બાળ વાર્તા : પપલુનું વાદળ - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : પપલુનું વાદળ

બાળ વાર્તા : પપલુનું વાદળ

 | 1:00 pm IST

ઉનાળાની જોરદાર ગરમીથી સુંદરવનનાં તમામ પ્રાણીઓ ત્રસ્ત હતાં. ખાસ કરીને વાંદરાઓની ટોળીને ગરમીને લીધે ખૂબ જ હેરાનગતિ હતી. તેઓ ઝાડ પર રહેવા ટેવાયેલાં હતાં અને ગરમીને લીધે ઝાડવાંની હાલત પણ ખરાબ હતી. સુંદરવનની વાનરટોળીમાં એક પપલુ નામનો વાંદરો હતો. પપલુને ઉનાળો સહેજે ન ગમતો. એક વાર ખૂબ ગરમી પડી તો પપલુએ આકાશ સામે જોઈને વાદળાંને ફરિયાદ કરી.

“તું આમ કોરુંધાકોર થઈ જાય છે એમાં અમને કેટલી બધી તકલીફ પડે છે એનું ભાન છે કાંઈ? આ ગરમીથી બચવા માટે થોડો વરસાદ તો આપ ડફોળ!”

વાદળ તો પપલુની વાત સાંભળીને હસી પડયું અને બોલ્યું, “લ્યા વાંદરાભાઈ, અત્યારે વળી શેનો વરસાદ? વરસાદ તો ચોમાસામાં જ સારો લાગે. અત્યારે હું ન વરસી શકું. જો અત્યારે વરસી પડું તો તમને જ તકલીફ થાય.”

પપલુ બોલ્યો, “અમને તો મજા પડે લ્યા, તું એની ચિંતા ન કર અને વરસી પડ ઘડીક તો આ ગરમીથી રાહત તો મળે.”

વાદળ તો વરસવાની ના કહીને ચાલતું થયું આગળ. પપલુને હવે વાદળ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે પણ કૂદકા મારતો મારતો અને હૂપહૂપ કરતો તેની પાછળ ગયો. પપલુને વાદળની પાછળ પડેલો જોઈને જિમી જિરાફને વાતમાં રસ પડયો. તેણે આખી હકીકત પૂછી અને તે પણ પપલુની સાથે વાદળને પકડવા ગયું.

વાદળનો પીછો કરતાં કરતાં બેઉ એક ઊંચી ટેકરી પર પહોંચી ગયાં. આ ટેકરી પર તેમને જરીક ટાઢક લાગી. ઉપર જોયું તો ઘણાં વાદળાં હતાં. પપલુએ ફરી વાદળાઓને ગરમીની ફરિયાદ કરી અને વરસી પડવાનું કહ્યું.

બધાં વાદળાઓ તેમની માગણી પર હસી પડયાં. આ વખતે પેલું વાદળ બોલ્યું, “મારો પીછો કરીને છેક અહીં આવી ગયાં એટલે મારે તમારી મદદ કરવી જોઈએ, પણ અત્યારે અમારાથી વરસી ન પડાય.”

પપલુ અને જિમી જિરાફ તો એકે વાત સાંભળવા તૈયાર નહોતાં. તેમણે તો ગરમીથી બચવા વાદળ વરસે જ એવી જિદ્દ પકડી. બેઉની બકબકથી કંટાળીને આખરે એક વાદળ તૈયાર થયું. તેણે કહ્યું, “ચાલો, હું તમારે ત્યાં વરસવા માટે આવું છું, પણ પછી મારી કોઈ જવાબદારી નહીં.”

પપલુ અને જિમી ખુશ થયાં. જિમીની લાંબી ડોકમાં ભરાઈને વાદળ તો અનેક વાંદરાઓ રમતાં હતાં ત્યાં આવી પહોંચ્યું.

વાનરટોળીને રમતી જોઈને પપલુ ખુશ થયો. પોતાનો વટ પાડવા તેણે તમામ વાંદરાઓ પાસે છત્રી મંગાવી. પછી તેણે જિમી જિરાફની ડોકે ભરાયેલા વાદળને વરસવાનું કહ્યું.

વાદળ તો વરસી પડયું. વાંદરાઓએ ઘડીક મજા કરી અને પછી ખૂબ વરસાદ થતાં બધાં છત્રી લઈને ભાગ્યાં.

છેલ્લે, જિમી, પપલુ અને વાદળનો વરસાદ જ રહ્યો. એવામાં જંગલમાં ચોખાની ખેતી કરતું રેન્કો રીંછ આવ્યું. તેણે આવતાંની સાથે જ વાદળને ખખડાવ્યું, “તને કાંઈ ભાન પડે છે કે નહીં. આ ચોમાસાનો ટાઇમ છે તે વરસાદ પાડે છે. તારા લીધે મારા ખેતરનો બધો પાક બગડી ગયો.”

વાદળ દુઃખી થઈને બોલ્યું, “તમારી વાત સાચી છે, પણ આ વાંદરો અને જિરાફ જ મને ટેકરી પરથી તેડી લાવ્યાં. તમારો પાક બગડયો એમાં ખરો દોષ એમનો જ છે” એમ કહીને વાદળ નીકળી ગયું પાછું ટેકરી તરફ.

રેન્કો રીંછ મૂરખ પપલુ અને જિમી જિરાફ પર ખૂબ જ ગુસ્સે થયું અને ફરી વાર આવાં કારનામાં નહીં કરવાનો ઠપકો આપ્યો.