બાળ વાર્તા : ભોપો ચાલ્યો મોસાળ - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : ભોપો ચાલ્યો મોસાળ

બાળ વાર્તા : ભોપો ચાલ્યો મોસાળ

 | 6:06 pm IST

શાળામાં ઉનાળાની રજાઓ પડી. ભોપો કહે, “મમ્મી, હવે હું મામાને ઘેર જાઉં?” એટલે વિનોદાબહેન કહે, “એકલો જાય ને ભૂલો પડે તો?” “મામાને ફોન કર મને તેડી જાય.” ભોપાએ ઉપાય બતાવ્યો.

વિનોદાબહેને ફોન કર્યો પણ મામાને નવરાશ ન હતી. અહીં પણ ભોપાનાં મમ્મી-પપ્પા નવરા ન હતાં. ભોપાના મામા શહેરમાં રહેતા હોત તો વાત જુદી હતી, પણ એ તો ગામડે રહેતા હતા. એમને ત્યાં જવા ભોપાને એસ.ટી. બસમાં જવું પડે. એસ.ટી.માં આ અગાઉ ભોપો મમ્મી સાથે ઘણી વાર મામાને ત્યાં ગયો હતો. પપ્પાને નવરાશ હોય ત્યારે સ્કૂટર લઈને જતાં હતાં.

ભોપો કહે, “મમ્મી, તું મને થેલી ભરી દે ને પાલડી આવી બસમાં બેસાડી દે એટલે હું એકલો જતો રહીશ.” પણ મમ્મીનું મન માનતું ન હતું. કહે, “કદાચ તું ભૂલો પડે તો?”

ભોપો કહે, “નહીં પડું. મને ખબર પડે છે. કડી જતી બસમાં બેસવાનું ને વચ્ચે મામાનું ગામ આવે એટલે ઊતરી જવાનું.”

વિનોદાબહેનને થયું કે ભોપો હવે મોટો થયો છે. એને હવે આવી બધી ખબર પડે. રાત્રે ભોપાના પપ્પા ઉમેશભાઈ સાથે વાતચીત કરી નક્કી કર્યું કે ભોપાને બસમાં બેસાડી દેવો ને એના મામાનેય ફોન કરીને કહી દેવું. ભોપો પહોંચી જાય એટલે મામા ફોન કરી જણાવી દે.

આમ, ભોપાને મોસાળ જવાનું નક્કી થયું. ભોપો બહુ રાજી થયો. સવારે ઉમેશભાઈ તો નોકરીયે જવા નીકળી ગયા. બપોરે ભોજન પછી ભોપાને બસમાં બેસાડવાનું મમ્મીએ નક્કી કર્યું ને ભોપો તેની મમ્મી સાથે તૈયાર થઈ બહાર નીકળ્યાં. એટલામાં સોસાયટીના જગદીશભાઈ નાકા પર સ્કૂટર લઈને મળ્યા. કહે, “વિનોદાભાભી, ક્યાં ઊપડયાં? પિયર?”

“ના ભૈ, હું ક્યાંય જતી નથી. ભોપાને મોસાળ જવું છે તે પાલડી બસમાં બેસાડવા જાઉં છું.”

“ભાભી, હું એ તરફ જ જાઉં છું. કહેતા હો તો હું ભોપાને બસમાં બેસાડતો જઈશ.” વિનોદાબહેનને પણ એ વાત ઠીક લાગી. એટલે જગદીશભાઈને બધી સમજ પાડી. જગદીશભાઈ કહે, “ચિંતા ન કરો. ભોપાને બેસાડયા પછી જ જઈશ. મારેય ઉતાવળ જેવું નથી.”

ને ભોપાને સ્કૂટર પર બેસાડી ટા… ટા કહી વિનોદાબહેન ઘેર ગયાં. જગદીશભાઈ પાલડીના સ્ટેન્ડ પર પહોંચ્યા. સ્કૂટર બાજુમાં સ્ટેન્ડ કર્યું ને બસની રાહ જોતાં ઊભા રહ્યા. થોડી વારે કડી જનારી લાલ બોર્ડવાળી બસ આવી. જગદીશભાઈએ ભોપાને બસમાં બેસાડી દીધો.

બસમાં ગિરદી હતી પણ ભોપાને વાંધો ન આવ્યો. થોડી વારે કંડક્ટર આવ્યો. ભોપો કહે, “અણખોલની ટિકિટ આપો.” કંડક્ટર કહે, “આ તો એક્સપ્રેસ બસ છે. અણખોલ ના ઊભી રે.” સીધી કલોલ ને પછી કડી..! આ સાંભળી ભોપાનો ચહેરો વિલાઈ ગયો. ત્યાં કંડક્ટરે જ પૂછયું, “એકલો જ છે?” “હા.” “તો એમ કર. કલોલની ટિકિટ આપું છું. ત્યાં ઊતરી જજે. ત્યાંથી લોકલ બસમાં બેસજે.” આ ઉપાય સાંભળી ભોપાનો ઊડી ગયેલો આનંદ પાછો ફર્યો. કંડક્ટરે ટિકિટ આપી.

કલોલ આવી ગયું. ભોપો નીચે ઊતર્યો. બહુ મોટું સ્ટેશન અને ઘણી બધી બસો જોઈ ભોપો ફરી મૂંઝાયો. પાણીવાળા કાકાને પૂછયું, “કડી તરફ જનારી બસ ક્યાં ઊભી રહે છે?”

“અહીં જ આવશે.” ને ભોપો ત્યાં ઊભો રહ્યો. બસો આવતી હતી પણ એમાં કાળા બોર્ડવાળી બસ એકેય ન હતી. એક્સપ્રેસ બસો હતી. ભોપો બસની રાહ જોઈ જોઈને થાકી ગયો. આમ ને આમ છ વાગી ગયા. ભોપા પાસે મોબાઇલ પણ ન હતો. ને એટલામાં ક્યાંય ફોન થાય એવી સગવડ ન હતી.

છ વાગ્યે ભોપાના કનુમામાનો વિનોદાબહેન પર ફોન આવ્યો કે ભોપો હજી આવ્યો નથી. આ સાંભળી તેમને ચિંતા થઈ. જગદીશભાઈના ઘેર જઈ એમને ફોન કર્યો તો એમણે ભોપાને બસમાં બેસાડેલો એવું કહ્યું, પણ ભોપો હજી અણખોલ પહોંચ્યો ન હતો. ભોપો ક્યાં અટવાયો? કે પછી…

ને વિનોદાબહેને ઉમેશભાઈને ફોન કરી બધી હકીકત જણાવી. ઉમેશભાઈ તાબડતોબ સ્કૂટર પર ઘેર આવ્યા. ફરી કનુમામાને ફોન જોડી ખાતરી કરી ને પછી ભોપાને શોધવા સ્કૂટર લઈ બંને જણ ઘર બંધ કરી નીકળી પડયાં.

તેઓ કલોલના બસસ્ટેશનમાં ગયાં. પાણીવાળા કાકાને વાત કરી તો એ કાકા કહે, “એક છોકરો કડીની બસનું મને પૂછતો હતો. એણે પીળું શર્ટ ને વાદળી પેન્ટ પહેર્યું હતું ને હાથમાં સફેદ થેલી હતી…” “હા, હા, એ જ અમારો બાબો… ક્યાં છે?” વિનોદાબહેન બોલ્યાં.

“ખબર નહીં… ઘેર જવાનું કહેતો હતો.” ઉમેશભાઈ સ્કૂટર લઈ બહાર રોડ પર આવ્યા. બંને ખૂબ મૂંઝાયેલાં હતાં. એટલામાં એમનો મોબાઇલ રણક્યો. નંબર અજાણ્યો લાગ્યો. ચિંતાતુર સ્વરે બોલ્યા, “હેલ્લો… કોણ?” સામેથી અવાજ આવ્યો, “પપ્પા, એ તો હું ભોપો…” “તું ક્યાં છે? મજામાં છે ને?” “પપ્પા, ચિંતા ન કરો. હું ઘેર પહોંચી ગયો છું ને બહાર સોસાયટીની એક દુકાનેથી ફોન કરું છું, પણ ઘર બંધ છે. મમ્મીય નથી…”

આ સાંભળી બંનેને હાશ થઈ. એમને થયું કે ભોપો ખોવાયો નથી કે એને કોઈ ઉપાડી ગયું નથી. ફોન પર આગળ વાત કરતાં ભોપાએ જણાવ્યું, “પપ્પા, જગદીશકાકાએ મને લાલ બોર્ડવાળી બસમાં બેસાડયો જે અણખોલ ઊભી રહેતી ન હતી. કંડક્ટરે મને કલોલ ઉતાર્યો. ક્યાંય સુધી ઊભો રહ્યો પણ લોકલ બસ ન આવી એટલે પછી અમદાવાદની બસમાં બેસી પાછો આવી ગયો.”

ઉમેશભાઈ કહે, “બેટા, થોડી વાર જગદીશકાકાના ઘરે બેસ. અમે કલોલ તને શોધવા આવ્યાં હતાં. હાલ જ પાછાં આવીએ છીએ હોં!”

એ પછી ઉમેશભાઈએ કનુમામાને ફોન કરી સારા સમાચાર આપ્યા ને પછી સ્કૂટર અમદાવાદના રસ્તા પર દોડાવી મૂક્યું.