બાળ વાર્તા : કદરૂપું રીંછ - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા : કદરૂપું રીંછ

બાળ વાર્તા : કદરૂપું રીંછ

 | 3:55 pm IST

સુંદરવનમાં એક રીંછ રહેતું હતું. તે બાકી બધાં રીંછ કરતાં ખૂબ જ દેખાવડું હતું. તેનો નાકનકશો તથા ચામડીનો રંગ એકદમ ઘઉંવર્ણા હતા. સુંદરતાને લીધે બીજા જંગલનાં બીજા રીંછ તથા અન્ય પ્રાણીઓ પણ તેની સાથે દોસ્તી કરવા હંમેશાં ઉત્સુક રહેતાં. તેની સુંદરતાને લીધે જ તેનાં માતા-પિતાએ તેનું નામ પણ સુંદર રાખ્યું હતું. આ રીંછને પણ ઘણાં પ્રાણીઓ સાથે દોસ્તી હતી. સુંદરવનના પ્રેસિડેન્ટ લવલી લાયનથી લઈને કિચ્ચુ કીડી સુધ્ધાં તેના દોસ્ત હતા. સુંદરવનનાં પ્રાણીઓમાં આમ તો ઘણો સુમેળ હતો, પણ ક્યારેક ન બનવાની ઘટનાઓ પણ બની જતી. એક દિવસ સુંદર રીંછનો રસ્તો વીરુ વરુએ રોક્યો.

તેણે કહ્યું, “હેલ્લો, સુંદર તું ખરેખર સુંદર છે. તારી સાથે દોસ્તી કરવી મને ગમશે.”

સુંદર રીંછને આખા જંગલમાં રખડેલ ગણાતા વીરુ વરુનાં કારનામાંઓની જાણ હતી. તેણે ખૂબ જ નમ્રતાથી વીરુ વરુને “તેની સાથે દોસ્તી કરવામાં પોતાને રસ નથી” તેમ જણાવી દીધું. જોકે, વીરુ વરુએ સુંદરની વાત સાંભળી જ નહીં અને પોતાની વાત પર જ ટકી રહ્યું. સુંદર રીંછ તો વીરુની વાતને અવગણીને પાછું પોતાના ઘરે જતું રહ્યું. બીજે દિવસે આ જ ઘટના ફરી બની. વીરુ વરુએ સુંદરનો રસ્તો રોક્યો અને પૂછયું, “તું મારી સાથે દોસ્તી કેમ નથી કરતું? તને મારાથી શું સમસ્યા છે?”

સુંદરે ફરી વાર તેની સાથે વાત કરી અને “પોતાને કોઈ જ સમસ્યા નથી પણ તારી સાથે દોસ્તી કરવી નથી” તેમ જણાવ્યું. થોડીક વાત કરીને તે પોતાના રસ્તે નીકળી ગયું. હવે સુંદરને વીરુ વરુને લીધે અકળામણ થવા લાગી હતી, પણ તેને એમ હતું કે તે થોડા દિવસોમાં પોતાની મેળે સમજી જશે. જોકે, વીરુ વરુના મનમાં તો સાવ અલગ જ વાત ચાલતી હતી. તેને એવું લાગ્યું કે આ સુંદરને પોતાની સુંદરતા માટે ખૂબ જ અભિમાન છે એટલે જ તે દોસ્તી નથી કરતું. બીજી વખત તેણે સુંદરને આવી જ વાત કરી. સુંદરે પણ “પોતાને એવું કોઈ જ અભિમાન નથી પણ તારી સાથે દોસ્તી કરવી નથી” તેમ જણાવ્યું. આ ઘટના હવે રોજની થઈ ગઈ. વીરુ વરુ કાયમ તેનો રસ્તો રોકે, સુંદર તેની સાથે થોડી ઘણી વાત કરે અને નીકળી જાય. એક દિવસ વીરુ વરુએ સુંદરવનના છેડે આવેલા સિનેમામાં એક નવી જ આવેલી ફિલ્મ જોવા જવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, સુંદરે તરત જ આ પ્રસ્તાવ નકારી દીધો અને પોતાને અગત્યનું કામ છે તેમ કહી નીકળી ગયું. વીરુ વરુએ આ ઘટનાને પોતાનું અપમાન ગણીને સુંદર સાથે બદલો લેવાનું નક્કી કર્યું. તે જંગલમાંથી કોઈક અજાણી વનસ્પતિ લઈ આવ્યો અને તેનો ભૂકો સુંદરના મોં પર છાંટી દીધો. સુંદર રીંછનું સુંદર મોં અને તેના વાળ બળી ગયા અને તે અચાનક જ કદરૂપું બની ગયું. આ વાત લવલી લાયન પાસે પહોંચી. તેણે તરત જ વીરુ વરુને પકડી લેવાનો આદેશ આપ્યો અને સુંદર રીંછના ઇલાજની વ્યવસ્થા કરી. સુંદર રીંછનો ઇલાજ કરનારા વૈદ્ય ગબન ગેંડાએ તેને પહેલાં હતું એવું કરી દેવા માટે એક વર્ષનો સમય માગ્યો. વીરુને લીધે સુંદર રીંછ એટલું કદરૂપું બની ગયું હતું કે તેનો ચહેરો પણ કોઈ જોવા તૈયાર ન થાય. લવલી લાયને આખી ઘટનાને બહુ જ ગંભીરતાથી લીધી. તેણે વીરુ માટે ખાસ જેલ બનાવી અને તેની ચારે બાજુ કદરૂપા બનેલા સુંદર રીંછની તસવીરો લગાવવામાં આવી. જ્યાં સુધી સુંદરનો ઇલાજ ન થાય ત્યાં સુધી વીરુ વરુએ તેની દરેક પ્રકારની સેવા કરવી તેમ પણ ઠરાવવામાં આવ્યું. રાત-દિવસ, ચોવીસ કલાક વીરુની નજર સામે કદરૂપા બની ગયેલા સુંદર રીંછનો જ ચહેરો રહે તેવી તેમની સજા હતી. આમ એક વર્ષ ચાલ્યું. આખરે સુંદર પોતે હતું એવું થઈ ગયું અને વીરુ રીંછને પણ પોતાના ગુનાહની ભયંકરતા સમજાઈ. એ પછી સુંદરવનમાંથી કદરૂપી બનાવી દેનારી તમામ વનસ્પતિને વીરુએ શોધી શોધીને બાળી દીધી.

  • મેહુલ મંગુબહેન