બાળ વાર્તા : ચકલીઘર - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : ચકલીઘર

બાળ વાર્તા : ચકલીઘર

 | 7:31 am IST

દીયા દફતર લઈ ભણવા બેઠી. એટલામાં ચકો-ચકી અંદર આવી ચીં… ચીં… કરવા લાગ્યાં. દીયાનું ધ્યાન એ તરફ ગયું. ચકો-ચકી ચાંચમાં તણખલાં લઈને આવ્યાં હતાં. દીવાલ પર અંબેમાનો ફોટો લટકતો હતો. તેની પાછળ જગ્યામાં ઘૂસતાં, ચીંચીં કરતાં ને આમતેમ ઊડતા. દીયાને જોવાની મજા પડી. એટલામાં મમ્મી આવી પહોંચી, “દીયા, શું કરે છે?” “લેસન કરું છું મમ્મી” દીયા બોલી. “પણ તારું ધ્યાન ક્યાં છે?” ને મમ્મીએ ઊંચે જોયું, “હં… ફરી ચકલાં આવ્યાં, એમ! ગઈ કાલ તો બધાં તણખલાં નાખી દીધાં હતાં તોય પાછાં આવી ગયાં? નફ્ફટ…!”

“મમ્મી, એ બિચારા જાય ક્યાં?”

“ક્યાં તે બીજાને ઘેર, પણ એ તારી જેમ ઉડાડી મેલે એટલે પછી ક્યાં જાય?” દીયાએ બચાવ કર્યો.

“દીયા” મમ્મી ખિજાઈ. છાનીમાની લેસન કર ને બારી બંધ કરી દે એટલે ચકલાં ન આવે.” આમ કહી મમ્મીએ ચકલાંને ઉડાડયાં. દીયાએ નાછૂટકે બારી બંધ કરી. તે સૂનમૂન થઈ ગઈ. મમ્મી.. આવું શીદ કરતી હશે? અમારા ટીચર કહેતાં હતાં કે કેટલાંક પંખીઓ ઝાડ પર માળો કરે ને કેટલાંક ઘરમાં. ચકલી જો ઝાડ પર માળો કરે તો શિકારી પંખીઓ એનાં ઈંડાં ખાઈ જાય. એને હેરાન પણ કરે. આવી નાનકડી ચકલીને કોઈ ઘરમાં ન પેસવા દે તો બિચ્ચારી એ જાય ક્યાં? સ્કૂલમાં રિસેસમાં દિયાએ ટીચરને ચકલીની વાત પૂછી, “મેડમ, ચકલી ઘરમાં માળો ન કરે અને બહાર કરે તો ન ચાલે?” “ના બેટા, એ બહુ નાનું અને ગભરું પંખી છે. છત પર કે પછી છાપરામાં માળો કરે તો બિલાડીની બીક રહે. એટલે જ્યાં બિલાડી ન આવી શકે તેવી જગ્યા એ ઘરમાં શોધે છે. મોટેભાગે એ ફોટા પાછળ માળો કરે.” ટીચરે મસજાવ્યું.

“પણ કોઈ માળો ન કરવા દે તો એનું શું થાય?”

“જો બધાં એમ કરે તો ચકલાંનો વંશવેલો ન વધે. એ બિચારી શું કરે? આપણાં ઘરમાં ફક્ત આપણે જ રહેતાં નથી. નાનાં જીવજંતુઓ જેવાં કે ગરોળી, કરોળિયા, વંદા, ઉંદર ને ફૂદાં કે નાનાં જીવડાં, કીડી, મંકોડા વગેરે પણ રહે છે ને? હવે તમે એમને ઘરમાંથી દૂર કરવા દવા છાંટો તો એ બિચારાં મરી જાય. યાદ રાખો કે આપણું ઘર એ ફક્ત આપણું જ ઘર નથી. એમાં અન્ય જીવોને પણ જીવવાનો હક છે.” દીયાને ટીચરની વાત સમજાઈ ગઈ, પણ આ વાત મમ્મીને કોણ સમજાવે? તે સાંજે દીયાએ પપ્પાને બધી વાત કહી. સ્કૂલમાં ટીચર સાથે જે વાત થઈ હતી તે પણ કહી. પછી બોલી, “પપ્પા, ઘરમાં ચાર-પાંચ દિવસથી ચકો-ચકી માળો કરવા આવે છે, પણ મમ્મી એમને માળો કરવા દેતી નથી.”

“બેટા, ચકલી માળો કરે એની ના નહીં પણ ઘરમાં એ કચરો કરે છે. મમ્મી એટલે ખિજાય છે. વળી એ સતત ચીંચીં કરી એને ઊંઘવા દેતી નહીં હોય.” “એનો કોઈ બીજો ઉપાય ખરો?” એટલે પપ્પા કહે, “વિચારીશ.”

બીજે દિવસે પપ્પા ઘેર આવ્યા ત્યારે એમના હાથમાં એક અવનવી ચીજ હતી. ઘરમાં પ્રવેશતાં જ પપ્પાએ બૂમ પાડી, “દીયા, ક્યાં છે? અહીં આવ જો… એક નવી ચીજ બતાવું.” દીયા દોડતી આવી. પપ્પાના હાથમાં ‘ચકલીઘર’ હતું. તે જોઈ દીયા નવાઈ પામી. “આ શું છે પપ્પા?” ‘ચકલીઘર’ પપ્પા બોલ્યા. “ક્યાંથી લાવ્યા?” “બેટા, આપણા દેશમાં કેટલાંક પક્ષીઓને બચાવવાનું એક અભિયાન ચાલે છે. ‘ચકલી બચાવો’ અભિયાન પણ એક છે. તે સંસ્થાવાળા લોકો આવાં ઘર બનાવી મફતમાં વિતરણ કરે છે.” “આ તો બહુ સરસ ઘર છે. ચકીને મજા પડશે, પણ એને ક્યાં મૂકીશું? ઘરમાં તો મમ્મી…” દીયા અચકાઈ.

“એને ઘરની બહાર લટકાવીશું. જ્યાં તડકો ન આવે, વરસાદ ન નડે અને બિલાડી કે અન્ય શિકારી પક્ષી હેરાન ન કરે એવી જગ્યાએ દીવાલ પર ભરાવીશું: પછી ચકી એમાં માળો કરશે ને ઈંડાં મૂકશે.” એટલામાં દીયાની મમ્મીય આવી પહોંચી, “આ શું લાવ્યા?” દીયા તરત બોલી, “મમ્મી, આ ચકલીઘર છે. તારે હવે ચકલાંને ઉડાડવા નહીં પડે હોં!” કહી દીયા હસી. પછી દીયાના પપ્પાએ દીયાની મમ્મીને બધું સમજાવ્યું. તરત જ મમ્મી ઘરમાં જઈ હથોડી ને ખીલી લઈ આવી. પપ્પાએ ઘરના દરવાજા પાસે બહારની તરફ સહીસલામત જગ્યાએ ખીલી લગાવી ને ત્યાં ‘ચકલીઘર’ લગાવ્યું. બીજે દિવસે દીયાએ જોયું તો ચકો-ચકી પેલા ચકલીઘરમાં ગુસપુસ કરતાં હતાં. દીયાએ બૂમ પાડી મમ્મી-પપ્પાને બહાર બોલાવ્યાં, “જુઓ… ચકો-ચકી કેવાં ખુશ થયાં!”  ને દીયા તાળી પાડી નાચવા લાગી. આ જોઈ એનાં મમ્મી-પપ્પા ખુશ થયાં. પપ્પાએ દરવાજાની ઊંચી બેઠક પર પ્લાસ્ટિકની ડિશમાં થોડા દાણા અને નાની વાડકીમાં પાણી ભરી ત્યાં મૂક્યાં. પછી તો ચકો-ચકી દાણા ખાય છે, પાણી પીએ છે ને ચીં.. ચીં.. કરતાં માળો બનાવે છે.

ચકો-ચકી ખુશ, દીયા પણ ખુશ!