બાળ વાર્તા : બટુક અને બબલી - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : બટુક અને બબલી

બાળ વાર્તા : બટુક અને બબલી

 | 6:27 pm IST

એક હતી છોકરી. નામ એનું નેહલ. સરસ મોટા એક બંગલામાં રહે.

રસોડાની ગટરમાં વંદાભાઈનું કુટુંબ રહે. વંદાભાઈ, વંદીબહેન અને એમનાં બે છોકરાં. બાબાનું નામ બટુક અને બેબીનું નામ બબલી.

રોજ સાંજે નેહલના ઘરનાં સૌ જમી રહે પછી મમ્મી-પપ્પા ટીવી જોવા લાગે ને નેહલ એની રૃમમાં વાંચવા જતી રહે. મોડેથી તરસ લાગતાં નેહલ રસોડામાં પાણી પીવા જાય ને વંદાભાઈ દેખાય. નેહલ ચીસાચીસ કરે. બીજી રૃમમાંથી મમ્મી બૂમ પાડે, “શું થયું બેટા?” નેહલ કહે, “મમ્મી, આ વંદા…” આ સાંભળી મમ્મી હાથમાં સાવરણી લઈને આવે ને વંદા ગટરમાં જતા રહે. પછી મમ્મી “ગટર પર આજેય પથરો મૂકવો રહી ગયો” કહી પથરો મૂકી દે.

વંદાભાઈ અને વંદીબહેન અંધારું થતાં રોજ રસોડામાં આવી પહોંચે. ખોરાકના કણ પડયા હોય તે લઈ ગટરમાં નીચે જાય. ગટરમાં નીચે એમનું ઘર હતું. ત્યાં એમનાં બચ્ચાં સાથે રહેતા. વંદો-વંદી બહાર જાય ત્યારે બચ્ચાંઓેને શીખ દેતાં જાય.

“આઘાપાછા થશો નહીં… ક્યાંય હમણાં જશો નહીં.”

બટુક પૂછે, “મમ્મી, અમેય તમારી જોડે આવીએ?”

વંદી કહે, “બેટા, હજી તમે નાના છો. ત્યાં તમે ક્યાંક સાવરણીની ઝપટમાં આવી જાવ તો રામ રમી જાય.”

બબલી પૂછે, “સાવરણીની ઝપટ? એવું કોણ કરે?”

વંદો કહે, “ઉપર રહેતા માનવીઓ… તમે મોટા થશો પછી સમજાઈ જશે.”

આમ રોજ વાતો કરે. બચ્ચાં સાથે જવાની હઠ કરે પણ મા-બાપ ન લઈ જાય. એકલાં જ રસોડામાં જાય ને ખાવાનું લઈ આવે. પછી બેયને હેતથી ખવરાવે. દિવસે એ સૌ આરામ ફરમાવે. આપણો દિવસ એ એમની રાત ને આપણી રાત એ એમનો દિવસ. એમને અંધારામાં જ હરવું ફરવું ફાવે. એ મૂછો વડે જ ગંધ પારખે ને દિશા નક્કી કરે.

રોજ બબલી ને બટુક મમ્મી-પપ્પાની રજા લઈ નજીકમાં રખડવા જાય. તોય મમ્મી કહે, “પાછાં એકલાં એકલાં ઉપર ન જતાં.” બટુક ને બબલીના મનમાં આથી ઉપર જવાનું આકર્ષણ વધતું જાય. એમને થાય કે ઉપર જઈએ તો શું થાય? એકલાં પડે ને આ અંગે રોજ વાતચીત કરે.

“ભૈ, મમ્મી-પપ્પા આપણને ઉપર કેમ લઈ જતાં નથી?”

“કદાચ ઉપર રાક્ષસ રહેતા હશે, એ આપણને ખાઈ જાય.”

“એક વાર છાનાંમાનાં જઈએ તો ખરા.” બબલી કહેતી.

“એના કરતાં મમ્મી-પપ્પાની પાછળ પાછળ જઈએ તો…?” બટુકની આ વાત બબલીને ગમી.

બીજી રાતે વંદો-વંદી ઉપર રસોડા તરફ જવા નીકળ્યા, તો બચ્ચાંય છાનાંમાનાં પાછળ-પાછળ ગયાં. વંદો-વંદી ગટરમાંથી નીકળી છેક રસોડામાં ગયાં. બચ્ચાંઓએ પણ રસોડામાં ડોકિયું કરી લીધું. કેટલી વિશાળ જગ્યા હતી! અહીં તો દોડાદોડી કરવાની મજ્જા પડે!

થોડી વારે મમ્મી-પપ્પાને આવતાં જોઈ ગટરમાં જતાં રહ્યાં ને ઝટઝટ ઘરભેગાં થઈ ગયાં.

બીજે દિવસે બંને જણ આમ જ મમ્મી-પપ્પાની પાછળ નીકળ્યાં. ગટરની બહાર પણ નીકળ્યાં ને આમતેમ જોવા લાગ્યાં. એટલામાં મમ્મી-પપ્પાની નજર એમના પર પડી. વંદી કહે, “તમે ક્યાં આવ્યાં? ઝટ ઘરભેગાં થઈ જાવ.” પણ બટુક કહે, “મમ્મી, ચિંતા ના કર, કાલેય આવેલાં પણ તને ખબર પડેલી?” આ સાંભળી વંદાને થયું કે બચ્ચાં હવે સમજણાં થઈ ગયાં છે, ભલે આવતાં.

એટલામાં નેહલ રસોડામાં પાણી પીવા આવી. લાઇટ કરી. રસોડામાં ત્રણ-ચાર વંદા જોતાં જ ચીસાચીસ કરવા લાગી. વંદો-વંદી તો રોજની જેમ ગટરમાં ઘૂસી ગયાં, પણ બચ્ચાં બીજે છુપાઈ રહ્યાં. એટલામાં ઝાડુ લઈ મમ્મી આવી ને પછી

બોલતાં-બોલતાં ગટર પર પથરો મૂકી જતી રહી ને પછી નેહલ નાસ્તો કરવા બેઠી.

બટુક ને બબલી પછી ગટર સુધી ગયાં ખરાં પણ એના પર પથરો હતો. હવે? રસ્તો બંધ થઈ ગયો હતો. આ જોઈ બંને શિયાંવિયાં થઈ ગયાં ને રડવા લાગ્યાં. એમના રડવાનો અવાજ નેહલના કાને પડયો. “આ કોણ રડે છે? શું થયું?”

બચ્ચાં કહે, “નેહલબહેન સાંભળો વાત, અમે નાની વંદાની જાત, અમને તમે મદદ કરો, જરા દિલમાં દયા ધરો.” આ સાંભળી નેહલના દિલમાં દયા ઉપજી. તે કહે, “જે હોય તે સામે આવો અને કહો” ને બંને બચ્ચાં નેહલ સામે આવ્યાં. વંદા જોતાં નેહલ ડરી ગઈ પણ આ તો રોજ કરતાં નાનાં બચ્ચાં હતાં, એટલે ખાસ ડરવા જેવું ન લાગ્યું.

બચ્ચાં હાથ જોડીને કહે, “બહેની, ગટરમાં અમારું ઘર છે. એ રસ્તો બંધ છે. ઉઘાડો તો જવાય. અંદર અમારાં મમ્મી-પપ્પા રાહ જોતાં હશે.”

નેહલને બચ્ચાંઓની દયા આવી ગઈ. તે બોલી, “ગભરાઓ નહીં હોં. હું પથરો લઈ લઉં એટલે જતાં રહેજો હોં.”

નેહલ ઊભી થઈ. ગટર પરથી પથરો ખસેડયો. બચ્ચાં ઝટ અંદર ગયાં. અંદર એમનાં મમ્મી-પપ્પા રાહ જોતાં હતાં. બચ્ચાંઓને જોતાં રાજીનાં રેડ થઈ ગયાં. બંનેએ એક-એકને બાથમાં લઈ વહાલ કર્યું.

ઘરે જતાં રસ્તામાં બટુક બોલ્યો, “મમ્મી, એ છોકરી દયાળુ કહેવાય હોં. અમે વિનંતી કરી કે પથરો લઈ લીધો.”

આ સાંભળી વંદો કહે, “બેટા, બધા માનવી કંઈ રાક્ષસ જેવા નથી હોતા. કોક તો દેવ જેવાય હોય છે!”