બાળ વાર્તા : ભોપાએ કરી ઘોડે સવારી - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : ભોપાએ કરી ઘોડે સવારી

બાળ વાર્તા : ભોપાએ કરી ઘોડે સવારી

 | 7:41 am IST

દલીચંદ શેઠનો વેપાર બહારગામ પણ ચાલે. આજુબાજુનાં ગામડાંમાં પણ શેઠના ઘરાક હતા. અઠવાડિયે એકાદ દિવસ શેઠને ઉઘરાણી માટે ફરવાનું થાય. એ માટે શેઠ ઘોડાગાડી રાખે. ઘોડાની દેખભાળ કરવાનું કામ અબ્દુલચાચા કરે. અબ્દુલચાચા ઘોડાને ચારો-પાણી કરે. ઘોડાને પાણી પાવા તળાવે લઈ જાય. ક્યારેક ઘોડાને ગામની સીમમાં ચરવા પણ લઈ જાય. શેઠને બહારગામ જવાનું થાય ત્યારે અબ્દુલચાચા જ ઘોડાગાડી હાંકી લે.

ઘરનો નોકર ભોપો આ બધું જુએ. તેને ઘોડો બહુ ગમે. ઘરકામમાંથી નવરો પડે એટલે ઘોડા પાસે પહોંચી જાય. ઘોડાના ડિલે હાથ ફેરવો. અબ્દુલચાચા જોડે વાતોય કરે. ચાચાને કહે, “ચાચા, મને ઘોડા પર એક વાર બેસાડોને?” ચાચા હસીને કહે, “બેસાડીશ.” ભોપો પૂછતો, “પણ ક્યારે?” ચાચા કહેતાં, “સમય આવે ત્યારે.” રોજ ચાચા આમ કહે. ભોપાને થાય કે એવો સમય ક્યારે આવશે? ક્યારેક શેઠાણી ભોપાના કામથી ખુશ થતાં ત્યારે ભોપો કહેતો, “શેઠાણીબા, મારી એક ઇચ્છા છે.” શેઠાણી પૂછતાં, “કેવી ઇચ્છા?” “મારે એક વાર આપણા ઘોડા પર બેસવું છે. તમે શેઠબાપાને કહોને?” “સમય આવ્યો જરૂર કહીશ હોં!” “શેઠાણીનો જવાબ સાંભળી ભોપો ગૂંચવાતો. શેઠાણીય ચાચાની જેમ ‘સમય આવ્યે ત્યારે’ અમે કહે, પણ એવો સમય ક્યારે આવશે?”

ને એક દિવસ એવો સમય પણ આવ્યો. અબ્દુલચાચા બીમાર પડી ગયા. તેઓ ઘોડાની દેખભાળ કરવા આવી શકતા ન હતા. એટલે શેઠે ભોપાને બોલાવી કહ્યું, “ભોપા, જો સાંભળ. ચાચા હમણાં બીમાર છે. આ બે-ચાર દિવસ ઘોડાની દેખભાળ તારે રાખવાની છે.” આ સાંભળી ભોપો રાજી થતાં કહે, “ભલે શેઠબાપા, તમે જરાય ચિંતા ન કરો.” “તારે એને દોરીને પાણી પાવા લઈ જવાનો ને એટલામાં થોડો ફેરવી પછી ઘરે લાવવાનો. સમજ્યો?” “સમજી ગયો શેઠબાપા.” ભોપો રાજી થતાં બોલ્યો.

આટલું કહી શેઠ તો પેઢી પર ગયા. આ બાજુ ભોપાએ ઘરનું કામકાજ ઝટપટ પતાવ્યું. પછી શેઠાણીને કહી ઘર પાછળના વાડામાં ગયો, જ્યાં ઘોડો બાંધેલો હતો. ભોપાએ ઘોડાને બૂચકાર્યો. ઘોડાએ ભોપા સામે જોયું અને થોડું હણહણ્યો. તેણે ભોપાને ઓળખ્યો. ભોપાએ ફરી બૂચકારો કર્યો ને જાણે ઘોડો સમજતો હોય એમ બોલ્યો, “ઘોડો ભૈ જો સાંભળ, ચાચા હમણાં બીમાર છે. એટલે મારે તારી સંભાળ રાખવાની છે. મને તારો ભૈબંધ ગણજે હોં! ચાલ, તને પાણી પાવા લઈ જાઉં.” ને પછી દોરડું ખીલેથી છોડી ભોપાએ ઘોડાને દોર્યો. ભોપો બૂચકારતો આગળ ને ઘોડો વટબંધ તેની પાછળ!

પાદરમાં એક-બે જણે પૂછયું પણ ખરું, “અલ્યા ભોપા, આજ ઘોડાને તું લઈ જાય છે? અબ્દુલચાચા ક્યાં ગયા?”

“એ બીમાર પડયા છે.” ભોપો બોલ્યો, “ભલે સાચવીને લઈ જજે. આ તો જાનવર.” કોઈએ સલાહ આપી પણ ભોપાને એ ન ગમી.

પહેલા દિવસે ઘોડાને પાણી પાઈ, થોડો ફેરવી ભોપો ઘરે લઈ આવ્યો. આ વાતની ખુશી એણે

શેઠ-શેઠાણી આગળ વ્યક્ત કરી. તેઓ પણ રાજી થયાં. બીજે દિવસે પણ ભોપો ઘોડાને લઈ નીકળ્યો. પાણી પાઈ, ફેરવીને પાછોય લઈ આવ્યો. ઘોડો હવે ભોપાથી ટેવાઈ ગયો હોય એમ લાગ્યું.

ત્રીજ દિવસે પણ ચાચા ન આવી શક્યા. એ જાણી ભોપો રાજી થયો. તે ઘોડો લઈ નીકળ્યો. ભોપાએ મનમાં નક્કી કરી લીધું કે આજે તો ઘોડા પર સવારી કરવી છે. ભોપો ઘોડાને પાણી પાઈ નજીક આવેલી દેરી પાસે દોરી ગયો. દેરીની ફરતે ઊંચો ઓટલો હતો. ભોપાએ ઘોડાને ઓટલાની ધાર નજીક ઊભો રાખ્યો. પોતે ઓટલા પર ચડયો ને પછી ઘોડાને બૂચકાર્યો. તેના ગળે હાથ ફેરવ્યો ને પછી કૂદકો મારી તેના ઉપર બેસી ગયો. આ તો ઘોડાગાડી ખેંચતો ઘોડો હતો. ઘણા સમયથી તેના પર કોઈ સવાર થયું ન હતું. ભોપો ઉપર બેઠો એટલે ઘોટો ભડક્યો. તે ઝડપથી દોડવા લાગ્યો. ભોપાએ આવી આશા રાખી ન હતી. તેણે ઘોડાની ગરદન પરના વાળ પકડી લીધા. ઘોડો વધારે ભડક્યો. તે આગળના ચાર પગે ઊંચો થઈ ગયો ને ધડામ… કરતા ભોપાભાઈ જમીન પર પટકાયા. ને ઘોડો દોડતો નીકળી ગયો.

ઘોડો ઘેર આવી ગયો. શેઠ જમવા ઘેર આવેલા. એકલા ઘોડાને જોઈ તેમને સવાલ થયો. ભોપો ક્યાં? શેઠે શેઠાણીને બૂમ પાડી બહાર બોલાવ્યાં. એય નવાઈ પામ્યાં. શેઠાણીને થયું કે ભોપો કોઈની હારે વાતો કરવા રોકાઈ ગયો હશે. વાતોડિયો!”

એટલામાં કેટલાય જુવાનિયા ભોપાને ઊંચકીને આવતા દેખાયા. ભોપાને ખાટલામાં ઊંઘાડયો. એક જણ કહે, “ભોપાને ઘોડાએ પછાડયો. અમે નજીકમાં રમતા હતા એટલે પહોંચી ગયા.”

શેઠ-શેઠાણીએ ભોપાના પરાક્રમની કથા સાંભળી અને માથું કૂટયું. ભોપાને હાડવૈદની દવા કરાવી. ભોપાને મહિનો આરામ કરવો પડયો. ભોપાને આ પ્રથમ ઘોડેસવારી બહુ મોંઘી પડી ગઈ!