિધ અંગો એકત્રિત થઈને એક જટિલ માળખાકીય તંત્ર ઊભું કરે છે.

વિકાસના દરેક તબક્કે ‘સંકલન’ અને ‘વિકલન’ની ક્રિયાઓ જોઈ શકાય છે.

બાળકના વિકાસની કટોકટીનો સમયગાળો

અમુક એવા સમયે જ્યારે શિશુ તેની આસપાસની સ્થિતિને અતિ સંવેદનશીલ હોય, તેને ‘કટોકટી’ અથવા ‘સંવેદનશીલ’ સમયગાળો કહે છે. કેટલીક વખત આ સમયે થયેલી ખરાબ અસરોને ભૂંસી શકાતી જ નથી.

દા.ત., શિશુ જ્યારે બોલતાં શીખતું હોય ત્યારે તે સાંભળે તો જ બોલી શકે છે. આવે વખતે તેની સાંભળવાની ક્રિયામાં તકલીફ થાય તો તે બોલતા પણ શીખતું નથી, એટલે કે આ સમય તેના ભાષાકીય વિકાસ માટે કટોકટીનો ગણી શકાય.

તેવી જ રીતે માતાના ગર્ભમાં પ્રથમ ત્રણ માસમાં વિકલન અને સંકલન પ્રક્રિયાઓ ઝડપી હોય છે. આ વખતે જો માતાને રૂબેલા થાય તો શિશુને અનેક જન્મજાત ખામીઓ ઉદ્ભવે છે, એટલે કે તેના શારીરિક વિકાસ માટે આ સમય કટોકટીનો છે.

 

બાળકના વિકાસ ઉપર વાતાવરણ અને વારસાગત પરિબળોની અસરો

વિકાસને અસર કરતાં આ બે મુખ્ય પરિબળો છેઃ (૧) વારસાગત અને (૨) બાહ્ય વાતાવરણ. બંનેનો અલગ- અલગ પ્રભાવ જોવા મળે છે.

માતાના ગર્ભમાં વારસાગત પરિબળો જ બાળકના વિવિધ અંગોનો વિકાસ નક્કી કરે છે. મા-બાપ તરફથી મળેલા જિન્સને લીધે બાળકના નાકનો આકાર, આંખોનો રંગ, ચામડીનો રંગ વગેરે નક્કી થાય છે.

અમુક જિન્સ સમગ્ર માનવજાત માટે એક સમાન હોય છે. તેના દ્વારા બાળકના બે હાથ, બે પગ અને હૃદયનો વિકાસ થઈ માનવબાળનું નિર્માણ થાય છે અને તેને લીધે તે પ્રાણીઓથી જુદો પડી જાય છે. જ્યારે અમુક જિન્સથી તે બધાથી જુદો પડી જાય છે. ફક્ત જોડિયાં બાળકોમાં જ એકસરખા જિન્સ હોવાથી સરખા જ વિકાસ પામે છે, તેમાં પણ જો માતાના એક જ અંડકોષમાંથી તે બાળકોના જિન્સ વિકસ્યા હોય, જેને “યુનિ ઓવ્યુલર ટ્વીન્સ” કહે છે, તો તેના જિન્સ સમાન હોવાથી, બંને એક જ જાતિના અને કાર્બનકોપી જેવા સમાન હોય છે, પરંતુ જો જુદા જુદા અંડકોષ ફલિત થયા હોય તો બંનેમાં જુદાંપણું હોઈ શકે છે, જેને “બાયનોવ્યુલર ટ્વીન્સ” કહે છે.

ગર્ભાવસ્થામાં પરિસ્થિતિના પરિબળો જેવાં કે માતાનું પોષણ, ખોરાક, બીમારીઓ, નશીલા પદાર્થોનું સેવન વગેરેનો ગર્ભના વિકાસ ઉપર પ્રભાવ પડે છે. સાથે સાથે માતાની લાગણીઓ અને ભાવનાઓનો પ્રભાવ પણ ગર્ભ ઉપર પડતો જોવા મળે છે.

બાળકના જન્મ બાદ વારસાગત પરિબળોથી તેને મળેલા જિન્સ દ્વારા તેની ઊંચાઈ, રંગ, નાકનો આકાર વગેરેનો વિકાસ થતો જોવા મળે છે, છતાં આ બધા પર પરિસ્થિતિ અને વાતાવરણનો પ્રભાવ પણ પડતો હોય છે. ખાસ કરીને સંસ્કૃતિ, ખોરાક અને પોષણ ધર્મ, જાતિ, માધ્યમો જેવાં કે ટી.વી., અને રેડિયો વગેરેનો બાળકના વિકાસ ઉપર ઘણો આધાર રહે છે. બાળકને સાઈકલ ચલાવવાની કે તરવાની તક આપી તેનો મહાવરો કરે તો જ તેના સ્નાયુઓ વિકસીને બાળક તે મુજબ શીખી શકે છે.

બુદ્ધિશક્તિના વિકાસ ઉપર પણ જિન્સનો પ્રભાવ હોય છે. ભાષાકીય વિકાસમાં પણ વારસો અને પરિસ્થિતિનો પરસ્પર વ્યવહાર જોઈ શકાય છે. બાળકના ભાવનાત્મક અને વ્યક્તિત્વના વિકાસમાં પણ વારસો અને પરિસ્થિતિનો આધાર રહેલો હોય છે. આમ, વારસાગત અને પરિસ્થિતિજન્ય પરિબળો વચ્ચે થતાં સતત અને પરસ્પર વ્યવહારના પરિણામ સ્વરૂપે બાળકનો વિકાસ થાય છે.